હેમા શાસ્ત્રી
14ના આંકડાની વાત નીકળે ત્યારે સૌપ્રથમ ભગવાન શ્રી રામના 14 વર્ષના વનવાસનું જ સ્મરણ થાય. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંદર્ભમાં વાત કરીએ તો 14 વર્ષની ઉંમરે જીવનમાં ગજબનાક બદલાવનો અનુભવ કરનાર ‘વિરાર કા છોકરા’ના હુલામણા નામથી જાણીતા બનેલો એક્ટર ગોવિંદ અરુણ આહુજા સાત વર્ષનાં અડધા વનવાસ (14ના અડધા સાત થાય) પછી 56ની છાતી (હિંમત અને મનોબળ) રાખી 56મી (14 ગુણ્યા ચાર 56 થાય) હીરોઈન સાથે એક નહીં, પણ બે ફિલ્મની ઘોષણા કરી કમબેક કરવા થનગની રહ્યો છે.
‘વિરાર કા છોકરા’ ઉપરાંત ‘ચી ચી’ અને ‘હીરો નંબર વન’ જેવાં હુલામણાં નામથી પણ જાણીતા ગોવિંદાએ તાજેતરમાં બે ફિલ્મની ઘોષણા કરી પછી ‘હવે આનું ઈન્ડસ્ટ્રીમાં કંઈ ન ઉપજે’ એવા ગણગણાટ વચ્ચે ગોવિંદ અરુણ આહુજા-સિને પ્રેમીઓના ગોવિંદાએ ‘રૂપા’ અને ‘દુનિયાદારી’ ટાઈટલ ધરાવતી ફિલ્મોમાં કામ કરી પુનરાગમન કરવાનું નક્કી કર્યું છે. યંગસ્ટર્સને ધ્યાનમાં રાખી ફિલ્મ બનાવવામાં આવશે એવી સ્પષ્ટ રજૂઆત કરનારા અભિનેતાએ ફિલ્મની હીરોઈનના નામની ઘોષણા કરી એનો જાહેરમાં પરિચય પણ કરાવ્યો હતો. ઉત્તર પ્રદેશની રાની સ્વર્ણકાર (કોમલરાની સ્વર્ણકાર) ગોવિંદાની નાયિકા છે.
કલા-અભિનય ક્ષેત્ર સાથે એ કેવી અને કેટલી સંકળાયેલી છે એની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પ્રેસ કોન્ફરન્સમાં હીરો નંબર વનએ એટલું જ જણાવ્યું હતું કે ‘રાની ઉત્તર પ્રદેશની છે. ‘રૂપા’ ઉપરાંત ‘દુનિયાદારી’ ફિલ્મમાં પણ એ હીરોઈન હશે. મારી ફિલ્મમાં યુપી અને મહારાષ્ટ્ર્ના અનેક નવા કલાકારોને તક આપવામાં આવશે. રૂપા પ્રતિભાશાળી છે. એની સાથે અડધો ડઝન હિટ ફિલ્મ આપી શકું એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું અને હા, પ્રિય દર્શકોના સહયોગની અપેક્ષા રાખું છું. ‘રૂપા’ અને ‘દુનિયાદારી’ એ બંને ફિલ્મ એકદમ અલગ કથાનક સાથે જોવા મળશે એની હું ગેરંટી આપું છું.’
ગોવિંદાની આ નવી હીરોઈન રાનીની ચોક્કસ ઉંમર જાણવા નથી મળતી, પણ એ 25 - 26ની હશે (She is in her twenties એવો ઉલ્લેખ છે) એવો અંદાજ મૂકી શકાય. ગોવિંદાની ઉંમર 62 વર્ષ છે. એનો અર્થ એ થયો કે હીરો - હીરો હીરોઈન વચ્ચે 36 - 37 વર્ષનો ફરક છે.
જસ્ટ તમારી જાણ સહજ : ગયા વર્ષે રિલીઝ થયેલી ‘સિકંદર’ના હીરો - હિરોઈન સલમાન ખાન અને રશ્મિકા મંદાના વચ્ચે 30 વર્ષનો તફાવત હતો. ‘જોની મેરા નામ’માં દેવ આનંદ અને હેમા માલિની વચ્ચે 25 વર્ષનો અને ‘નિ:શબ્દ’માં અમિતાભ બચ્ચન - જિયા ખાન વચ્ચે 46 વર્ષનો તફાવત હતો.... ‘રૂપા’ ફિલ્મમાં ગોવિંદાની રાની સાથે રોમેન્ટિક જોડી છે કે પિતા-પુત્રી છે કે અન્ય કોઈ કોમ્બિનેશન છે કે કેમ એની જાણકારી આજની તારીખમાં નથી, પણ આટલા મોટા ઉંમરના તફાવતવાળી જોડી જો રોમેન્સ કરે તો દર્શકો એને ‘જોની મેરા નામ’ની માફક સ્વીકારશે કે કેમ એ વિશે શંકા છે. સલમાનની ‘સિકંદર’માં પણ ઉંમર તફાવતની ખાસી એવી ટીકા થઈ હતી.
આ ફિલ્મની ઘોષણા નિમિત્તે ગોવિંદાએ 14ના અંકના કનેક્શન વિશે મજેદાર વાત કરી. ન્યૂમરોલોજી માં વિશ્વાસ રાખતા ગોવિંદાએ કહ્યું કે ‘હું 14 વર્ષનો થયો ત્યારે મારા જીવનમાં મોટો વળાંક આવ્યો. મારી પહેલી ફિલ્મ હિટ થતાની સાથે એક અઠવાડિયામાં જ મેં 14 ફિલ્મ સાઈન કરી હતી. ત્યારબાદ 14 વર્ષ સુધી સુપર સ્ટારડમ (1988થી 2002) ભોગવ્યું. 14મી લોકસભામાં હું સંસદ સભ્ય બન્યો અને ત્યારબાદ 14 વર્ષના કપરા સમય બાદ ફિલ્મોમાં પાછા ફરવાનો નિર્ણય લીધો. 2019માં ‘રંગીલા રાજા’ કર્યા પછી સાત વર્ષ (14ના અડધા 7 થાય) પછી ફરી ‘ફિલ્મ હી કર્મ હૈ, ફિલ્મ હી ધર્મ હૈ’; મંત્ર જપવાનું નક્કી કર્યું છે.
ફિલ્મના અન્ય કલાકાર - કસબીના નામની ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે. સપ્ટેમ્બર - ઓક્ટોબરમાં શૂટિંગ શરૂ થવાની ગણતરી છે. રાની નવોદિત છે, પણ એકવીસમી સદીમાં નવી હીરોઈન સામે મોટો સ્ટાર હોય તો પણ નર્વસ નથી થતી એ ‘રબ ને બના દી જોડી’ સહિત અન્ય ફિલ્મોમાં જોવા મળ્યું છે. સવાલ એટલો જ છે કે 2027માં ગોવિંદાની ફિલ્મ માટે દર્શકોમાં કેટલી ઉત્સુકતા હશે?
હીરો નંબર વનની 55 હીરોઈન...
નંબર વન ધરાવતી છ ફિલ્મોમાં કામ કરનારા ‘હીરો નંબર વન’ ગોવિંદાની રિલીઝ થયેલી પહેલી ફિલ્મ હતી ‘લવ 86’ (1986). ઈસ્માઈલ શ્રોફ દિગ્દર્શિત આ ફિલ્મમાં એની હીરોઈન હતી નીલમ કોઠારી જે નીલમ તરીકે વધુ જાણીતી છે. એક્ટર સમીર સોનીની પત્ની નીલમ સાથે ગોવિંદાએ 13 ફિલ્મમાં (લવ 86, ઈલ્ઝામ, ખુદગર્ઝ, સિંદૂર, ઘર મેં રામ ગલી મેં શ્યામ, હત્યા, દોસ્ત ગરીબો કા, દો કૈદી, ફર્ઝ કી જંગ, બિલ્લુ બાદશાહ, તાકતવર, ઘરાના અને જોરદાર) કામ કર્યું હતું.
જાણવા જેવી વાત એ છે કે એમાંથી 12 ફિલ્મ તો 1986થી 1989 દરમિયાન રિલીઝ થઈ હતી. ત્યારબાદ આવે છે કરિશ્મા કપૂર જેની સાથે 1993થી 2000 દરમિયાન 10 ફિલ્મ કરી હતી. 1998થી 2002 દરમિયાન આઠ સહિત રવીના ટંડન સાથે નવ ફિલ્મ, 1990થી 1993 દરમિયાન પાંચ સહિત જુહી ચાવલા સાથે સાત અને કિમી કાટકર સાથે પણ સાત ફિલ્મ. મંદાકિની અને ફરહા સાથે છ - છ, શિલ્પા શેટ્ટી અને સોનમ સાથે પાંચ-પાંચ, અનુરાધા પટેલ સાથે ચાર, મીનાક્ષી શેષાદ્રી, મમતા કુલકર્ણી, તબુ, શિલ્પા શિરોડકર અને રાની મુખરજી પ્રત્યેક સાથે ત્રણ ફિલ્મ કરી છે.
આ બધા ઉપરાંત માધુરી દીક્ષિત, મનીષા કોઈરાલા, મધુ, આયેશા ઝુલ્કા, દિવ્યા ભારતી, સુષ્મિતા સેન, લારા દત્તા, ઉર્મિલા માતોંડકર, ટ્વિન્કલ ખન્ના, સોનાલી બેન્દ્રે, રંભા, પ્રીતિ જાંગિયાની અને આરતી છાબરિયા સાથે બે બે ફિલ્મમાં જોડી જમાવી છે. હીરોઈનોની યાદી આટલી લાંબી હોય એટલે સ્વાભાવિક છે કે એક જ ફિલ્મમાં કામ કર્યું હોય એની સંખ્યા વધારે હોય. એક જ ફિલ્મમાં ગોવિંદાની હીરોઈન બની હોય એમાં શ્રીદેવી, પદ્મિની કોલ્હાપુરે, ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપડા અને કેટરિના કૈફ જેવી પ્રથમ હરોળની અભિનેત્રી
ઉપરાંત પારિજાત, વર્ષા ઉસગાંવકર, ખુશ્બુ, રમ્યા ક્રિશ્નન, મધુવંતી પટવર્ધન, નમ્રતા શિરોડકર, મહિમા ચૌધરી, પ્રીટિ ઝિન્ટા, રિતુ શિવપુરી, સિમરન, સાક્ષી શિવાનંદ, દિવ્યા દત્તા, રિંકી ખન્ના, નંદિની સિંહ, રીમા સેન, અમૃતા રાવ, યુવિકા ચૌધરી, શેનોન એસરા, પ્રવલીન સંધુ, હંસિકા મોટવાણી અને મિશિકા ચૌરસિયા સાથે માત્ર એક જ ફિલ્મ કરી છે. 56મી હિરોઈન કોમલરાની સ્વર્ણકાર સાથે બે ફિલ્મની જાહેરાત તો થઈ છે. કેટલી બને છે એ તો સમય જ કહેશે.