વોશિંગ્ટન ડીસીઃ ઘણા ગુજરાતીઓ અમેરિકા અભ્યાસ અર્થે જતા હોય છે. જોકે ક્યારેક તેઓ સામાન્ય ગુનો કરતા હોય છે પરંતુ તેનું મોટું પરિણામ ભોગવવું પડે છે. આવું જે એક ગુજરાતી વિદ્યાર્થી સાથે થયું હતું. ટ્રાફિક મેમોના આધારે તેના વિઝા રદ કરી દીધા હતા. જોકે કોર્ટે આ પગલાં બદલ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ને ફટકાર લગાવી હતી.
અમેરિકાની ફેડરલ કોર્ટે ઇમિગ્રેશન સત્તાવાળાઓની કડક શબ્દોમાં ઝાટકણી કાઢતા ચુકાદો આપ્યો હતો, ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ એક રદ થયેલા ટ્રાફિક મેમોના આધારે ગુજરાતી મૂળના વિદ્યાર્થીના F1 વિઝા રદ કરીને ગેરકાયદેસર કૃત્ય કર્યું છે.
શું છે સમગ્ર મામલો
27 ફેબ્રુઆરીના રોજ પટેલ વિરુદ્ધ લાયન્સ કેસમાં સુનાવણી કરતા જજ એના રેયેસે ઠેરવ્યું હતું કે, યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મિલવૌકીના વિદ્યાર્થી અક્ષર પટેલનો SEVIS રેકોર્ડ મનસ્વી રીતે રદ કરીને ICE એ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. અક્ષર પટેલનો એકમાત્ર ગુનાહિત રેકોર્ડ 2018નો સ્પીડિંગ ટિકિટનો હતો, જે પણ રદ કરી દેવામાં આવ્યો હતો.
તેમ છતાં, 2025ની શરૂઆતમાં, ICE એ તેના સ્ટુડન્ટ ક્રિમિનલ એલિયન ઇનિશિયેટિવ હેઠળ 13 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ડેટાબેઝના સ્ક્રીનિંગ દરમિયાન તેનો SEVIS સ્ટેટસ સમાપ્ત કરી દીધો હતો. કોઈ પણ નોટિસ કે જવાબ આપવાની તક આપ્યા વગર જ અક્ષર પટેલને સ્ટેટસ બહાર જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને ક્લાસમાં બેસવા પર પ્રતિબંધ મુકાયો હતો અને તેના પર દેશનિકાલનું જોખમ ઊભું થયું હતું.
પટેલે આ કાર્યવાહીને કોર્ટમાં પડકારી હતી. જજ રેયેસે એજન્સીના આ વર્તનને મનસ્વી અને અતાર્કિક ગણાવ્યું હતું. તેમજ ભારપૂર્વક જણાવ્યું હતું કે, યોગ્ય પ્રક્રિયા અનુસર્યા વિના રદ થયેલા ટ્રાફિક મેમો પર વિદ્યાર્થીનું ઇમિગ્રેશન સ્ટેટસ સમાપ્ત કરવું એ કાયદાકીય રીતે ગેરકાનૂની છે. આ ચુકાદાથી ગુજરાતી વિદ્યાર્થીને મોટી રાહત થઈ હતી.