Wed Aug 19 2026

Logo

રાજકોટમાં મોટા વિસ્ફોટનું ષડયંત્ર નિષ્ફળ! ગોંડલ હાઇવે પરથી 12 હજાર જિલેટિન સ્ટિક અને 4 હજાર ડિટોનેટરનો જથ્થો ઝડપાયો

2026-08-10 13:17:00
Author: Mayur Patel
Article Image

રાજકોટઃ રાજકોટ-ગોંડલ હાઇવે પર રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી હતી. કોઠારિયા સોલ્વન્ટ નજીક શીવ હોટલ સામેથી બોલેરો પીકઅપમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિસ્ફોટક સામાનનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીમાં વાહનમાંથી 12 હજાર જિલેટિન સ્ટિક, 4 હજાર એક્સપ્લોસિવ ડિટોનેટર અને 30 બંડલ બ્લાસ્ટિંગ કેબલ મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી દોલાભાઈ મીભરવાડની અટકાયત કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચની  ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન  બાતમી મળી હતી કે, દોલા રઘુ મીર જીજે 03 બીવી 1411 નંબરની બોલેરો પીકઅપ ગાડી લઈને શાપર તરફથી આવે છે. જે બોલેરોમાં ગેર કાયદેસર એક્સપ્લોસિવનો જથ્થો ભરેલો છે.  જેથી તુરત જ સ્ટાફ  રાજકોટ-ગોંડલ હાઇવે, કોઠારીયા સોલ્વન્ટ, શીવ હોટલ સામે વોચમાં ગોઠવાઈ ગયો હતો. આ સમયે ત્યાંથી પસાર થયેલી બોલેરો પીકઅપ ગાડીને અટકાવી તેમાં જોતાં તેમાંથી બાચકામાં વિસ્ફોટક સામાન મળી આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાચકા ખોલાવી જોતા તે બાચકામાં બ્લાસ્ટીંગમાં ઉપયોગ થતી જીલેટીન સ્ટીક તથા બ્લાસ્ટીંગ માટેનો કેબલ,  બ્લાસ્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતો એક્સપ્લોસિવ ડીટોનેટર મળી આવ્યો હતો. પોલીસે એફ.એસ.એલ.તથા બી.ડી.ડી.એસ.ની ટીમની હાજરીમાં ચકાસણી કરતાં જથ્થો એક્સપ્લોસિવને લગતો સામાન હોવાનુ સામે આવ્યું હતું.

 જે બાદ પોલીસે બોલેરો ચાલક દોલા રઘુ મીરની ધરપકડ કરી જીલેટીન સ્ટીક નંગ-12,000, વજન 1500 કિલો રૂ.2.40 લાખ,બ્લાસ્ટીંગ કેબલ બંડલ-30 રૂ.15 હજાર, એક્સપ્લોસિવ ડીટોનેટર નંગ-4રરર રૂ.40 હજાર અને બોલેરો મળી કુલ રૂ. 5.95 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સને હિરા ઉર્ફે હિરેન વિઠ્ઠલ અલગોતર (રહે. જામવાડી, થાનગઢ) એ એક્સપ્લોસિવનો સામાન લેવા માટે માણાવદર મોકલ્યો હતો. જ્યાંથી મિતુલ નામના શખ્સે તેને માલ ભરી આપ્યો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સપ્લાયર અને રીસીવર શખ્સની શોધખોળ આદરી છે.

આ ઘટનામાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ એક્સપ્લોસિવનો જથ્થો બ્લસ્ટિંગના કામ માટે ઉપયોગ થાય છે. જેમાં ખાસ સુરેન્દ્રનગર પંથકમાં આવેલ ખાણ અને કુવા ગાળવા માટે આ એક્સપ્લોસિવનો ઉપયોગ થતો હોય છે. જે લોકોના જીવ માટે જોખમી હોવાથી તેને પ્રતિબંધિત કરાયો છે, છતાં પણ ખનીજ માફીયા આ ગેરકાયદેનો જથ્થો ઉપયોગ કરવાં હેરાફેરી કરતાં હોવાની ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે આ મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

હાલ પોલીસે આટલો મોટો વિસ્ફોટક જથ્થો ક્યાંથી આવ્યો હતો, ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો અને તેનો ઉપયોગ ક્યાં કરવાનો હતો તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી હતી.