બનાસકાંઠા: વાવ થરાદમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ GPSC ચેરમેન હસમુખ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે. થરાદ ખાતે ખેડૂતોની પદયાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ GPSC ચેરમેન હસમુખ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો કે આ વિસ્તારના OBC સમાજના લોકો અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. તેમણે જણાવ્યુ કે, હસમુખ પટેલ પોતાની જ્ઞાતિના જ વિદ્યાર્થીઓને મૌખિક પરીક્ષામાં 100માં 90 માર્ક આપી દે છે અને અમારા વિદ્યાર્થીઓના માર્ક કાપી નાંખે છે. ઠાકરશી રબારીએ ઉઠાવેલી માંગને હવે ગુજરાત ઓબીસી મોરચાના પ્રમુખ નવઘણજી ઠાકોરે ખુલ્લું સમર્થન આપ્યું છે. નવઘણજી ઠાકોરે હસમુખ પટેલ પર જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા અધિકારી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે અને તેમને GPSC બોર્ડમાંથી હટાવવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપતાં જણાવ્યું કે જો સરકાર હસમુખ પટેલને GPSCના પ્રમુખ પદેથી હટાવશે નહીં તો આવનારા સમયમાં ઓબીસી, એસસી અને એસટી સમાજ રસ્તા પર ઉતરીને મોટું આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે
OBC બચાવો આંદોલન કરીશું: ઠાકરશી
ઠાકરશી રબારીએ જણાવ્યું કે, થરાદ સહિત આ વિસ્તારના OBC વિદ્યાર્થીઓને યોગ્ય તક અને ન્યાય મળતો નથી. તેમણે આક્ષેપ કર્યો કે આપણા વિસ્તારના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું કે જો OBC સમાજના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ વિસ્તારમાંથી “OBC બચાવો આંદોલન” શરૂ કરવાની જરૂર પડશે.
"GPSCની મૌખિક પરીક્ષામાં 7 સભ્યોની પેનલમાં માત્ર 2 જ વ્યક્તિ"
ઠાકરશી રબારીએ આક્ષેપ કરતા જણાવ્યુ કે, "GPSCની મૌખિક પરીક્ષામાં સાત સભ્યોની પેનલ હોય છે પરંતુ હસમુખ પટેલ આવ્યા પછી માત્ર એક બેન અને હસમુખ પટેલ માત્ર બે જ વ્યક્તિઓ પેનલમાં હોય છે. પેનલમાં માત્ર બે વ્યક્તિઓ હોવાથી હસમુખ પટેલ પોતાની મનમાની ચલાવે છે અને કમિટીની રચના નથી કરતા. એમના મળતીયાઓને ફાયદો કરાવવા માટે સાત વ્યક્તિઓની કમિટીની રચના નથી કરી રહ્યા."
"હસમુખ પટેલે ઓબીસીના વિદ્યાર્થીઓને અન્યાય કર્યો"
ઠાકરશી રબારીએ કહ્યું કે "રાજ્યમાં ઓબીસીમાં 146 જાતિઓ છે વાવ થરાદ અને બનાસકાંઠામાં 90 ટકા લોકો ઓબીસીમાં આવે છે. ઓબીસીનો એકડો કાઢી નાંખવા માટે હસમુખ પટેલને મુક્યા હોય તેમ લાગે છે."
"હું કોઈ જાતિવાદમાં માનતો નથી હું ભારતીય છું"
તમામ ડોક્યુમેન્ટ, તમામ કાગળો, તમામ પરિપત્રનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ કર્યા વિના આક્ષેપો નથી કરતો. હું કોઈ જાતિવાદમાં માનતો નથી હું ભારતીય છું. ઠાકરશી રબારીએ ઓબીસીના તમામ નેતાઓને એક જૂથ થઈ હસમુખ પટેલના વિરોધમાં અવાજ ઉઠાવવા આહવાન કર્યું. ઓબીસી માટે ભાજપ કોંગ્રેસના નેતાઓ નહીં બોલે તો તેમની દશા પણ ભીષ્મપિતા જેવી થશે. આગેવાનો ભેગા થઈને ગુજરાતમાં મોટું ઓબીસીનું આંદોલન કરશે. જિલ્લામાંથી પાંચ પાંચ આગેવાનોને બોલાવી મિટિંગ કરીને આંદોલનની રણનીતિ ઘડાશે. બનાસકાંઠાના બાલુદરી ગામના હોવા છતાં ઢળતી ઉંમરે કેમ તમે બદનામ થઈ રહ્યા છો. ગુજરાતના મુખ્યમંત્રી આમાં કાંઈ નહીં બોલે તો ગુજરાતમાં ઓબીસીના આગેવાનો મળીને મોટું આંદોલન કરાશે.