Sun Aug 23 2026

Logo

કોમર્શિયલ LPG સિલિન્ડર 200 રૂપિયા સસ્તો, જાણો ક્યાં-ક્યાં ઘટ્યા ભાવ?

2026-08-01 08:43:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય કોમર્શિયલ પ્રતિષ્ઠાનોને મોટી રાહત આપી છે. સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાથી વધુનો ઘટાડો કર્યો છે. ઇરાન યુદ્ધ અને પશ્ચિમ સંકટના કારણે સતત વધી રહેલી ગેસની કિંમત બાદ આ બીજો રાહતભર્યો નિર્ણય છે. જો કે ઉપભોક્તાઓને હાલ પૂરતી કોઇ રાહત નથી મળી. કારણ કે 14.2 કિલોગ્રામના નોન કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં કોઇ ફેરફાર નથી કર્યો.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 200થી વધુ સસ્તો

કેન્દ્ર સરકારે શનિવારે 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં મોટા ઘટાડાની જાહેરાત કરી છે. નવા રેટ અનુસાર, દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 202 રૂપિયા સસ્તો થઈ ગયો છે, જ્યારે કોલકાતામાં તેની કિંમતમાં 209 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમતો તત્કાલ અસરથી લાગુ કરી દેવામાં આવી છે.

કોલકાતામાં નવી કિંમત 2,872.50 રૂપિયા

કોલકાતામાં 19 કિલોગ્રામનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે 2,872.50 રૂપિયામાં મળશે. આ ઘટાડાથી હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા, કેટરિંગ સેવાઓ અને અન્ય વ્યાવસાયિક સંસ્થાઓને રાહત મળવાની આશા છે, કારણ કે તેમનું સંચાલન મોટા પ્રમાણમાં કોમર્શિયલ એલપીજી પર નિર્ભર છે.

ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નહીં

સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ઘટાડો માત્ર 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરો પર જ લાગુ થશે. ઘરોમાં ઉપયોગમાં લેવાતા 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે ઘરેલુ ગ્રાહકોએ હજુ ગેસની કિંમતોમાં રાહત માટે રાહ જોવી પડશે.

સતત બીજી વખત મળી રાહત

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હોય તેવો આ બીજો પ્રસંગ છે. આ અગાઉ જુલાઈમાં પણ સરકારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડ્યા હતા.

ઇરાન યુદ્ધ અને પશ્ચિમ એશિયા સંકટથી વધી હતી કિંમતો

તાજેતરના મહિનાઓમાં ઇરાન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક એલપીજી બજારમાં અનિશ્ચિતતા અને પુરવઠો જોખમાવાને કારણે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સતત વધારો થયો હતો. હવે વૈશ્વિક પરિસ્થિતિઓમાં થોડી રાહત મળ્યા પછી સરકારે સતત બીજી વખત કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરીને ધંધા-રોજગારોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.