Sun Jun 28 2026

Logo

પેડેસ્ટ્રિયન ફર્સ્ટ પૉલિસીનો ભંગ કરનારા  કોલાબાના શૌચાલયને તોડીને અધિકારી પાસે ખર્ચ વસૂલો: નગરસેવકની માગણી

2026-06-28 22:17:54
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના કોલાબામાં લાયન ગેટ સામે ગેરકાયદે રીતે ઊભા કરવામાં આવેલા ‘આકાંક્ષી શૌચાલય’ને તાત્કાલિક તોડી પાડવાની અને આ શૌચાલય બાંધવાની મંજૂરી આપનારા પાલિકાના સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરી તેની પાસેથી પ્રોજેક્ટના ખર્ચની વસૂલી કરવાની માગણી કોલાબાના નગરસેવકે કરી છે.કોલાબાના ભાજપના નગરસેવકે પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડે તથા વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને પત્ર લખીને  આ ગેરકાયદે શૌચાલયને તાત્કાલિક તોડી પાડવાની માગણી કરી છે. આ પૂરા પ્રકરણની તપાસનો અહેવાલ રાજ્યના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસે રજૂ કરવામાં આવ્યો હોઈ તેને વિધાનસભામાં પણ રાખવામાં આવ્યો છે. 

નગરસેવક મકરંદ નાર્વેકરે જણાવ્યું હતું કે લાયન ગેટ પરિસરમાં પાલિકાએ ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ પૉલિસી’ હેઠળ ૦.૯ થી ૧.૫ મીટરની પહોળાઈની ફૂટપાથ પ્રસ્તાવિત કરી છે ત્યારે ફૂટપાથને બદલે અહીં શૌચાલય બાંધીને પાલિકાએ ‘રાહદારી પહેલા’ની પૉલિસીનું ઉલ્લંઘન કર્યું છે. આ તો  રાહદારીઓના હકની જગ્યા પર અતિક્રમણ કહેવાય. હાલ ચોમાસું શરૂ થઈ ગયું હોઈ ગેરકાયદે બાંધકામ જોખમી સાબિત થયું હોઈ તે ફૂટપાથ પર ઊભુંં કરવામાં આવ્યું હોઈ નાગરિકોને ચાલવા માટે સુરક્ષિત જગ્યા બચી નથી. તેથી આ શૌચાલય તાત્કાલિક તોડીને અહીં  ફૂટપાથને તેની મૂળ સ્થિતિમાં લાવવું આવશ્યક છે.


નગરસેવકે આ પ્રોજેક્ટને મંજૂરી આપનારા એન્જિનિયર અને પાલિકાના સંબંધિત અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગણી પણ કરી છે. જાહેર ભંડોળનો ઉપયોગ કરીને જાણીજોઈને ગેરકાયદે બાંધકામને મંજૂરી આપવા બદલ સંબંધિતો સામે તપાસ કરવાનો અને પ્રોજેક્ટનો ખર્ચ તેમના પગારમાંથી વસૂલ કરવાની પણ માગણી કરી છે. આ પ્રોજેક્ટ પાછળ ૧.૬૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

નગરસેવકના કહેવા મુજબ લાયન ગેટ શૌચાલય સુપ્રીમ કોર્ટના  અવરોધમુક્ત ફૂટપાથ ફરજિયાત કરવાના નિર્દેશનું ઉલ્લંઘન કરે છે. મુંબઈની ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ પૉલિસી’નું ઉલ્લંઘન કરે છે અને  હેરિટેજ સંરક્ષણ પૉલિસીનુંં ઉલ્લંઘન કરીને યુનેસ્કોના હેરિટેજ બફર ઝોનમાં બનાવવામાં આવ્યું છે.શૌચાલયનો આ મુદ્દો સૌથી પહેલા જુલાઈ ૨૦૨૫માં રાજ્યના વિધાનસભાના અધિવેશન દરમ્યાન વિધાનસભ્યો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, તેને પગલે ઉદ્યોગ પ્રધાને તપાસ પૂર્ણ થાય નહીં ત્યાં સુધી શૌચાલયના આ પ્રોજેક્ટ પર સ્ટે મૂકવાનો આદેશ આપ્યો હતો.