Sun Oct 04 2026

Logo

કોસ્ટલ રોડ પર ભયાનક અકસ્માત: કાર બેફામપણે હંકારનારા શનય ગજ્જર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

2026-09-21 20:47:00
Author: Yogesh D. Patel
કોસ્ટલ રોડ પર ભયાનક અકસ્માત: કાર બેફામપણે હંકારનારા શનય ગજ્જર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

મુંબઈ: કોસ્ટલ રોડ પરના બ્રિજ પર રવિવારે વહેલી સવારના બીએમડબ્લ્યુ કારને નડેલા ભયાનક અકસ્માત બાદ સોમવારે તાડદેવ પોલીસે કાર બેફામપણે હંકારનારા 21 વર્ષના શનય ગજ્જર સામે ગુનો દાખલ કર્યો હતો. આ અકસ્માતમાં શનય ગજ્જર સહિત ધૈર્ય દર્શન શેઠ (17) અને આદિત્ય જકાસણિયા (19)નાં મૃત્યુ થયાં હતાં, જ્યારે આદિત્ય ઓસવાલને ગંભીર ઇજા પહોંચી હતી અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તાડદેવ પોલીસે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 (જાહેર માર્ગ પર બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારવું), 125 (બી) (બેદરકારીભર્યા કૃત્યથી કોઇ વ્યક્તિને ગંભીર ઇજા પહોચાડવી), 106 (1) (બેદરકારીભર્યા કૃત્યથી કોઇ વ્યક્તિનું મૃત્યુ નીપજાવવું) તથા મોટર વેહિકલ એક્ટની કલમ 184 (જાહેર સુરક્ષાને જોખમમાં મૂકે તેવી રીતે ખતરનાક ડ્રાઇવિંગ કરવું) હેઠળ ગુનો કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અમદાવાદમાં રહેનારા શનય ગજ્જર, આદિત્ય જકાસણિયા અને ધૈર્ય શેઠ જુહુ વિસ્તારમાં આવેલી કોલેજમાં આર્કિટેક્ટનો કોર્સ કરતા હતા, જ્યારે આદિત્ય ઓસવાલ કુર્લાની કોલેજમાં ભણતો હતો. ચારેય જણ રવિવારે વહેલી સવારે બીએમડબ્લ્યુ કારમાં મરીન ડ્રાઇવથી હાજી અલી તરફ જઇ રહ્યા હતા. શનય કાર હંકારી રહ્યો હતો અને કોસ્ટલ રોડના બ્રિજ પર તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર બ્રિજની રેલિંગ કુદાવ્યા બાદ રસ્તા પર પટકાઇ હતી, જ્યાં પાર્કિંગ ઍરિયાનું બાંધકામ ચાલી રહ્યું હતું.

દરમિયાન ક્ધટ્રોલ રૂમ તરફથી અકસ્માતની જાણ તાડદેવ પોલીસને કરવામાં આવી હતી. આથી અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી ચાર મોબાઇલ સાથે પાકીટ પણ મળ્યું હતું, જેમાં આદિત્ય જકાસણિયાનું આધાર કાર્ડ હતું. 

પોલીસના જણાવ્યા મુજબ શનય કારમાં ડ્રાઇવરની સીટ પર હતો અને તેનું અડધું શરીર બહાર હતું. કાર તેના પિતા ફાલ્ગુન ગજ્જરના નામે હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. અકસ્માતમાં ઘવાયેલા ચારેય જણને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણ જણને તપાસીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.