મુંબઈ: મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં મુસળધાર વરસાદે હાહાકાર મચાવ્યો છે. મુંબઈ, ઠાણે અને આસપાસના સેંકડો વિસ્તારોમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મુશળધાર વરસાદની ગંભીરતાને જોતાં પ્રશાસન દ્વારા મુંબઈ અને ઠાણેની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ છે, જ્યારે મુંબઈ મહાનગર પ્રદેશના તમામ મુખ્ય હાઈવે પર વાહનોની ગતિ થંભી ગઈ છે.
આ ગંભીર સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને ઘરથી બહાર ન નીકળવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં અપેક્ષા કરતાં ઘણો વધારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી છઠ્ઠી જુલાઈ સુધી રાજ્યમાં આવો જ તોફાની વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
મુંબઈના દાદર ફૂલ માર્કેટમાં વહેલી સવારે એક વિશાળ વૃક્ષ છત પર ધરાશાયી થયું. સદનસીબે રાત્રિના સમયને કારણે મોટી જાનહાનિ ટળી હતી. જુઓ વૃક્ષ પડવાની ચોંકાવનારી ઘટના CCTV ફૂટેજમાં. #DadarFlowerMarket #MumbaiNews #TreeCollapse #CCTVFootage #MumbaiAccident #BreakingNews #Dadar #Mumbaikar… pic.twitter.com/i7r8xKgldX
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 4, 2026
દર 3 કલાકે બદલાશે એલર્ટ, પ્રશાસનની કડક સૂચનાઓ
શનિવારે મુંબઈમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે આયોજિત 'સહકાર ગૌરવ પુરસ્કાર' સમારોહમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે મુસળધાર વરસાદની સ્થિતિ છે અને વાવાઝોડા સાથે અતિભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા દર ત્રણ કલાકે હવામાનની સ્થિતિનું નવું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે.
મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે મેટ્રો સેવા સામાન્ય કે પ્રભાવિત? જાણો | Mumbai metro
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 4, 2026
મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે મુંબઈ મેટ્રો લાઇન 2A પર ટેકનિકલ ખામી સર્જાતા થોડા સમય માટે મેટ્રો સેવાઓ પ્રભાવિત થઈ હતી. મહા મુંબઈ મેટ્રોની ટેકનિકલ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુદ્ધના… pic.twitter.com/zRqVGmo7iA
મુખ્ય પ્રધાને રાજ્યના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, સરકાર અને પ્રશાસન દ્વારા આપવામાં આવતી તમામ ચેતવણીઓનું નાગરિકો ચુસ્તપણે પાલન કરે. જો બહુ જ અનિવાર્ય ન હોય તો મુસાફરી કરવાનું ટાળો અને એલર્ટ જોઈને જ ઘરની બહાર નીકળો, જેથી કોઈ મોટી હોનારતથી બચી શકાય.
મુંબઈ-પુણે કનેક્ટિંગ લિંક પર ખાડા મામલે વિપક્ષને સણસણતો જવાબ
તાજેતરમાં જ મુંબઈ-પુણે કનેક્ટિંગ લિંક રોડ પર બે મોટા ખાડા પડી જવાને કારણે વિપક્ષોએ રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષની આ ટીકાઓનો જડબાતોડ જવાબ આપતા મુખ્ય પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું કે, માત્ર જ્યાં કનેક્ટિંગ લિંક જોઈન્ટ થાય છે ત્યાં જ બે ખાડા પડ્યા છે, આખા રોડ પર ક્યાંય ખાડા નથી. કેટલાક લોકોને માત્ર ખામીઓ શોધવામાં જ આનંદ આવે છે. વરસાદની સિઝનમાં રોડ પર જ્યારે નવું લેયર બને છે, ત્યારે આવી ટેકનિકલ બાબતો અને મુશ્કેલીઓ ટેસ્ટ થતી હોય છે.
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે કહેવત છે ને કે 'નિંદકનું ઘર પડોશમાં હોવું જોઈએ'. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન આ બાબતે યોગ્ય કાળજી લઈ રહ્યું છે અને જ્યાં પણ ખામી હશે તેને તુરંત સુધારી લેવાશે. અમે દેશનો સૌથી ઊંચો બ્રિજ, સૌથી ઊંચા રસ્તા અને ડેમની નીચે અંડરગ્રાઉન્ડ ટનલ બનાવીને બતાવી છે. તેથી કોઈ એક નાની બાબતને પકડીને માત્ર રાજકીય ટીકાઓ કરવી યોગ્ય નથી.