ભુજઃ કચ્છમાં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ આકાશમાં વાદળો ઘેરાવા છતાં મેઘરાજા હજુ સુધી મન મૂકીને વરસ્યા નથી. વાતાવરણીય પરિબળો હજી પૂરતા પ્રમાણમાં સાનુકૂળ ન હોવાને કારણે આગામી બે-ત્રણ દિવસ જિલ્લામાં કોઈ વરસાદની સંભાવના નહિવત દેખાઈ રહી છે.
વરસાદના વર્તારા વચ્ચે જિલ્લા મથક ભુજ સહિતના આસપાસના વિસ્તારોમાં માત્ર અમી છાંટણા વરસ્યાં હતાં જેનાથી રસ્તાઓ માંડ ભીંજાયા હતા. જો કે, બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી લો-પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ સાર્વત્રિક અને સારો વરસાદ લાવશે તેવી આશા બંધાઈ છે.
હાલની સ્થિતિએ જિલ્લામાં સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા છે અને આકાશ વાદળોથી ઘેરાયેલું રહે છે, પરંતુ વરસાદના અભાવે અસહ્ય ઉકળાટ અને બફારાનું સામ્રાજ્ય છવાયું છે. જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૫થી ૩૭ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૮થી ૨૯ ડિગ્રી આસપાસ નોંધાતાં જનજીવન વરસાદના બદલે પરસેવે રેબઝેબ થઈ રહ્યું છે. રણપ્રદેશમાં હવે મેઘરાજાના ધમાકેદાર આગમનની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે.
કચ્છમાં અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સૌથી ઓછો 0.42 ટકા વરસાદ પડ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે, કચ્છના અબડાસા, ભચાઉ, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણામાં વરસાદ પડ્યો નથી. જ્યારે અંજારમાં 0.71 ટકા, ભુજમાં 0.21 ટકા, ગાંધીધામમાં 0.85 ટકા, રાપરમાં 2.22 ટકા વરસાદ પડ્યો છે.
(ઉત્સવ વૈદ્ય)