મસ્તરામની મસ્તી - મિલન ત્રિવેદી
ગયા અઠવાડિયે મહોલ્લામાં ચર્ચાઓનું બજાર ગરમ હતું. એક બાજુ આપણા ચુનીલાલ ઉર્ફે ચુનિયાએ ચાઈનીઝ શીખવા માટે નૂડલ્સનો જે ઘાણ કાઢ્યો હતો એની વાત હતી તો બીજી બાજુ સમાચારમાં પેલી `ગપગોળા યુનિવર્સિટી' એના AI ના જૂઠાણાને લીધે ઉઘાડી પડી ગઈ હતી!
ચુનિયો અત્યારે આખા મહોલ્લામાં `ચાઈનીઝ એક્સપર્ટ' તરીકે ફરતો હતો. એણે નક્કી કર્યું કે જો ચીન સાથે ધંધો કરવો હોય તો ચાઈનીઝ ભાષા આવડવી જોઈએ અને તે માટે પહેલાં પેટમાં ચાઈનીઝ ખોરાક હોવો જોઈએ. સવાર-સાંજ મન્ચુરિયન અને નૂડલ્સ ઝાપટીને ચુનિયાની આંખો ઝીણી થઈ ગઈ હતી અને પેટ ફૂલીને ઢોલ જેવું થઈ ગયું હતું.
ભાભીનો મને ફોન આવ્યો કે `મિલનભાઈ, આને થયું છે શું? છેલ્લા દસ દિવસથી ચાઈનીઝ ફૂડ જ ખાય છે. હવે તો ડોળા કાઢતા હોય ત્યારે ઝીણી આંખે જોતા હોય તેવી આંખો થઈ ગઈ છે. પેલા ચીનાઓની જેમ એની ઊંચાઈ પણ ઘટી ગઈ હોય તેવું લાગે છે...તાત્કાલિક ઘરે આવો.'
હું તરત ઘરે પહોંચ્યો. જોયું તો ચુનિયો ચોપસ્ટિકથી બિસ્કિટ પકડવાની કોશિશ કરતો હતો. ચોપસ્ટિક સાથે જ મારું સ્વાગત કર્યું.
મેં કીધું `અરે ચુનિયા! આ નૂડલ્સ ખાઈને તારું મોઢું જ ચાઈનીઝ જેવું થઈ ગયું છે, હવે ભાષા શીખવાની ક્યાં જરૂર છે? પણ આ બધું તું કોના માટે કરે છે?'
ચુનિયો ગર્વથી કહે, `ભાઈ, મેં ઓનલાઇન એક હાઈ-ટેક ચાઈનીઝ કૂતરું મંગાવ્યું છે. એને સમજવા માટે મારે `ચાઈનીઝ' થવું પડે ને!'
થોડી વારમાં કુરિયર આવ્યું. બોક્સ ખોલ્યું તો અંદરથી રુંંવાટીનો એક સફેદ ગોળ દડો નીકળ્યો. ચુનિયાએ એનું નામ રાખ્યું `સીંગ-તેલ'. મેં કહ્યું આવું નામ કેમ રાખ્યું તો કહે `આપણે બીજું કાંઈ રાખી અને ભૂલી જઈએ તો? તેના કરતાં રોજબરોજનો જે પનારો છે તે જ રાખ્યું `સીંગ - તેલ.'
જોકે મુસીબત એ થઈ કે એ કૂતરું એટલું બધું ગોળ અને રૂ જેવું હતું કે એનું મોઢું કઈ બાજુ છે અને પૂંછડી કઈ બાજુ, એની કોઈને ખબર જ ન પડે!
ચુનિયો આખું અઠવાડિયું એની પ્રદક્ષિણા કરતો રહ્યો. હું રોજ પૂછું `કેમ ચુનિયા, આજે મોઢાના દર્શન થયા કે હજી પૂંછડીને જ નમસ્કાર કરે છે?'
પૂરું એક અઠવાડિયું તપાસ ચાલી. છેવટે આઠમા દિવસે જ્યારે સીંગ-તેલે જોરથી છીંક ખાધી, ત્યારે ચુનિયો રાડ પાડી ઊઠ્યો, `ઓય મિલનમસ્ત! જલદી આવો, આ બાજુ નાક છે! હું તો અત્યાર સુધી બીજી બાજુ બિસ્કિટ ધરીને બેઠો હતો!'
બીજે દિવસે સવારમાં ચુનિયો પેલા સીંગ-તેલને પોતાની નવી શીખેલી ચાઈનીઝ ભાષામાં ઓર્ડર આપતો હતો, `ચૂં-પાં-ચા...' (કદાચ એનો અર્થ `હાથ મિલાવ' થતો હશે). પણ પેલા ગોળ દડા જેવા કૂતરાએ સીધો ચુનિયાના અંગૂઠામાં ઘા કર્યો!
ચુનિયો કૂદ્યો ત્રણ ફૂટ ઊંચો! `ઓય બાપ રે! મિલનભાઈ, આ તો માલિકને જ કરડ્યું?'
મેં કીધું `ચુનિયા, આમાં કૂતરાનો વાંક નથી. આ `ચાઈનીઝ માલ' છે અને ટે્રનિંગ કદાચ પેલી ગપગોળા યુનિવર્સિટીમાં લીધી લાગે છે! જ્યાં પાયો જ જૂઠાણાનો હોય, ત્યાં કૂતરું હોય કે ટેકનોલોજી છેવટે માલિકને જ કરડે!'
ચુનિયાને તો ડખો પણ એ થયો કે આપણા કૂતરા કરડે તો પાંચ ઇન્જેક્શનમાં પતી જાય, પરંતુ આ ચાઈનીઝ કૂતરા કરડે તો શું કરવું તે જણાવવામાં google પણ ગોટે ચડી ગયું. ગપગોળા યુનિવર્સિટીએ પણ કેટલા મીડિયા રૂપી ઇન્જેક્શન લીધા હશે રામ જાણે.
અમારે ચુનિયાને તો એકવાર સબક મળે પછી તે વિષયનો તે સલાહકાર થઈ જાય. સ્વ અનુભવ પરથી... આવું કહીયે ને સલાહ માથા પર ઠોકે.
મને કહે : `ઘણું શીખવા મળ્યું જેમ કે, ચાઈનીઝ કૂતરું લેતી વખતે એનું મોઢું ક્યાં છે એનો `મેપ' સાથે મંગાવવો...'
ચાઈનીઝ ભાષા શીખવા માટે અળસિયા જેવા હક્કા નૂડલ, દેશી મુઠિયા જેવા મંચુરિયન કે ફ્રાઇડ રાઈસ જેવી કોઈપણ વાનગી ખાવી જરૂરી નથી.
ગપગોળા યુનિવર્સિટી પણ અત્યારે એ જ વિચારતી હશે કે AI મંડળીમાં ભાગ શું કામ લીધો?
બધું `પતી' ગયા પછી જ પસ્તાવા રૂપી જ્ઞાનની સરવાણી ફૂટે છે તેમજ ચુનિયાએ સીંગતેલને દસમા દિવસે તો સોસાયટીમાં રમતું મૂકી દીધું. મને કહે `હું તેને કરડી તો ના શકું પણ મારી સોસાયટીના કૂતરા એને કેવી રીતે સમજાવશે કે ચાઇના લગી તેના સગાં વહાલાઓને કહેશે કે `ગમે તે દેશમાં જાવું,ગમે તેમ કરવું પણ ભારતમાં જઈ અને ચુનિલાલને ન કરડવું. આપણી સાત પેઢીનો આકાર ફેરવી નાખે એવી હાલત આ સોસાયટીના ડાઘીયાઓ કરી નાખશે.'
ગપગોળા યુનિવર્સિટી વિચારતી હશે કે ચાઈનીઝ કૂતરાથી છેટું રહેવું. ચાઈનીઝ કૂતરાઓ વિચારતા હશે કે ચુનિયાથી છેટું રહેવું.
વિચારવાયુ
જસ્ટ પુછિંગ...
ચાઈનીઝ આઈટમનો વિરોધ અને તેનો ઉપયોગ બંને સાથોસાથ થઈ રહ્યું હોય તેવું કેમ લાગી રહ્યું છે?