Sun May 24 2026

Logo

હેં... ખરેખર?! ગામમાં 500 વર્ષથી એકેય લગ્ન થયાં નથી

2026-05-24 09:12:00
Author: Praful Shah
Article Image

- પ્રફુલ શાહ

 

ઘણાં ગામ, સ્થળ અને માણસમાં કેટલીક વિશિષ્ટતા હોય કે જે માનવામાં ન આવે. મહારાષ્ટ્રના એક ગામની ધરતી ઉપર 500 વર્ષથી લગ્ન નથી થયાં. આ અચંબો ઓછો હોય એમ આ ગામમાં નથી સોફા, પલંગ અને માળાવાળાં મકાનો! 

 

આ ગામ છે છત્રપતિ સંભાજીનગર જિલ્લાના પૈઠણ તાલુકામાં આવેલું ચૌંડાળા. આ નાનકડા ગામમાં 400થી 500 ઘર છે ને એમાં વસ્તી અંદાજે 800થી 1000 જેટલી. 

 

ન લગ્ન, ન પલંગ, ન સોફા કે ન ઊંચાં મકાન. એની પાછળ પરંપરા, માન્યતા, શ્રદ્ધા અને લોકવાયકા છે. 

 

એ લોકકથા જોઈએ જે ચૌંડાળા ગામમાં રેણુકા દેવીના મંદિર સાથે સંકળાયેલી છે. આ મંદિર માહૂરની રેણુકા દેવીનું ઉપપીઠ માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં રેણુકા માતાનાં લગ્ન નિર્ધારિત થયાં હતાં. નિયત સમયે વરરાજા ને જાનૈયા ગામમાં આવી પહોંચ્યા, પણ રેણુકા માતાને આ લગ્ન સ્વીકાર્ય નહોતાં. રેણુકા માતા કોપાયમાન થવાથી લગ્ન માટે આવેલું આખું વરઘોડું પથ્થરમાં પરિવર્તિત થઈ ગયું. આ લોકકથા મુજબ તો આજે પણ ગામની આસપાસ હજારોની સંખ્યામાં ગોળાકાર શિલાઓ એટલે કે પથ્થરો જોવા મળે છે. ગામની આજુબાજુ ખુલ્લા મેદાનમાં પડેલા આ હજારો પથ્થરોનો કોઈ પણ ઉપયોગ કરવામાં આવતો નથી.

 

લોકકથા મુજબ આ દેવી અવિવાહિત જ રહ્યાં હતાં. તેથી રેણુકા માતાનો આદર જળવાઈ રહે અને તેમના કોપના શિકાર બનવામાંથી બચવા માટે ગામમાં છેલ્લાં 500 વર્ષથી કોઈપણ ઘરના આગળ લગ્નનો માંડવો બંધાયો નથી. અમુક લોકોએ ગામમાં લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો ખરો, પરંતુ તે લગ્ન સાંગોપાંગ કે સુખરૂપ પાર પડ્યાં નહોતાં, એવું પણ ગામલોકોનું કહેવું છે.

 

અલબત્ત, આ પ્રથાને લીધે ચૌંડાળામાં કોઈ કુંવારુંં રહેતું નથી. ગામના છોકરા, છોકરીઓનાં લગ્ન ગામની અંદર થઈ શકતાં નથી. આથી ચૌંડાળા ગામલોકો એક ઉપાય અજમાવે છે. ગામથી ત્રણ કિલોમીટર દૂર આવેલા હનુમાન મંદિરમાં બજરંગબલીની સાક્ષીએ લગ્નવિધિઓ પૂર્ણ થાય છે. આને લીધે ગામમાં છેલ્લાં પાંચસો વર્ષથી ન તો વરરાજાના કે ક્ધયાના દરવાજે મંડપ બંધાયો છે. આજે પણ ગામવાસીઓ આ નિયમોનું કડક પાલન કરે છે અને ગામની બહાર લગ્નવિધિ પૂર્ણ કરે છે. 

ગામમાં દોઢમાળું ઘર બાંધવામાં આવતું નથી. આવું કેમ એ થોડું સમજીએ. રેણુકા દેવીના મંદિરની એક નિશ્ર્ચિત ઊંચાઈ છે. આ મંદિરની ઊંચાઈ કરતાં વધુ ઊંચું ઘર બાંધવામાં આવતું નથી કે જેથી માતાજી અને મંદિરનું માન જળવાઈ રહે. કોઈપણ ઘરની છત રેણુકા દેવીના મંદિર કરતાં ઊંચી હોઈ શકતી નથી. તેથી ગામમાં એકપણ દોઢમાળું ઘર જોવા મળતું નથી. ભૂતકાળમાં કોઈએ આ લક્ષ્મણરેખા પાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સફળતા મળી નહોતી. આને લીધે પૂર્વજોએ અપનાવેલી આ પરંપરાનું પાંચસો વરસેય નવી પેઢી પાલન કરે છે.

 

દેવી-દેવતાઓના આદરરૂપે ચૌંડાળામાં ઘરમાં સૂવા માટે સાદો ખાટલો, સોફા, બેડ કે પલંગ પણ વપરાતા નથી. હા, આખા ગામમાં કોઈપણ ઘરમાં સોફા, પલંગ કે ખાટલો જોવા મળતો નથી. આ ગામમાં જમીન પર જ સૂવું પડે છે. તેમાં પ્રસૂતા સ્ત્રીઓ પણ જમીન પર જ સૂએ છે. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરાનું આજે પણ કડક પાલન થાય છે. છોકરાનાં લગ્ન થાય ત્યારે બધો સામાન આપવામાં આવે છે, પરંતુ પલંગ આપવામાં આવતો નથી. દરેક ગ્રામજન આજે પણ જમીન પર જ સૂએ છે.

 

તેઓ પરંપરાગત ચટાઈ અથવા પાળિયાં પર જમીન પર સૂએ છે. સ્થાનિક લોકકથાઓ મુજબ ગામના આરાધ્ય દેવ પ્રત્યે વિનમ્રતા દર્શાવવા માટે આ પ્રથા શરૂ થઈ હતી. એવું માનવામાં આવે છે કે માણસે જમીન સાથે જોડાયેલું રહેવું જોઈએ અને અતિશય વૈભવથી દૂર રહેવું જોઈએ. 

 

ચૌંડાળાની અનોખી સંસ્કૃતિ તેમના દૈનિક જીવન અને માળખામાં પણ જોવા મળે છે:

 

જે રીતે માણસો માટે નિયમો છે, એ જ રીતે જાનવરો માટે પણ નિયમો છે. ખેતરમાં કામ કરતા બળદોને શિંગોટી કે ઝૂલ પણ પહેરાવવામાં આવતી નથી. મહારાષ્ટ્રના કેટલાંક આદિવાસી અને પરંપરાગત ગામોમાં માન્યતા કે પ્રથા મુજબ ગાય-બળદને ‘શિંગોટી’ (શિંગ પરનો શણગાર) અથવા ‘ઝૂલ’ (પીઠ પર નખાતું શણગાર કાપડ) પહેરાવવામાં આવતું નથી. આની ધાર્મિક-પરંપરાગત માન્યતા એવી હોઈ શકે કે પશુઓને કુદરતી સ્વરૂપમાં જ રાખવા જોઈએ. આની પાછળ દેખાડા કે વૈભવથી દૂર રહેવાની સાદગીની જૂની રીત પણ હોય. આ સિવાય સ્થાનિક દેવતા અથવા વ્રત સાથે જોડાયેલી માન્યતા અનુસાર પશુઓને વધારાનો શણગાર કરવો મનાઈ હોઈ શકે છે.