Tue Sep 29 2026

Logo

જમીન સંપાદન દરમિયાન NA મંજૂરીની પ્રક્રિયામાં ફેરફાર, જાણો કોને થશે ફાયદો

2026-06-03 10:09:00
Author: Mayur Patel
જમીન સંપાદન દરમિયાન NA મંજૂરીની પ્રક્રિયામાં ફેરફાર, જાણો કોને થશે ફાયદો

અમદાવાદઃ જમીન સંપાદન દરમિયાન વધારાનો નાણાકીય બોજ ટાળવા બિન ખેતી(NA)ની મંજૂરી આપવાના પ્રક્રિયામાં મહેસૂલ વિભાગે મોટો ફેરફાર કર્યો હતો. જે મુજબ હવેથી  NA ની કાર્યવાહી માત્ર સંપાદન માટે સૂચિત સર્વે નંબરો માટે જ સ્થગિત કરવામાં આવશે, સમગ્ર જમીન માટે નહીં કરી શકાય. યોજનામાં સમાવિષ્ટ સર્વે નંબર એક વર્ષ સુધી બિન ખેતી નહીં કરાય. આ નિર્ણયથી ઉદ્યોગો સહિત કોઈ પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા લોકોને મોટો ફાયદો થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

જમીન માલિકો ઘણીવાર તેમની જમીન સત્તાવાર રીતે સંપાદિત થાય તે પહેલાં NA મંજૂરી મેળવી લેતા હતા, જેના કારણે સંપાદન કરતી એજન્સીઓ માટે વળતરનો ખર્ચ વધી જતો હતો અને પ્રોજેક્ટના ખર્ચમાં વધારો થતો હતો. 2 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશન અનુસાર, જેવી કોઈ સંપાદન કરતી એજન્સી વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ (DPR) તૈયાર કરવાનું શરૂ કરે, તેણે સંબંધિત જિલ્લા કલેક્ટરને સંભવિત ગામોની યાદી સુપરત કરવી પડશે. 

ત્યારબાદ તે ગામોમાં NA મંજૂરીઓ 60 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવે છે. આ 60 દિવસ દરમિયાન, સત્તાવાળાઓ સંપાદન થવાની સંભાવના ધરાવતા ચોક્કસ સર્વે નંબરોની ઓળખ કરે છે. એકવાર ઓળખ થઈ ગયા પછી, માત્ર તે જ સર્વે નંબરો માટે NA મંજૂરી સ્થગિત રહેશે. ગામના અન્ય તમામ સર્વે નંબરો માટેની અરજીઓ પર સામાન્ય રીતે પ્રક્રિયા ચાલુ રહેશે.

આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે?

એકવાર સંપાદન કરતી એજન્સી પ્રોજેક્ટનું અલાઈનમેન્ટ  અંતિમ કરી લે, પછી તેણે સંપાદન માટે સૂચિત ચોક્કસ સર્વે નંબરો જિલ્લા કલેક્ટરને સબમિટ કરવાના રહેશે. ત્યારબાદ તે સર્વે નંબરો માટે NA મંજૂરી એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવે છે, જેથી એજન્સીને જરૂરી મંજૂરીઓ મેળવવા અને સત્તાવાર રીતે જમીન સંપાદન શરૂ કરવા માટે પૂરતો સમય મળી રહે છે.