Wed Aug 26 2026

Logo

ચંબામાં ચાલતી બસ પર પડ્યો વિશાળ પથ્થર, એકનું મોત અને અનેક ઘાયલ

2026-07-05 13:56:00
Author: Vimal Prajapati
ચંબામાં ચાલતી બસ પર પડ્યો વિશાળ પથ્થર, એકનું મોત અને અનેક ઘાયલ

ચંબાઃ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી રવિવારે સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં ભરમોરથી ચંબા આવી રહેલી હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC) ની એક સરકારી બસ પર ગેહરા પાસે સવારે લગભગ 7 વાગ્યે પહાડી પરથી અચાનક એક વિશાળ પથ્થર નીચે ખાબક્યો હતો. આ પથ્થર બસની છત તોડીને સીધો અંદર ઘૂસી ગયો હતો, જેના કારણે મુસાફરોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં અંદાજે 40 જેટલા મુસાફરો સવાર હતા.

શિવ પૂજન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા મુસાફરો

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ દર્દનાક દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બસમાં સવાર મોટાભાગના લોકો શિવ પૂજન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

 

સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢી સારવાર માટે સરકારી મેડિકલ કોલેજ, ચંબા ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. વહીવટી તંત્રે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ચોમાસાની શરૂઆત સાથે જ હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આવી જ અન્ય એક ઘટના કાંગડા જિલ્લામાં પણ જોવા મળી હતી, જ્યાં એક નદીના જળસ્તરમાં અચાનક વધારો થવાને કારણે પંજાબના બે બાળકો સહિત 7 પ્રવાસીઓ ન્યૂગલ નદીની વચ્ચે ફસાઈ ગયા હતા.