ખાલી ટ્રેન પાટા પરથી ઉતરતા મોટી જાનહાનિ ટળી, ટેક્નિકલ ખામી અંગે તપાસના આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ દિવસે દિવસે મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલીમાં ગરમીનો પારો ઉચકાય રહ્યો છે, પરંતુ મુંબઈની લોકલ ટ્રેનોના ધાંધિયા અવિરત રહે છે. મુંબઈમાં દર રવિવારે મેગા અથવા જમ્બો બ્લોક લેવામાં આવ્યા પછી પણ લોકલ ટ્રેનમાં ટેક્નિકલ ફેઈલ્યોર થાય અને એનો ભોગ પ્રવાસીઓ બને છે, ત્યારે આજે એવું જ થયું. મધ્ય રેલવેમાં ડોંબિવલી સ્ટેશને સવારના લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે પીકઅવર્સથી લઈને સાંજ સુધી લોકલ ટ્રેનો નિયમિત દોડતી નથી, જ્યારે એના ભોગ પ્રવાસીઓ બનતા રેલવે પ્રશાસનની ઝાટકણી કાઢી હતી. રાહતની વાત એ હતી લોકલ ટ્રેન ખાલી હતી, તેથી મોટી કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે ગણતરીના કલાકોમાં ઓપરેશન રાબેતા મુજબ કરવાથી રેલવે પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.
ડોંબિવલીમાં આજે સવારે 8.09 વાગ્યાના સુમારે ખાલી લોકલ ટ્રેન પ્લેટફોર્મ એક નંબરમાં પ્રવેશતી વખતે પાટા પરથી ઉતરી ગઈ હતી. લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગયા પછી કોપરથી કલ્યાણની ડાઉન લાઈનની લોકલ ટ્રેનસેવા પર ગંભીર અસર પડી હતી. કલવાથી ખાલી રેક કલ્યાણ જઈ રહી હતી ત્યારે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ બનાવ પછી રેલવેના 60 કર્મચારીની સાથે વરિષ્ઠ અધિકારીઓની મદદતથી ટ્રેનને પાટા પર લાવવામાં સફળતા મળી હતી. સવારના 10.45 વાગ્યાના સુમારે કોપર-કલ્યાણ વચ્ચે ઠપ થયેલી ડાઉન સ્લો લાઈન શરુ કરી હતી, એમ રેલવેએ જણાવ્યું હતું.
સવારના પ્લેટફોર્મ નંબર એક પર લોકલ ટ્રેન ડિરેલ થયા પછી અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે બપોરથી લઈને સાંજ સુધી અનેક ટ્રેનો અડધો કલાક મોડી દોડશે. પીકઅવર્સમાં મેજર સમસ્યાને કારણે પ્રવાસીઓને મુશ્કેલી હતી. જોકે, ડોંબિવલીમાં લોકલ ટ્રેનના ડિરેલમેન્ટને કારણે રેલવે એન્જિનિયરિંગ, ટેલિકોમ સહિત ઓપરેશન વિભાગના ઉચ્ચ અધિકારીની આગેવાનીમાં ટ્રેનને પાટા પર લાવવાનું કામ પાર પાડવામાં આવ્યું છે. આમ છતાં ડિરેલમેન્ટ અંગે ઉચ્ચ અધિકારીની આગેવાનીમાં તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે, એમ મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
અઠવાડિયાના પહેલા દિવસે જ લોકલ ટ્રેનોનું શેડ્યૂલ ખોરવાય એના માટે રેલવેને આદત પડી ગઈ છે. રવિવારે બ્લોક લીધા પછી ટ્રેન યા ટ્રેકમાં સમસ્યા ઊભી થાય એનું આશ્ચર્ય થાય છે, તેમાંય સમસ્યાનું નિર્માણ થયા પછી પીકઅવર્સમાં ટ્રેનો બેવડી ક્ષમતાથી ભરેલી જાય, જેમાં હજારો સિનિયર સિટિઝન અને મહિલા પ્રવાસીઓ માટે પ્રવાસ કરવાનું યાતનામય બનતા હોય છે, પરંતુ અધિકારીઓ માટે આ બધી બાબત સમજ બહાર છે. ડોંબિવલીમાં ડિરેલમેન્ટ પછી ભલે સ્લો કોરિડોરમાં સમસ્યા હતી, પરંતુ ફાસ્ટ ટ્રેનો પણ રાબેતા મુજબ દોડી રહી નથી. થાણે, મુલુંડ, ઘાટકોપર, કુર્લા, દાદર સહિત અન્ય સ્ટેશન પર દિવસભર પ્રવાસીઓ અડધો કલાક સુધી ટ્રેનની રાહ જોતા હોય છે, પરંતુ ના તો એનાઉન્સમેન્ટ થાય કે ના તો ટ્રેન રેગ્યુલર આવે તેનાથી પ્રવાસીઓને મુશ્કેલી પડી છે, એમ ડોંબિવલીના મયંક પટેલે જણાવ્યું હતું.
ડિરેલમેન્ટનું કારણ શું?
રેલવે અને સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા ડિરેલમેન્ટ પછી યુદ્ધના ધોરણે ઓપરેશન રાબેતા મુજબ શરુ કરવાના પ્રયાસ કર્યા હતા. ડિરેલમેન્ટ માટે કદાચ ટેક્નિકલ ખરાબી અથવા સિગ્નલિંગ યંત્રણામાં કોઈ ખામી હોવાની શક્યતા છે, પરંતુ ઉચ્ચ અધિકારીની આગેવાનીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે કદાચ ટ્રેકમાં ટેક્નિકલ ખરાબી હોઈ શકે છે. એના સિવાય કદાચ વ્હિલમાં મિકેનિકલ ફોલ્ટને કારણે સમસ્યા ઊભી થઈ હોઈ શકે છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ બનાવ પછી સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અને ફોટોગ્રાફ વાયરલ થયા હતા, જેમાં જોવા મળ્યું હતું કે ટ્રેન કઈ રીતે પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. પાટા પરથી ટ્રેન નીચે ઉતરી ગયા પછી ટ્રેન ઝૂકી ગઈ હતી.