Sun Sep 06 2026

Logo

નીટ-યુજી 2026 પેપર લીક કેસ: સીબીઆઇએ લાતુરના ડૉક્ટર, પુણેના ફિઝિક્સના શિક્ષકની કરી ધરપકડ

2026-05-27 17:49:00
Author: Yogesh D. Patel
નીટ-યુજી 2026 પેપર લીક કેસ: સીબીઆઇએ લાતુરના ડૉક્ટર, પુણેના ફિઝિક્સના શિક્ષકની કરી ધરપકડ

મુંબઈ: નીટ-યુજી 2026 પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિેગેશન (સીબીઆઇ) દ્વારા લાતુરના ડૉક્ટર તેમ જ પુણે સ્થિત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ફિઝિક્સના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.સીબીઆઇએ લાતુરના ડૉક્ટર મનોજ શિરુરની ધરપકડ કરી હતી, જેણે લાતુરમાં રેણુકાઇ કેમિસ્ટ્રી ક્લાસીસ (આરસીસી) ચલાવતા શિવરાજ રઘુનાથ મોટેગાંવકરના પુત્ર સહિત ત્રણ વિદ્યાર્થીઓને નીટ પેપર સેટર પી.વી. કુલકર્ણી પાસેથી કેમિસ્ટ્રીના પ્રશ્ર્નો મેળવી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. શિવરાજ મોટેગાંવરની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.

પુણે સ્થિત કોચિંગ સેન્ટર ડૉ. અભંગ પ્રભુ મેડિકલ એકેડેમી (એપીએમએ)ના ફિઝિક્સના શિક્ષક તેજસ શાહની પણ સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.તેજસ શાહે ધરપકડ કરાયેલી આરોપી મનીષા હવાલદાર પાસેથી ફિઝિક્સના પ્રશ્ર્નો મેળવ્યા હતા, એમ અધિકારીએ કહ્યું હતું.મનોજ શિરુર અને તેજસ શાહની ધરપકડ સાથે પેપર લીક કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે 13 થઇ છે. 

સીબીઆઇએ અત્યાર સુધી 49 સ્થળે સર્ચ હાથ ધરી હતી અને અનેક વાંધાજનક દસ્તાવેજો સહિત લેપટોપ અને મોબાઇલ જપ્ત કર્યા હતા, એમ તેમના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું.
12 મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ પેપર લીકના આરોપો વચ્ચે 3 મેના રોજ મેડિકલ એડમિશન માટે યોજાયેલી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (અંડરગ્રેજ્યુએટ) અથવા નીટ રદ કરી હતી. 21 જૂનના રોજ ફરીથી પરીક્ષાનું આયોજન કરાયું હતું.

શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલી લેખિત ફરિયાદને આધારે સીબીઆઇએ એ જ દિવસે ગુનો દાખલ કર્યો હતો. કેસની તપાસ માટે વિશેષ ટીમ તૈયાર કરીને દેશભરમાં દરોડા પાડ્યા હતા તથા ધરપકડ કરી હતી. અત્યાર સુધી આ કેસમાં દિલ્હી, જયપુર, ગુરગ્રામ, નાશિક, પુણે, લાતુર અને અહિલ્યાનગરથી 13 જણની ધરપકડ કરાઇ છે. (પીટીઆઇ)