થાણે: સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) ઓફિસરના સ્વાંગમાં સેન્ટ્રલ એજન્સીમાં જૉબ અપાવવાને બહાને નોકરીવાંચ્છુઓ સાથે છેતરપિંડી આચરવા પ્રકરણે 36 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આરોપીની ઓળખ રાજુ અશોક પાટેકર તરીકે થઇ હોઇ તે પોલીસનો યુનિફોર્મ પહેરતો હતો, જેમાં સરકારી બૅચ લાગેલો હતો. તે પોતાની સાથે વૉકી-ટૉકી અને ઍર ગન રાખતો હતો અને પીડિતોનો વિશ્ર્વાસ મેળવવા પોતાની ઓળખ સીબીઆઇ ઓફિસર તરીકે આપતો હતો.
તેણે કથિત રીતે બોગસ આઇડેન્ટિટી કાડર્સ, દસ્તાવેજો અને સન્માનપત્રો તૈયાર કરી રાખ્યા હતા અને સીબીઆઇમાં નોકરી મેળવી આપવાની લાલચે તેણે લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હતા તથા જનતા તથા સરકાર સાથે છેતરપિંડી આચરી હતી.
વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીની ઉલ્હાસનગરથી શનિવારે સાંજના ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન પચાસ હજારની રોકડ, ઍર ગન, છ વૉકી-ટૉકી, સિમકાર્ડ, સંખ્યાબંધ બોગસ આઇડેન્ટિટી કાડર્સ સંબંધી વસ્તુઓ, સરકારી એજન્સીઓ સાથે કડી ધરાવતા દસ્તાવેજો સહિત 7.14 લાખ રૂપિયાની મતા જપ્ત કરી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી વસ્તુઓમાં ભારત સરકારના નામવાળા કોરા લેટરહેડ, બોગસ ઑથોરિટી લેટર્સ, સ્ટેમ્પ પેપર પર સોગંધનામાં, વિવિધ સરકારી સંસ્થાઓ સાથે કડી હોવાના દાવો કરતા ખોટા સન્માનપત્રોનો સમાવેશ છે. (પીટીઆઇ)