Wed Aug 19 2026

Logo

પોસ્ટ ઓફિસ કૌભાંડમાં 12 જણ સામે સીબીઆઈએ કેસ નોંધ્યો, 2.81 કરોડની ઉચાપતનો આરોપ...

2026-02-24 17:17:46
Author: pooja shah
Article Image

અમદાવાદઃ ભરૂચ પોસ્ટલ ડિવિઝન હેઠળના પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક ખાતાઓમાં નાના રોકાણકારો દ્વારા જમા કરાયેલા નાણાંનું કૌંભાંડ બહાર આવ્યું હતું. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ), ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી)એ ઓએનજીસી કોલોની સબ-પોસ્ટ ઓફિસના તત્કાલીન સબ-પોસ્ટમાસ્ટર, યાસીનભાઈ અબ્દુલભાઈ ઘાંચી અને અન્ય 11 કર્મચારી સામે રૂ. 2.81 કરોડની ઉચાપત કરવાના આરોપસર કેસ નોંધ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

એફઆઈઆર મુજબ, 9 ઓગસ્ટ, 2024 અને 14 ડિસેમ્બર, 2025 ની વચ્ચે આ ગેરવ્યવહારો થયા હતા. મુખ્ય આરોપી ઘાંચીએ પોતાના પદનો ગેરઉપયોગ કરી કથિત રીતે ટાઈમ ડિપોઝિટ (ટીડી) યોજનાઓ હેઠળ ગ્રાહકો પાસેથી રોકાણ માટે પૈસા લીધા હતા, પરંતુ તે રકમ સત્તાવાર રીતે સરકારી ખાતામાં જમા ન કરતા વ્યક્તિગત કામ માટે ઉપયોગ કર્યો હતો. અત્યાર સુધીની તપાસમાં આવા લગભગ 56 જેટલા વ્યવહારો બહાર આવ્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. 

આરોપીઓએ ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે નકલી પાસબુક જારી કર્યાનો આરોપ પણ છે. રોકડા નાણાનો ઉપાડ છુપાવવા માટે તેઓ બેંકિંગ સોફ્ટવેર 'ફિનેકલ' માં એન્ટ્રીઓમાં હેરફેર કરતા હોવાની પણ શંકા તપાસ એજન્સીઓને હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ડિસેમ્બર 2025 માં શંકાસ્પદ વ્યવહારોની આશંકા આંતરિક રીતે જ વ્યક્ત કરવામા આવી હતી. પ્રાથમિક રીતે જોતા પાસબુક એન્ટ્રીઓ અને  બેંકિંગ સિસ્ટમમાં નોંધાયેલા બેલેન્સ વચ્ચે વિસંગતતા જોવા મળી હતી, ત્યારબાદ આ સમગ્ર કૌંભાંડ બહાર આવ્યું હતું. 

ભરૂચ ડિવિઝનના પોસ્ટ ઓફિસના અધિક્ષક બી.વાય. તાશિલદાર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતા (આઈપીસી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ઘાંચી ઉપરાંત, અન્ય આરોપીઓમાં પ્રીતમભાઈ વસાવા, ભાવેશ પટેલ, હેમંત કુમાર સૈન અને પાર્થ પટેલનો સમાવેશ થાય છે. આ કેસમાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.