Wed Sep 09 2026

Logo

કચ્છી મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન: ૫૩૫ સખી મંડળોને રૂ.૧૪.૦૫ કરોડની કેશ ક્રેડિટ લોન મંજૂર

2026-08-08 14:50:02
Author: Mumbai Samachar Team
કચ્છી મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન: ૫૩૫ સખી મંડળોને રૂ.૧૪.૦૫ કરોડની કેશ ક્રેડિટ લોન મંજૂર

ભુજઃ કચ્છ જિલ્લામાં ગ્રામીણ મહિલાઓના આજીવિકા સશક્તિકરણ માટે હાથ ધરાયેલી 'સખી મંડળ કેશ ક્રેડિટ ઝુંબેશ' અંતર્ગત ૫૩૫ સખી મંડળો માટે રૂ.૧૪.૦૫ કરોડની કેશ ક્રેડિટ લોન મંજૂર કરવામાં આવી છે.

'ડે-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન' યોજના હેઠળ ગ્રામ્ય મહિલાઓને સરળતાથી ધિરાણ ઉપલબ્ધ થાય તેવા હેતુથી જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ દ્વારા જુલાઈ-૨૦૨૬ના મહિનાને વિશેષ અભિયાન તરીકે લક્ષિત કરાયો હતો. આ અંતર્ગત બેંક અધિકારીઓ અને તાલુકા સ્ટાફ સાથે સમીક્ષા બેઠકો યોજીને બ્રાન્ચવાર લક્ષ્યાંકો નક્કી કરાયા હતા, જેના પરિણામે સમગ્ર જિલ્લામાં સફળતાપૂર્વક લોન મંજૂર કરવામાં આવી છે.

આ નાણાકીય સહાયથી હસ્તકલા, પશુપાલન, ખેતી અને ફૂડ પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સાથે જોડાયેલી મહિલાઓને પોતાના ગૃહઉદ્યોગનો વિકાસ કરવા અને આત્મનિર્ભર બનવા માટે નવું બળ મળશે તેવો વિશ્વાસ ઉત્સવ ગૌતમે વ્યક્ત કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ અભિયાન કચ્છની ગ્રામ્ય મહિલાઓ માટે આર્થિક સશક્તિકરણનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે. સરકારની આ પહેલથી મહિલા ઉદ્યોગસાહસિકોમાં આત્મવિશ્વાસ વધશે, સ્વરોજગારીને પ્રોત્સાહન મળશે અને ગામડાંના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધુ મજબૂત બનશે.

ઉત્સવ વૈદ્ય