શ્રીલેખા યાજ્ઞિક
કહેવાય છે કે ફળફળાદિ માનવ જીવનને સ્વસ્થ રાખવા માટે અત્યંત આવશ્યક છે. ફળોનો વિવિધ સ્વાદ, તેમાં સમાયેલી મીઠાશની સાથે તેના રંગ-કદ કુદરતની અમૂલ્ય ભેટ છે.
આજે આપણે જે ફળ વિશે વાત કરવાના છીએ તે ફળનું નામ છે બુદ્ધા હૅન્ડ. સામાન્ય રીતે ફળ નાનું હોય તેમ છતાં તેમાં બીજ સમાયેલું હોય છે. હા, ફક્ત કેળાં જ એક એવું ફળ છે જેમાં બીજ હોતાં નથી. બુદ્ધા હૅન્ડ ફળ પણ એવું જ છે. તેમાં બીજ હોતાં નથી. તેનો દેખાવ ભગવાન બુદ્ધની ધ્યાન મુદ્રા જેવો છે. હિન્દીમાં તેને બુશુકાન તરીકે ઓળખવામાં આવે છે. સ્વાદમાં થોડું ખટાશ ધરાવતું હોય છે.
સુગંધી ફળ હોવાને કારણે તેનો ઉપયોગ દવા, મુરબ્બો, શરબત, તેલ તેમ જ અત્તર બનાવવામાં ખાસ થાય છે.
આ ફળ હિમાલયના નીચલા ભાગમાં તેમ જ ચીનમાં જોવા મળે છે. દેખાવમાં ભગવાન બુદ્ધના હાથ જેવું હોવાથી તેને ‘બુદ્ધા હૅન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ છે સાઈટ્રસ મેડિકા વર્સ -સારકોડેક્ટાઈલિસ છે. બી વગરનું હોવા છતાં અત્યંત રસાળ ફળ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે.
એવું કહેવાય છે કે આ ફળ શરીરમાં સારા કૉલેસ્ટ્રોલના સ્તરને જાળવી રાખે છે. વળી તેમાં પિકેટીન હોવાને કારણે લોહીનું પરિભ્રમણ શરીરમાં સુચારુ રીતે થવામાં મદદ મળે છે.
નેશનલ લાઈબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલાં એક અહેવાલ મુજબ બુદ્ધા હૅન્ડ તરીકે ઓળખાતા બુશુકાન ફળનો ઉપયોગ ઔષધી બનાવવામાં ખાસ કરવામાં આવે છે. કેમ કે ફળ તેમાં ફ્લૅવોનોઈડસ્, કૂમારિન, વિટામિન સી સમાયેલાં છે. જે ઍન્ટિ-ઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે.
વળી શરીરમાં બનતાં ફ્રી-રેડિકલ્સને ઘટાડવામાં મદદ કરે છે. જેને કારણે ઑક્સિડેટિવ સ્ટ્રેસ તથા શરીરમાં અચાનક દેખાતાં સોજાને ઘટાડવામાં ઉપયોગી ગણાય છે.
ટૂંકમાં કહીએ તો બુદ્ધા હૅન્ડ ફળનું સેવન કરવાથી વ્યક્તિ માટે ગંભીર ગણાતા રોગ જેવા કે કૅન્સર, હૃદયરોગ તેમજ વય પરિપકવ થવાની સાથે દેખાતી વિવિધ વ્યાધિને નિયંત્રણમાં રાખી શકાય છે. ચીન તથા જાપાનમાં બુદ્ધા હૅન્ડ ફળને અત્યંત પવિત્ર ફળ ગણવામાં આવે છે.
એવી માન્યતા છે કે આ ફળનું સેવન કરવાથી તેની ઘરમાં હાજરી હોવાથી કુટુંબમાં સમૃદ્ધિ વધે છે. આયુષ્ય વધવાની સાથે સૌભાગ્ય તેમજ સકારાત્મક ઊર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે. બૌદ્ધ મંદિરોમાં તેનોે ભોગ ધરાવવામાં તેનો ઉપયોગ અવશ્ય થાય છે.
બુદ્ધા હૅન્ડના સ્વાસ્થ્યવર્ધક લાભ
દુખાવામાં રાહતદાયક : આયુર્વેદમાં બુદ્ધા હૅન્ડ કે બુશુકાન ફળનો ઉપયોગ વિવિધ દુખાવાથી રાહત મેળવવામાં થતો આવ્યો છે. નોર્થ ઈસ્ટમાં અનેક વર્ષોથી શરીરમાં થતી કળતરમાં થતો આવ્યો છે. એવી માન્યતા છે કે બુદ્ધા હૅન્ડમાં પેઈન રિલિવિંગ ઍજન્ટ કૂમારિન, બર્ગાપ્ટેન, ડાયોસમિન તથા લિમોનિન સમાયેલું હોય છે. જે ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો ધરાવે છે. બુશુકાનના સેવનથી શરીરમાં સોજા તેમ જ દુખાવો હળવો કરવામાં મદદ કરે છે. એવી પણ માન્યતા છે કે વાગ્યું હોય કે ચીરો પડ્યો હોય તેના દર્દમાં બુદ્ધા હૅન્ડનો ઉપયોગ રાહતદાયક બને છે.
ઈન્ફેક્શન થતાં બચાવે છે : ઈન્ફેક્શનથી બુદ્ધા હૅન્ડનું સેવન કરવાથી લાભ મળે છે. તેના સેવન બાદ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કેમ કે બુદ્ધા હૅન્ડમાં પોલીસૈકરાઈડ્સ હોય છે. જે હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. જેને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
ગેસની સમસ્યામાં ગુણકારી : બુદ્ધા હૅન્ડ એક રસદાર ફળ ગણાય છે. ઍન્ટિ-ઈન્ફેલેમેટરી હોવાને કારણે આંતરડા ઉપર સોજો હોય તેને દૂર કરવામાં ઉપયોગી છે. કબજિયાત, બ્લોટિંગ, ઝાડા, પેટમાં વારંવાર દુખાવાની તકલીફ કે ચૂક આવવાની તકલીફમાં ફાયદાકારક ગણાય છે.
બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી : બુદ્ધા હૅન્ડ ફળ માટે એવું કહેવાય છે કે તે વેસોડાયલેટર તરીકે કામ કરે છે. રક્ત વાહિનીની ઉપર વધતાં દબાણને ઘટાડવામાં લાભદાયક ગણાય છે. લોહી ગંઠાઈ જવાની તકલીફથી બચાવે છે. લોહીમાં રહેલી ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે. એક રિપોર્ટ મુજબ બુદ્ધા હૅન્ડનું સેવન કરવાથી લોહીનું પરિભ્રમણ શરીરમાં સુચારું રીતે થાય છે. તેમજ અચાનક હાર્ટ એટેકની તકલીફથી બચાવે છે.
શ્વાસ સંબંધિત મુશ્કેલીમાં ગુણકારી : બુદ્ધા હૅન્ડનું સેવન કરવાથી શ્ર્વાસ સંબંધિત તકલીફમાં રાહત મેળવી શકાય છે, તેવી માન્યતા જોવા મળે છે. તેનું મુખ્ય કારણ આ રસાળ ફળ સ્વાદમાં થોડું ખટાશ ધરાવતું હોય છે. જે કફ તેમ જ પેટમાં જમા થતાં વાયુને દૂર કરવામાં મદદ કરે છે. શરદી-ખાંસી તેમ જ કફથી રાહત મેળવવી હોય તેમણે બુદ્ધા હૅન્ડ ફળનું સેવન અવશ્ય કરવું જોઈએ. દુખાવામાં ઝડપથી રાહત અપાવે છે.
પાક-કલામાં બુદ્ધા હૅન્ડનો ઉપયોગ લાંબા સમયથી ભારતમાં થતો આવે છે. ફળનો રંગ લીલો તેમજ ગૉલ્ડન પીળો હાય છે. ફળનો રસ ખટાશ ધરાવતો હોય છે. જેને કારણે તેમનું શરબત કે જામ બનાવવામાં સરળતા રહે છે. તેની છાલમાં કડવાશ હોતી નથી. જેને કારણે તેમાંથી જામ, મુરબ્બો, મીઠાઈ તેમ જ કૉકટેલ બનાવવામાં થાય છે.
બુદ્ધા હૅન્ડનો જામ
સામગ્રી: 1 નંગ બુદ્ધા હૅન્ડ ફળ, 3 કપ પાણી, 2 ચમચી લીંબુનો રસ, 3 કપ ખાંડ, 1 ચમચી તજનો પાઉડર.
બનાવવાની રીત : સૌ પ્રથમ ફળને સપ્રમાણ ટૂકડાંમાં કાપી લેવું. ત્યારબાદ એક મોટી કડાઈમાં 1 કપ પાણી લેવું. તેમાં ફળના ટૂકડાં ઉમેરવાં. ધીમા તાપે તેને પકાવવું. ટૂકડાં ગળી જાય ત્યારબાદ તેને ચારણીમાં કાઢી લેવાં. અન્ય એક તપેલીમાં ખાંડ ડૂબે તેટલું પાણી લઈને એક તારની ચાસણી તૈયાર કરવી. ઠંડા થયેલાં ફળના બાફેલાં ટૂકડાં ઉમેરી દેવાં. મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યારબાદ ગેસ બંધ કરીને તજનો ભૂકો ઉમેરવો. સ્વાદિષ્ટ બુદ્ધા હૅન્ડનો જામ બ્રેડ કે ગરમાગરમ પરાઠા સાથે ખાવો.