Sun May 03 2026

Logo

ફોકસ પ્લસ: બકેટ હેટ યુવાનોની નવી હોટ એક્સેસરીઝ

2026-04-02 09:40:12
Author: Statue of Aurora
Article Image

ફેબ્રુઆરી અને માર્ચનો હળવો તડકો, કોલેજ કેમ્પસની ધમાલ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સનો પ્રકાશ. આ બધા વચ્ચે, એક એક્સેસરી ઝડપથી ઊભરી આવી છે: બકેટ હેટ. હા, એ જ ટોપી જે એક સમયે માછીમારો અને બહાર કામ કરતા કામદારો માટે ઉપયોગી ટોપી માનવામાં આવતી હતી, તે આજકાલ યુવાનો માટે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગઈ છે.

આ હેટ નવા રંગો, નવી પ્રિન્ટ અને યુવાનો માટે એક નવો આત્મવિશ્વાસ લઈને આવી છે.

સ્ટ્રીટવેરનો વારસો

યુવાનોમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં ‘સ્ટ્રીટ વેર ફેશન’ની લોકપ્રિયતા ઘણી વધી છે. ઓવર સાઇઝ્ડ ટી-શર્ટ, કાર્ગો પેન્ટ, સ્નીકર્સ અને સ્લિમ બેગની સાથે બકેટ હેટ એક સંતુલિત અને કૂલ લુક આપે છે. આ માત્ર તડકાથી બચાવતી જ નથી, પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વને પણ જાહેર કરે છે. ખાસ કરીને પેસ્ટલ કલર, ટાઈ-ડાઈ પ્રિન્ટ, ગ્રાફિક પેટર્ન અને બ્રાન્ડેડ લોગોવાળી બકેટ હેટ્સ કોલેજ કેમ્પસ અને મ્યુઝિક ફેસ્ટિવલમાં પોતાનો એક અલગ પ્રભાવ વિખેરે છે. 

સેલિબ્રિટીઝનો ઓરા

ઇન્સ્ટાગ્રામ, પ્રિન્ટરેસ્ટ અને યુટ્યૂબ જેવા પ્લેટફોર્મ પર ફેશન ઇન્ફ્લુએન્સર્સે બકેટ હેટને નવું જીવનદાન આપ્યું છે. એરપોર્ટ લુકથી લઈને બીચ વેકેશન સુધી ઘણા યુવાનો અને સેલિબ્રિટીઓ તેને પહેરતા જોવા મળે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ સેલિબ્રિટી સાધારણ ટી-શર્ટ અને જીન્સ સાથે બકેટ હેટ પહેરે છે, ત્યારે અવારનવાર તેનો આ લુક વાઇરલ થઈ જાય છે. આનાથી આ એક્સેસરી ‘એવરી ડે સ્ટાઈલ’નો હિસ્સો બની ગઈ છે. સાથે જ આમાં એક ખાસ વાત એ છે કે તે ‘જેન્ડર ન્યુટ્રલ’ અપીલ ધરાવે છે. બકેટ હેટની સૌથી મોટી તાકાત તેનું આ જ યુનિક કેરેક્ટર છે. છોકરીઓ અને છોકરાઓ બંને તેને સરખા જ આત્મવિશ્વાસથી પહેરે છે. છોકરીઓ તેને ક્રોપ ટોપ અને સ્કર્ટ સાથે પહેરે છે, તો છોકરાઓ તેને ઓવર સાઇઝ્ડ શર્ટ અને શોર્ટ્સ સાથે. આ સમાવિષ્ટ ફેશનનું ઉદાહરણ છે, જ્યાં કોઈ કડક લિંગ સીમાઓ નથી.

મોટાભાગની ઋતુઓ માટે પરફેક્ટ

ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના પ્રથમ અઠવાડિયામાં ભારતમાં ગરમીનો અનુભવ થવા લાગે છે. ત્યારે બકેટ હેટની પહોળી કિનારી ચહેરા અને આંખોને સીધા સૂર્યપ્રકાશથી બચાવે છે. કોટન અને ડેનિમ ફેબ્રિકની આ હેટ હવાની અવરજવર માટે અનુકૂળ હોય છે, જે ગરમીમાં તેને આરામદાયક બનાવે છે. આ જ કારણ છે કે તે સ્ટાઇલ અને કમ્ફર્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ગઈ છે. પરંતુ વાત માત્ર આટલી જ નથી. આનું ફરીથી ચલણમાં આવવું એ ખરેખર 90ના દાયકાના પુનરાગમનને ચિહ્નિત કરે છે. લો-વેસ્ટ જીન્સ, ચોકર અને હવે બકેટ હેટ. નિ:શંકપણે, આ નોસ્ટાલ્જીયા યુવાનોને ભૂતકાળની યાદો સાથે જોડે છે. રેટ્રો સ્ટાઇલનું આ મિશ્રણ જૂનું હોવા છતાં નવા આકર્ષણનો ઉત્સાહ પેદા કરે છે.

મિનિમલથી સ્ટેટમેન્ટ સુધી

બકેટ હેટમાં ઘણી વિશેષતાઓ છે. તે બે છેડાઓ વચ્ચે સંતુલન જાળવે છે. એક તરફ તે એક જ રંગનો એટલે કે સાદો અથવા ‘મિનિમલ લુક’ આપે છે, તો બીજી તરફ તે ચમકદાર પ્રિન્ટ કે જાણીતા લોગો સાથે ‘બોલ્ડ સ્ટેટમેન્ટ’ બની જાય છે. વાસ્તવમાં આ લવચીકતા તેને બધી ફેશનમાં એક એક વ્યવહારુ વિકલ્પ બનાવે છે. માત્ર ફેબ્રુઆરી-માર્ચમાં જ નહીં, પરંતુ મે અથવા ઓગસ્ટ-સપ્ટેમ્બરના કોલેજ ફેસ્ટમાં પણ તે પોતાની જગ્યા બનાવી લે છે. આઉટડોર ઇવેન્ટ્સ અને ટ્રાવેલ પ્લાન્સમાં તો તે ખાસ દેખાય છે. એક તરફ તે તડકા અને ધૂળ વગેરેથી વ્યવહારુ રક્ષણ આપે છે, તો બીજી તરફ સ્ટાઇલનો જલવો પણ છે. તેથી, બકેટ હેટ માત્ર માથું ઢાંકવાનું સાધન નથી, તે એક યુવા વિચાર છે; આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વનું પ્રતીક છે. બકેટ હેટ સાથેનો આ સંબંધ સંકેત આપે છે કે યુવા પેઢી ટ્રેન્ડને માત્ર ફોલો નથી કરતી, તેને પોતાની શૈલીમાં ઢાળે પણ છે. કદાચ આ જ કારણ છે કે 2026ની શરૂઆતમાં બકેટ હેટ ફરી એકવાર યુવાનોમાં ફેશન આઇકોન બની ગઈ છે.