Mon Jun 29 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ :29 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-29 08:24:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-29 22:00:57

પંજાબમાં ધર્મનિંદા કાયદા મુદ્દે વાંધાઓ એક મહિનામાં દૂર કરવા અકાલ તખ્તનો આદેશ

પંજાબ સરકારે વિધાનસભામાં મંજૂર કરેલા ધર્મનિંદા કાયદા મુદ્દે અકાલ તખ્ત સાહિબે કડક વલણ અપનાવ્યું છે. આ અંગે આજે  અકાલ તખ્ત સાહિબ ખાતે સુનાવણી યોજાઈ હતી. જેમાં સરકારને તમામ વાંધાઓ દૂર કરવા એક મહિનાનો સમય આપ્યો છે.

2026-06-29 20:19:16

1 જુલાઈથી  પેટ્રોલ અને ડીઝલ પરના પ્રતિબંધો દૂર કરાશે

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ગ્રાહકો માટે સારા સમાચાર છે. જેમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર મૂકેલા કામચલાઉ  પ્રતિબંધોને 1 જુલાઇથી દૂર કરવાની જાહેરાત કરી છે.

2026-06-29 19:27:46

અમેરિકા ઈરાન તણાવ વચ્ચે ટ્રમ્પનું નિવેદન, કહ્યું  ઈરાને બેઠક માટેની વિનંતી કરી

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાને બેઠક માટેની વિનંતી કરી છે અને અમેરિકા સાથે વાત કરવા માંગે છે. આ બેઠક મંગળવારે કતારની રાજધાની દોહામાં યોજાવાની છે.

2026-06-29 18:40:16

પશ્ચિમ બંગાળમાં સલામતી અને અસામાજિક પ્રવૃત્તિઓ નિયંત્રણ બિલ પસાર

પશ્ચિમ બંગાળમાં સીએમ સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં વિધાનસભામાં અનેક બિલ પસાર કરવામાં આવી રહ્યા છે. જેમાં મમતા રાજમાં હિંસા અને રમખાણો જોવા મળતી હતી. જેના પગલે હિંસા અને રમખાણોનો નિયંત્રિત કરવા માટે વિધાનસભામાં 'જાહેર સલામતી અને અસામાજિક પ્રવૃત્તિઓ નિયંત્રણ બિલ, 2026' પસાર કરવામાં આવ્યું હતું.

2026-06-29 17:11:44

આયર્લેન્ડની ક્રિકેટ ટીમને મોટો ઝટકો, મુખ્ય કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું

આયર્લેન્ડની ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં મુખ્ય કોચ હેનરિક મલાને  પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.આયર્લેન્ડની ટીમે તાજેતરમાં જ ભારત વિરુદ્ધ T20 શ્રેણી વિજયની ઉજવણી કરી હતી. આ અંગે આયર્લેન્ડે ક્રિકેટ બોર્ડની સત્તાવાર પુષ્ટિ કરી છે.

2026-06-29 16:35:04

આરએસએસ વિરુદ્ધ  ટિપ્પણી બદલ પ્રિયાંક ખડગેને કોર્ટનું સમન્સ

કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયાંક ખડગે અને યુવા કોંગ્રેસના નેતા મોહમ્મદ નલપડને આરએસએસ વિરુદ્ધ કરેલી ટિપ્પણી અંગે બેંગલુરુની એક કોર્ટે સમન્સ પાઠવ્યું  હતું. તેમજ 21 જુલાઇ સુધી જવાબ માંગ્યો છે. આ કેસની વિગત મુજબ આરએસએસ વિરુદ્ધ પ્રિયાંક ખડગે વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેની બાદ કોર્ટે સમન્સ પાઠવ્યું હતું.

2026-06-29 15:21:12

અયોધ્યામાં રામમંદિર દાન ચોરી કેસનો તપાસનો વ્યાપ વધ્યો, 80 લોકોને નોટિસ

અયોધ્યામાં રામમંદિર દાન ચોરી કેસના એસઆઇટીના અહેવાલ બાદ એફઆઇઆર નોંધવામાં આવી હતી. તેમજ આ કેસમાં પોલીસે તપાસ પણ તેજ કરી છે. જેમાં તપાસ એજન્સીઓએ આ કેસમાં હવે અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સહિત 80 થી વધુ લોકોને નોટિસ પાઠવી તપાસમાં સામેલ થવા જણાવ્યું છે.

2026-06-29 14:47:20

જયપુરમાં નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયીઃ 3 મોત

રાજસ્થાનના જયપુરના આમેર વિસ્તારમાં નિર્માણધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના ઘટી છે. અહીંયા ચાલી રહેલા ખોદકામ વખતે દીવાલ ધસી પડવાને કારણે ત્રણ શ્રમિકના મૃત્યુ થયા છે.

2026-06-29 14:27:53

દક્ષિણ ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ બપોરે 12 થી 2 કલાકના સમયગાળામાં દક્ષિણ ગુજરાતના 8 તાલુકામાં મેઘમહેર થઈ હતી. તાપી જિલ્લાના વાલોડમાં સૌથી વધુ 1.77 ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડામાં 0.59 ઇંચ, પારડીમાં 0.55 ઇંચ, નાનાપોંઢામાં 0.51 ઇંચ, વલસાડમાં 0.28 ઇંચ, ઉમરગાંવમાં 0.24 ઇંચ, સુરતના અંબિકામાં 0.08 ઇંચ તથા તાપીના ડોલવણમાં 0.04 ઇંચ વરસાદ વરસ્યો હતો.

2026-06-29 14:02:58

2027માં ગાંધીનગરમાં યોજાશે વાયબ્રન્ટ સમિટ

વડોદરામાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન કેન્દ્રીય ઊર્જા અને શહેરી વિકાસ મંત્રી મનોહરલાલ ખટ્ટરે મહત્વપૂર્ણ સંબોધન કર્યું હતું. પોતાના વક્તવ્યમાં તેમણે ગુજરાતના વિકાસ મોડલના ભારોભાર વખાણ કર્યા હતા અને આગામી વાઇબ્રન્ટ સમિટ અંગેની મોટી જાહેરાત પણ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન દેશ અને રાજ્ય માટે અત્યંત લાભકારી સાબિત થઈ રહ્યું છે. આ વૈશ્વિક પ્રવાહને આગળ ધપાવતા આગામી વર્ષ 2027માં ફરી એકવાર ગાંધીનગરના આંગણે વાયબ્રન્ટ સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

2026-06-29 12:18:09

દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ મેઘમહેર

દક્ષિણ ગુજરામાં વહેલી સવારથી જ મેઘમહેર થઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ચીખલીમાં 0.71 ઇંચ, ઉમરગાંવમાં 0.59 ઇંચ, નાનાપોંઢામાં 0.24 ઇંચ, ડાંગમાં 0.24 ઇંચ, ખેરગામમાં 0.24 ઇંચ, વલસાડમાં 0.24 ઇંચ, વઘાઈમાં 0.16 ઇંચ, પારડીમાં 0.12 ઇંચ વરસાદ વરસ્યો છે.

2026-06-29 09:58:21

વડોદરામાં બે દિવસીય VGRCનો આરંભ થશે

વડોદરામાં આજથી બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આરંભ થશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં  ભારત સરકારના વિદ્યુત, આવાસ અને શહેરી બાબતોના પ્રધાન મનોહર લાલ પણ ઉપસ્થિત રહેશે.

2026-06-29 08:32:12

ટ્રાફિક જામ, અંધેરી સબવે બંધ, અનેક જગ્યાએ પાણી ભરાયા, ભારે વરસાદથી મુંબઇ બેહાલ

મુંબઈમાં ચોમાસાના ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. રસ્તાઓ તળાવ બની ગયા છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે. લોકોને ઘરોમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. અંધેરી સબવે (અંડરપાસ)માં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આખી રાત પડેલા ભારે વરસાદને કારણે અંધેરી, બાંદ્રા, ખાર, મલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પણ પાણી ભરાઈ જવાને કારણે ગાડીઓની ગતિ ધીમી પડી ગઈ છે.

2026-06-29 08:24:42

ગુજરાતમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભાવનગરના જેસરમાં 0.63 ઇંચ, ઉમરગાંવમાં પણ 0.63 ઇંચ, ખાંભામાં 0.12 ઇંચ, રાણપુરમાં 0.12 ઇંચ, ડાંગમાં 0.08 ઇંચ, ઝાલોદમાં 0.04 ઇંચ, સંખેડામાં  0.04 ઇંચ તથા બોટાદમાં 0.04 વરસાદ નોંધાયો હતો.