Thu Mar 12 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 24 Feb 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2 weeks ago

અજીત પવારના વિમાન અકસ્માત મુદ્દે DGCAની મોટી કાર્યવાહી, VSRના ચાર વિમાન ગ્રાઉન્ડેડ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના વિમાન અકસ્માત મુદ્દે ડીજીસીએ મોટી કાર્યવાહી કરી છે. ડીજીસીએ જાન્યુઆરી માસમાં બારામતી થયેલા વિમાન દુર્ઘટનાની તપાસ બાદ VSRના ચાર વિમાન  ગ્રાઉન્ડેડ કરવાનો આદેશ આપ્યો છે. હવે આ વિમાન આગામી સુચના સુધી ઉડાન નહી ભરી શકે.

2 weeks ago

ચૂંટણી પંચની ટીમ આવતીકાલે તમિલનાડુ અને પુડુચેરીની મુલાકાત લેશે

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત ચૂંટણી પંચની ટીમ 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન તમિલનાડુ અને પુડુચેરીના પ્રવાસે જશે અને આગામી ચૂંટણીઓની તૈયારીઓનું નિરીક્ષણ કરશે. આ રાજ્યોમાં એપ્રિલ મહિનામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

2 weeks ago

અમેરિકા અને ઈરાનના તણાવમાં ચીનની એન્ટ્રી, ઈરાનને આપશે ખતરનાક હથિયારો

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ  દરમિયાન ચીનની એન્ટ્રી થઈ છે.જેમાં  ઈરાન અને ચીન એક  મોટી ડિફેન્સ ડીલ કરવા જઈ રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર ઈરાન ચીન પાસેથી અત્ય આધુનિક CM-302 સુપરસોનિક એન્ટી-શિપ ક્રુઝ મિસાઇલો ખરીદવા માટે તૈયાર છે.

2 weeks ago

પાકિસ્તાન સામે 165નો લક્ષ્યાંક ચેઝ કરવામાં ઇંગ્લૅન્ડે પહેલા જ બૉલમાં વિકેટ ગુમાવી

પલ્લેકેલમાં પાકિસ્તાને પ્રથમ બૅટિંગ લીધા બાદ કેટલાક તબક્કે ધબડકો જોયા બાદ છેવટે 20 ઓવરમાં નવ વિકેટે 164 રન કર્યા હતા અને પછી ઇંગ્લૅન્ડની પહેલા જ બૉલમાં પ્રથમ વિકેટ લઈ લીધી હતી. ઇન્ફૉર્મ બૅટ્સમૅન ફિલ સૉલ્ટ શાહીન આફ્રિદીના પહેલા જ બૉલમાં કૅચઆઉટ થયો હતો. જૉસ બટલરના સામા છેડે કૅપ્ટન હૅરી બ્રૂકે આવતાંવેંત ફટકાબાજી શરૂ કરી હતી. એ પહેલાં, પાકિસ્તાનના 9/164ના સ્કોરમાં ઓપનર સાહિબઝાદા ફરહાનના 63 રન હાઇએસ્ટ હતા. લિઆમ ડૉસન એક તબક્કે હૅટ-ટ્રિક પર હતો, પણ એમાં સફળ નહોતો થઈ શક્યો. તેણે ત્રણ વિકેટ તેમ જ આર્ચર અને ઓવર્ટને બે-બે વિકેટ અને આદિલ રાશીદે એક વિકેટ લીધી હતી.

2 weeks ago

ઇડરમાંથી ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું

સાબરકાંઠાના ઇડરમાં SMCની ટીમે દરોડા પાડીને ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. ઈડરમાં બરવાવ સ્થાનિક આગેવાનના કોમ્પ્લેક્સમાં છેલ્લા ત્રણ વર્ષથી આગેવાનના કોમ્પ્લેક્સમાં ભાડાના મકાનમાં કોલ સેન્ટર ચાલતું હતું . વિદેશોમાં લોન આપવાની જાળમાં ફસાવી  છેતરપિંડી કરવામાં આવતી હતી.

2 weeks ago

કટરા અને શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ જમ્મુ તાવી સુધી લંબાવાઈ

જમ્મુ કાશ્મીરમાં  કટરા અને શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને જમ્મુ તાવી સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયના લીધે જમ્મુથી શ્રીનગરનો પ્રવાસ પાંચથી પણ ઓછા ક્લાકમાં પૂર્ણ થશે. જેના લીધે  સ્થાનિકો, વેપારીઓ અને પ્રવાસીઓને પણ સુવિધા મળશે.

2 weeks ago

અમદાવાદમાં વ્હાલી દીકરી યોજનાની 5 અરજી નામંજૂર

ગુજરાત વિધાનસભામાં દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં 31-12-2025ની સ્થિતિએ 3111 અરજી મળી છે. જે પૈકી 3106 અરજી મંજૂર કરવામાં આવી છે અને 5 અરજી નામંજૂર કરવામાં આવી છે.

2 weeks ago

પાકિસ્તાને ઇંગ્લૅન્ડ સામે બૅટિંગ પસંદ કરી, 14મા રને પહેલી વિકેટ ગુમાવી

શ્રીલંકાના પલ્લેકેલમાં વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં પાકિસ્તાને ઇંગ્લૅન્ડ સામેની અત્યંત મહત્ત્વની મૅચમાં ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનું નક્કી કર્યું અને સાવચેતીપૂર્વક શરૂઆત કરી હતી. જોકે 14મા રને પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી બે ઓવરમાં પાકિસ્તાને વિના વિકેટે 14 રન કર્યા હતા. જોકે ત્રીજી ઓવરની શરૂઆતમાં આર્ચરના બૉલમાં સઇમ અયુબ ડીપ બૅકવર્ડ સ્ક્વેર લેગ પર બેથેલને કૅચ આપી બેઠો હતો. આ રાઉન્ડમાં પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડની પ્રથમ મૅચ વરસાદને કારણે ધોવાઈ જતાં બન્નેને એક-એક પૉઇન્ટ મળ્યો હતો. બીજી તરફ, ઇંગ્લૅન્ડે શ્રીલંકાને હરાવીને સેમિ ફાઇનલની દિશામાં એક ડગલું માંડ્યું હતું. પાકિસ્તાને આ મૅચ માટે ટીમમાં એક ફેરફાર કર્યો છે. ઑલરાઉન્ડર ફહીમ અશરફના સ્થાને પેસ બોલર શાહીન શાહ આફ્રિદીને ફરી રમાડ્યો છે.

2 weeks ago

આંધ્રપ્રદેશમાં  ભેળસેળયુક્ત દૂધ પીવાથી ચાર લોકોના મોત, 12 લોકો ગંભીર

આંધ્રપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લાના રાજમહેન્દ્રવરમ વિસ્તારમાં ભેળસેળયુક્ત દૂધ પીવાથી ચાર લોકોના મોત થયા છે. તેમજ 12 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.  જોકે, આ ઘટના બાદ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ મૃતકોના પરિવારજનોને  રૂપિયા 10 લાખના વળતરની જાહેરાત કરી છે.

2 weeks ago

આવતીકાલથી 4 માર્ચ સુધી ડાકોર જતા માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

​ડાકોરના ફાગણી પૂનમના મેળાને લઈને તંત્રનો મોટો નિર્ણય, અનેક રૂટ ડાયવર્ટ કરાયા છે. ​ હોળી-ધૂળેટી અને ડાકોરના પ્રસિદ્ધ ફાગણી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને પદયાત્રાળુઓની સુરક્ષા માટે ખેડા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ 25 ફેબ્રુઆરીથી 4માર્ચ 2026 સુધી ડાકોર તરફ જતા વિવિધ માર્ગો પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

2 weeks ago

ભારત વાયુસેના ક્ષમતા વધારશે, રશિયન ફાઈટર જેટ સુખોઈ SU-57 ખરીદવા પર વિચારણા

ભારતના ઓપરેશન સિંદૂરમાં બાદ સશસ્ત્ર દળોની ક્ષમતા વધારવામાં આવી  રહી છે. જેમાં ભારતીય વાયુસેના તેની ક્ષમતાના વધારો કરવા માટે રશિયાના પાંચમા પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ, સુખોઈ સુખોઈ SU-57 ખરીદવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ અંગે મળતી માહિતી મુજબ આ ડીલ ફાઈનલ થાય તો શરુઆતમાં 40 જેટલા એસયુ-75 જેટનો ઓર્ડર આપી શકે છે.  જેના લીધે પાકીસ્તાન અને ચીનની ચિંતામાં વધારો થઈ શકે છે.

2 weeks ago

હૈદરાબાદ જતી બ્રિટિશ ઍરવેઝની ફ્લાઇટ ખરાબ હવામાનના કારણે નાગપુર ડાયવર્ટ

નાગપુર: લંડનથી હૈદરાબાદ જતી બ્રિટિશ ઍરવેઝની ફ્લાઇટને મંગળવારે વહેલી સવારના ખરાબ હવામાનના કારણે નાગપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે કેટલીક ટેક્નિકલ સમસ્યાઓને કારણે ફ્લાઇટને નાગપુર એરપોર્ટ પર રખાઇ હતી અને પ્રવાસીઓને તેમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ લંડનના હીથ્રો એરપોર્ટથી હૈદરાબાદ જતી બ્રિટિશ ઍરવેઝની ફ્લાઇટ વહેલી સવારે 5.30 વાગ્યે નાગપુર ડાયવર્ટ કરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર વહેલી સવારના ખરાબ હવામાનને કારણે ફ્લાઇટને નાગપુર એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. (પીટીઆઇ)

2 weeks ago

અમદાવાદ - મહેસાણા હાઈવે પર ટોલથી થઈ તોતિંગ આવક

વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, અમદાવાદ - મહેસાણા હાઈવે પર ટોલ ટેક્ષ ઉઘરાવવાનું કામ ગુજરાત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડને આપ્યું છે. બે વર્ષમાં ટોલ ટેક્ષ નહીં પરંતુ યુઝર ફીથી વર્ષ 2024માં રૂ. 132.38 કરોડ અને વર્ષ 2025માં રૂ, 164.46 કરોડ થઈ હતી.

2 weeks ago

વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય મહિલા ટીમ ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડેમાં હારી

બ્રિસ્બેનમાં ઑસ્ટ્રેલિયાએ ભારતની વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ટીમને સિરીઝની પ્રથમ વન-ડેમાં છ વિકેટે હરાવીને 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. ભારતે બૅટિંગ લીધા બાદ વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના (58 રન, 68 બૉલ, સાત ફોર) અને કૅપ્ટન હરમનપ્રીત કૌર (53 રન, 84 બૉલ, ત્રણ ફોર)ની હાફ સેન્ચુરી તેમ જ કાશ્વી ગૌતમ (43 રન, 44 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ની ફટકાબાજીની મદદથી 214 રન કર્યા હતા. ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાએ બેથ મૂની (76 રન, 79 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) તથા કૅપ્ટન અલીઝા હિલી (50 રન, 70 બૉલ, ચાર ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી માત્ર 38.2 ઓવરમાં ચાર વિકેટે 217 રન કરીને વિજય મેળવી લીધો હતો. સ્પિનર શ્રી ચરનીએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી, જ્યારે પીઢ સ્પિનર દીપ્તિ શર્મા (7.2-0-49-1) સૌથી ખર્ચાળ બોલર બની હતી.

2 weeks ago

સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડના ગેરકાયદે ઉપયોગ મુદ્દે ભાજપ નેતાને ટકોર કરી, કહ્યું આ અમારું કામ નથી

દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે પશ્ચિમ બંગાળમાં  SIR સાથે જોડાયેલા એક કેસમાં ભાજપ નેતાને ટકોર કરી છે.  કોર્ટે કહ્યું કે આધાર કાર્ડના ગેરકાયદે ઉપયોગની તપાસ તે ના કરી શકે તેની માટે કેન્દ્ર સરકારનો સંપર્ક કરવો જોઈએ. આ મુદ્દો સરકાર સમક્ષ રજુ કરવામાં આવે.

2 weeks ago

અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું વિસ્તરણ કરાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેની જાણકારી આપતા કેન્દ્રીય પ્રધાન  અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટે 12,236 કરોડની વિકાસ પરિયોજનાઓને મંજૂરી આપી છે. જેમાં અમદાવાદ મેટ્રોનો વિસ્તાર કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. અમદાવાદમાં મેટ્રો નેટવર્ક વિસ્તારવામાં આવશે. આ ફેઝ 2B નેટવર્ક હવે ગિફ્ટ સિટીથી IIT ગાંધીનગરના શાહપુર સુધીનું હશે. જેના અંદાજિત વિસ્તાર 3.3 કિમી અને અંદાજિત ખર્ચ - 1071 કરોડ થશે. ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે.

2 weeks ago

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની મોડી રાત્રે જેલમાં તબિયત લથડી, હોસ્પિટલ ખસેડાયા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં બંધ છે. જોકે, સોમવારે મોડી રાત્રે તેમની જેલમાં તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેની જાણ તેમની પાર્ટીના કાર્યકરોને વહેલી સવારે થઈ હતી. જેની બાદ તેમની ચિંતામાં વધારો થયો છે.

2 weeks ago

કેબિનેટે કેરળના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી

નવા પીએમઓ બિલ્ડિંગ સેવા તીર્થમાં આજે થયેલી પહેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા, જેમાં મોદી કેબિનેટે કેરળ સરકારના રાજ્યનું નામ બદલીને કેરલમ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી.

2 weeks ago

રાજ્યમાં કુપોષણથી પીડાતા બાળકો માટે તોતિંગ ફાળવણી

ગુજરાત વિધાનસભામાં સરકારે આપેલી માહિતી મુજબ, રાજ્યમાં કુપોષણથી પીડાતા બાળકો માટે 2024-25માં 1451.22 કરોડ અને 2025-26માં 1550.32 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ માહિતી જાહેર કરી હતી.

2 weeks ago

દિલ્હી AI સમિટમાં વિરોધ પ્રદર્શન કેસમાં યુવક કોંગ્રેસના પ્રમુખ સહિત આઠની ધરપકડ, રાહુલ ગાંધીએ વિરોધ કર્યો

દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા શર્ટલેસ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભમાં પોલીસે યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય  પ્રમુખ ઉદય ભાનુ ચિબ સહિત આઠ લોકોની ધરપકડ કરી છે. જેનો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિરોધ કર્યો છે. તેમણે આ ધરપકડને સરકારની તાનાશાહી અને કાયરતા ગણાવી છે.

2 weeks ago

લેહ જતાં સ્પાઇસજેટ વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ

દિલ્હીથી લેહ જઈ રહેલા સ્પાઇસજેટ વિમાનના એન્જિનમાં સમસ્યાના કારણે દિલ્હી પરત ફર્યું. બોઇંગ 737 વિમાનમાં લગભગ 150 લોકો સવાર હતા, જે ફ્લાઇટ SG121 ચલાવી રહ્યું હતું. આજે તેનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

2 weeks ago

1 વાગ્યા સુધીમાં રાજ્યના 6 જિલ્લામાં યલો એલર્ટ

રાજ્યના આજે પણ કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે રાજ્યના 6  જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

2 weeks ago

ચાંદખેડામાં રોડ બ્લોક કરનાર ટોળા સામે ગુનો

અમદાવાદના ચાંદખેડામાં એસ.પી. રિંગ રોડ પર આવેલ 'હોટલ હિલ્લોક' પાસેનો કટ બંધ કરી દેવાતા આસપાસની સોસાયટીના રહીશોએ હંગામો મચાવ્યો હતો. આશરે ૧૦૦ થી ૧૫૦ લોકોના ટોળાએ બેનરો સાથે મુખ્ય રિંગ રોડ બ્લોક કરી દીધો હતો. આ આખું આંદોલન 'Neighbours New Tragad' નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને ગ્રુપ એડમિન અને અન્ય સભ્યોએ મેસેજ દ્વારા લોકોને ભડકાવ્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.  આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 7 લોકો સામે નામજોગ ગુનો દાખલ કર્યો છે.

2 weeks ago

આગામી ત્રણ કલાક માટે 8 જિલ્લામાં યલો એલર્ટ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે રાજ્યના 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદર તેમજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.