દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ચૂક, સુરક્ષાકર્મીઓએ સશસ્ત્ર વ્યક્તિને ગોળી મારી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ચૂકની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ટ્રમ્પના માર-એ-લાગો ખાતેના ખાનગી નિવાસસ્થાનમાં એક સશસ્ત્ર વ્યક્તિએ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જેને સુરક્ષાકર્મીઓએ ગોળી મારી દીધી હતી.
ટ્રમ્પના રિસોર્ટમાં ઘૂસણખોરીની કોશિશ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા સંબંધિત એક સૌથી મોટી ઘટના ઘટી છે. ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત રિસોર્ટના પરિસરની બહાર રાતના સમયગાળા દરમિયાન સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવાની ગંભીર ઘટના ઘટી. યુએસ સિક્રેટ સર્વિસ અને પામ બીચ કાઉન્ટી શેરિફ કાર્યાલયના એક ડેપ્યુટીએ કરેલા ફાયરિંગમાં 20 વર્ષના યુવકનું મોત થયું, જેને ટ્રમ્પના રિસોર્ટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
શિવમ દૂબેએ આફ્રિકાને આપ્યો ઝટકો
દક્ષિણ આફ્રિકાની ત્રણ વિકેટ પછી ડેવિડ મિલર અને દેવાલ્ડ બ્રેવિસની મહત્ત્વની ભાગીદારી તોડવામાં શિવમ દૂબેને મળી સફળતા. મિલર અને બ્રેવિસ વચ્ચે 97 રનની ભાગીદારી નોંધાવી હતી. ઈન્ડિયાની 13મી ઓવર (12.2)માં બ્રેવિસની વિકેટ પડી, જેમાં બ્રેવિસે 29 બોલમાં 43 રન (ત્રણ સિક્સર, ત્રણ ચોગ્ગા) ફટકાર્યા હતા.
અમદાવાદમાં સાઉથ આફ્રિકાની છાવણીમાં ઉપરાઉપરી `ભૂકંપના આંચકા'
અમદાવાદમાં ભારત સામેની ટી-20 વર્લ્ડ કપ સુપર-એઇટ મૅચમાં સાઉથ આફ્રિકાએ પહેલાં બૅટિંગ લેવાનો જે નિર્ણય લીધો એ તેમના માટે બુમરૅન્ગ સાબિત થઈ રહ્યો છે, કારણકે સાઉથ આફ્રિકાએ ભારતના પેસ-આક્રમણને વશ થઈને શરૂઆતમાં એક તબક્કે છ બૉલમાં બે વિકેટ ગુમાવી દીધી. ત્યાર બાદ વધુ એક (ત્રીજી) વિકેટ પડતાં ચોથી ઓવરને અંતે સ્કોર ત્રણ વિકેટે ફક્ત 20 રન હતો. બીજી ઓવર અમદાવાદવાસી બુમરાહે કરી જેના પાંચમા બૉલમાં તેણે ક્વિન્ટન ડિકૉક (છ રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો અને પછીની ઓવરમાં અર્શદીપે ચોથા બૉલમાં કૅપ્ટન માર્કરમ (ચાર રન)ને હાર્દિકના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. બુમરાહે પોતાની બીજી ઓવરના અંતિમ બૉલમાં વધુ એક વિકેટ લીધી હતી જેમાં રિકલ્ટન (સાત રન) શિવમ દુબેના હાથમાં કૅચ આપી બેઠો હતો.
સાઉથ આફ્રિકાનો પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય, ભારતીય ટીમમાં એક જ ફેરફાર
અમદાવાદમાં સાઉથ આફ્રિકાના સુકાની એઇડન માર્કરમે અહીં ભારત સામેની ટી-20 વર્લ્ડ કપ સુપર-એઇટ મૅચમાં ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે સિક્કો ઉછાળ્યો હતો અને માર્કરમે ટેઇલ્સનો કૉલ આપ્યો હતો. ટેઇલ્સ પડતાં માર્કરમે કહ્યું હતું કે તેની ટીમ પહેલાં બૅટિંગ કરવાનું પસંદ કરશે. ભારતીય ટીમમાં કુલદીપ યાદવની જગ્યાએ અર્શદીપ સિંહને રમાડવામાં આવશે. ઓપનર અભિષેકને વધુ એક મોકો અપાયો છે. ભારતીય ટીમમાં બે રેગ્યુલર સ્પિનર અને ચાર પેસ બોલર સામેલ છે. અભિષેક પણ સ્પિન બોલર તરીકે મદદરૂપ થઈ શકશે. ખાસ બાબત એ છે કે વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલ પ્લેઇંગ-ઇલેવનમાં નથી. ભારતીય ટીમઃ સૂર્યકુમાર (કૅપ્ટન), અભિષેક, ઇશાન (વિકેટકીપર), તિલક, હાર્દિક, શિવમ, રિન્કુ, વૉશિંગ્ટન, અર્શદીપ, બુમરાહ અને વરુણ.
શ્રીલંકાનો હોમ-ક્રાઉડ સામે ઘડોલાડવો, ઇંગ્લૅન્ડ સામે 95 રનમાં ઑલઆઉટ થતાં હાર્યું
પલ્લેકેલમાં હોમ-ક્રાઉડ સામે જ ટી-20 વર્લ્ડ કપના સહ-યજમાન શ્રીલંકાની નામોશી થઈ છે જેમાં ઇંગ્લૅન્ડ સામેની સુપર-એઇટ રાઉન્ડની લો-સ્કોરિંગ મૅચમાં શ્રીલંકાનો 51 રનથી પરાભવ થયો છે. ઇંગ્લૅન્ડ સામે શ્રીલંકાને માત્ર 147 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ દાસુન શનાકાની ટીમ 100 રન પણ ન બનાવી શકી અને 16.5 ઓવરમાં ફક્ત 95 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. વિલ જૅક્સે ત્રણ તેમ જ આર્ચર, ડૉસન અને રાશીદે બે-બે વિકેટ લીધી હતી. શનાકાના 30 રન ટીમમાં હાઇએસ્ટ હતા.
શ્રીલંકાએ મોકો ગુમાવ્યો, ઇંગ્લૅન્ડ સામે બાવન રનમાં પાંચ વિકેટ ગુમાવી
શ્રીલંકાએ પલ્લેકેલમાં વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ઇંગ્લૅન્ડ સામે માત્ર 147 રનનો લક્ષ્યાંક મેળવ્યો ત્યાર બાદ આ યજમાન ટીમ મૅચ પરથી પકડ ગુમાવી રહી છે. શ્રીલંકાના બોલર્સે જે મહેનત કરીને ઇંગ્લૅન્ડને 9/146ના નાના સ્કોર સુધી સીમિત રખાવ્યું પણ શ્રીલંકાના બૅટ્સમેનો દાટ વાળી રહ્યા છે. નવમી ઓવરમાં શ્રીલંકાએ માત્ર બાવન રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. છમાંથી ત્રણ વિકેટ વિલ જૅક્સે, બે વિકેટ જોફ્રા આર્ચરે અને એક વિકેટ લિઆમ ડૉસને લીધી હતી. 6/63ના સ્કોર વખતે શ્રીલંકાએ 56 બૉલમાં 84 રન કરવાના બાકી હતા.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે યૌન શોષણના આરોપ બાદ કહ્યું, આટલા ઘૃણાસ્પદ આરોપની કલ્પના નહોતી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ઝુનસી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેની બાદ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ એક ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે આવા ઘૃણાસ્પદ આરોપની કલ્પના નહોતી. તેમણે સીએમ યોગી પર પ્રહાર કરતા જણાવ્યું કે તે કેટલા નીચા સ્તરે જઈ શકે છે એ આના પરથી સ્પષ્ટ થાય છે. આ ધર્મયુદ્ધ શરુ થયું છે.
શ્રીલંકાને ઇંગ્લૅન્ડ માત્ર 147 રનનો લક્ષ્યાંક આપી શક્યું
પલ્લેકેલમાં ઇંગ્લૅન્ડે શ્રીલંકા સામે વર્લ્ડ કપની સુપર-એઇટની મૅચમાં 20 ઓવરમાં નવ વિકેટે 146 રન કર્યા હતા અને યજમાન ટીમને 147 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો. ઓપનર ફિલ સૉલ્ટ (62 રન, 40 બૉલ, બે સિક્સર, છ ફોર) સિવાય બીજો કોઈ બૅટ્સમૅન પચીસ રન પણ નહોતો કરી શક્યો. બ્રિટિશ ટીમે ચોથી ઓવરથી જ વિકેટ ગુમાવવાનું શરૂ કરી દીધું હતું અને સમયાંતરે વિકેટ ગુમાવી હતી અને 19મી ઓવરના છેલ્લા બૉલમાં આઠમી તથા નવમી વિકેટ ગુમાવી હતી. દાસુન શનાકાના સુકાનમાં શ્રીલંકન ટીમે બોલિંગમાં અસરદાર પર્ફોર્મ કર્યું હતું. તમામ દુશાન હેમન્થાને બાદ કરતા બાકીના ચારેય બોલરને વિકેટ મળી હતી જેમાં સ્પિનર દુનિથ વેલાલાગેએ સૌથી વધુ ત્રણ વિકેટ મેળવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ વિવાદ વચ્ચે ભારત અમેરિકા ટ્રેડ ડીલની બેઠક મુલતવી
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફને ગેરકાયદે ગણાવ્યો છે. જોકે, તેની બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ દેશો પર 15 ટકાનો ગ્લોબલ ટેરિફ લાદયો છે. જેના પગલે સોમવારે 23 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ભારત વચ્ચે વોશિંગ્ટનમાં યોજાનારી ટ્રેડ ડીલ અંગેની બેઠક હાલ મુલતવી રાખવામાં આવી છે.
અખિલેશ યાદવનો સીએમ યોગી પર પ્રહાર, કહ્યું વસ્ત્ર પહેરીને કાન વીંધાવી લેવાથી કોઇ યોગી નથી થતું
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે તેમના વસ્ત્રો આપણને છેતરે છે. ગીતામાં કહેવામાં આવ્યું છે લોકોએ માયામાં રહીને માયાથી દૂર રહે અને બીજા દુ:ખને સમજે તે યોગી છે. ગુરુનાનક જીએ કહ્યું છે કે વસ્ત્ર પહેરીને કાન વીંધાવી લેવાથી કોઇ યોગી નથી થતું
શ્રીલંકા સામે ઇંગ્લૅન્ડે 32 રનમાં બટલર-બેથેલને ગુમાવ્યા
પલ્લેકેલમાં વરસાદના નજીવા ભય વચ્ચે શ્રીલંકા સામે શરૂ થયેલી વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડની મૅચમાં ઇંગ્લૅન્ડે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ પહેલી બે વિકેટ 32 રનમાં ગુમાવી દીધી હતી. જૉસ બટલર સાત રને અને જેકબ બેથેલ ત્રણ રને વિકેટ ગુમાવી બેઠા હતા. જોકે ઓપનર ફિલ સૉલ્ટ (29 નૉટઆઉટ) અને ટૉમ બૅન્ટને (ત્રણ નૉટઆઉટ) બાજી સંભાળીને વધુ ધબડકો રોક્યો હતો. પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની શનિવારની કોલંબોની મૅચ વરસાદને લીધે સાવ ધોવાઈ જતાં આજની ઇંગ્લૅન્ડ-શ્રીલંકા મૅચ ખરા અર્થમાં સુપર-એઇટની પ્રથમ મૅચ કહી શકાય. આજે સાંજે અમદાવાદમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગ્રૂપ-1માં પ્રથમ સુપર-એઇટ મુકાબલો થશે.

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, અમેરિકાએ સૈનિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડયા
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જેના પગલે અમેરિકા મિડલ ઈસ્ટમાં તેના સૈનિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી રહી છે. અમેરિકાને ભય છે ઈરાન અમેરિકન સૈન્ય સ્થળો પર હુમલો કરી શકે છે. તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ તેના એરક્રાફ્ટ કેરિયરને પણ ઈરાનની પહોંચથી દૂર રાખ્યું છે.
કોંગ્રેસે ગંદી રાજનીતિનો અખાડો બનાવ્યોઃ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેપિડ ટ્રન્ઝિટ સિસ્ટમના બાકી ભાગનું ઉદ્ઘાટન કર્યું, ત્યાર પછી જનસભાને સંબોધિત કરતા એઆઈ સમિટમાં કોંગ્રેસની શર્ટલેસ પ્રોટેસ્ટ મુદ્દે આકરી ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસે વૈશ્વિક આયોજનને પોતાની ગંદી રાજનીતિનો અખાડો બનાવ્યો.
કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ
જૂનાગઢમાં મૃગી કુંડમાં સ્નાન કરવાના વિવાદમાં ફસાયેલી ગુજરાતની વિવાદિત ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી હોવાની ચર્ચા છે. કીર્તિ પટેલ સામે સાત દિવસમાં 3 ગુના નોંધાયેલા છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને તેની ટોળકીની દાદાગીરીના અનેક કિસ્સા ચર્ચામાં છે. હજુ તો ગઈ કાલે જ જૂનાગઢના એક યુ-ટ્યુબરે કીર્તિ પટેલના વિવાદાસ્પદ વીડિયોનો વિરોધ કરતા, તેને ધમકાવી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાનો આરોપ મૂક્યો હતો.
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઈ હુમલો
પાકિસ્તાને તેના પાડોશી દેશ અફઘાનિસ્તાનના સીમાવર્તી ક્ષેત્ર ડૂરંડ લાઇન ક્ષેત્રમાં હવાઈ હુમલો કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અફઘાનિસ્તાન સ્થિત તહરિક એ તાલિબાન પાકિસ્તાનના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટનામાં અનેક લોકોના મોતના અહેવાલ છે. જો કે સામા પક્ષે તાલિબાને પણ આ હુમલાનો બદલો લેવાની ધમકી આપી છે.