Sun Sep 27 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 07 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-07 07:13:34
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 07 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-09-07 22:13:36

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાને લઇને જાહેરાત, મહાઅષ્ટમીના દિવસે દારૂની દુકાનો અને બાર બંધ

પશ્ચિમ બંગાળમાં  દુર્ગા પૂજાને લઈને રાજ્ય સરકારે અત્યારથી જ અનેક જાહેરાતો કરવાની શરૂઆત કરી છે. જેમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ  જણાવ્યું હતું કે મહાઅષ્ટમીના દિવસે રાજ્યમાં દારૂની દુકાનો અને બાર બંધ રહેશે. તેમજ  દુર્ગા પૂજા અને વિસર્જન શોભાયાત્રા દરમિયાન ડીજે સંગીત વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

2026-09-07 20:25:05

રામમંદિર દાન ચોરી કેસના આરોપીઓની ફોરેન્સિક રિપોર્ટ બાદ મુશ્કેલી વધી

અયોધ્યા રામમંદિર દાન ચોરી કેસમાં જેલમાં બંધ આઠ આરોપીઓની મુશ્કેલીમાં વધારો થશે. જેમાં કેસના તપાસ અધિકારીએ ચોરી અંગેના ફોરેન્સિક રિપોર્ટને રજૂ કરવાની કોર્ટમાં અરજી કરી હતી. તેમજ આરોપીઓની ફરી પૂછપરછની માંગ કરી હતી. જેની કોર્ટે મંજૂરી આપી છે.

2026-09-07 20:07:00

મલેશિયન એરલાઈન્સ વિમાનનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

188 પ્રવાસીને લઈ જનાર મલેશિયન એરલાઈન્સની ફ્લાઈટના એન્જિનમાં ખરાબી પછી ચેન્નઈમાં ડાઈવર્ટ કરવામાં આવ્યું હતું, ત્યાર પછી ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

2026-09-07 19:07:30

1.10 લાખ કરોડના હથિયારોને લીલી ઝંડી

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાશ સિંહની આગેવાની હેઠળ ડીએસી (ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ)માં આજે લગભગ 1.10 લાખ કરોડ રુપિયાના મૂલ્યના અધિગ્રહણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. આર્મી, નૌકાદળ અને હવાઈ દળ માટે સ્વદેશી ઉપકરણો માટે કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે.

2026-09-07 18:37:22

એલપીજી ગેસ સિલિન્ડર ધારકોને રાહત, હવે ગ્રામીણ વિસ્તારમાં 25 દિવસમાં બુક કરાવી શકશે સિલિન્ડર

મિડલ ઈસ્ટમાં યુદ્ધ દરમિયાન ભારતમાં ઓઇલ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરનો બુકિંગ સમય વધારી દેવામાં આવ્યો હતો. જેમાં ગ્રામીણ વિસ્તારમાં સિલિન્ડર બુકિંગ સમય 45 દિવસનો કરવામાં આવ્યો હતો. જોકે, હાલમાં પુરવઠાની સ્થિતી સામાન્ય થતાં હવે સિલિન્ડર બુકિંગનો ઘટાડીને 25 દિવસનો કરવામાં આવ્યો છે.

2026-09-07 17:22:39

ઈસરોનું 'ખાનગીકરણ' થશે કે નહીં?: ચેરમેને કરી સ્પષ્ટતા

ઈસરોના નવ કર્મચારી સંગઠનના પત્ર મુદ્દે હવે ચેરમેનનો જવાબ મળ્યો છે. વી. નારાયણએ કર્મચારી સંગઠનોના પત્રના જવાબમાં કહ્યું છે ડીપ સ્પેસ મિશન ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) પાસે જ રહેશે. ખાનગી પ્લેયર્સની ભૂમિકાનો ઉદ્દેશ દેશના અંતરિક્ષ ક્ષેત્રની ક્ષમતાનો વિસ્તાર કરવાનો રહેશે.

2026-09-07 17:10:13

સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટના મુદ્દે હાઈ કોર્ટની કડક ટિપ્પણી

સત્ય નિકેતન વિસ્તારમાં સર્જાયેલી દુર્ઘટના મુદ્દે દિલ્હી હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. કોર્ટે દુર્ઘટનાને કમનસીબ ગણાવતા કહ્યું હતું કે એના માટે ફક્ત બિલ્ડિંગના માલિક જ નહીં, પરંતુ દિલ્હી નગર પાલિકા (એમસીડી) અને દિલ્હી યુનિવર્સિટી પણ જવાબદાર છે.

2026-09-07 17:09:51

દિલ્હી ઇમારત ધરાશાયી કેસમાં મોટી કાર્યવાહી, પાંચ એમસીડી અધિકારીઓ સસ્પેન્ડ

દિલ્હીના સત્ય નિકેતનમાં આવેલી ઇમારત ધરાશાયી  કેસમાં સીએમ રેખા ગુપ્તાએ મોટી કાર્યવાહી કરી છે. આ ઘટનામાં બેદરકારી દાખવનારા પાંચ એમસીડી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

2026-09-07 16:12:45

રશિયામાં ભારતીય એન્જિનિયરની પોલીસે અટકાયત કરી, પત્નીએ પતિને છોડાવવા પીએમ મોદીને કરી અપીલ

રશિયામાં કામ કરતા ભારતના એન્જિનિયર ચંદન ગુપ્તાની પત્ની સ્નેહા ગુપ્તાએ  પીએમ મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પતિની મુકિત માટે અપીલ કરી છે. મોસ્કોમાં રહેતી સ્નેહાએ દાવો કર્યો છે કે રશિયન પોલીસે તેમના પતિની અટકાયત કરી છે. આ અંગે એક વિડીયો પણ પ્રકાશમાં આવ્યો છે.

2026-09-07 15:31:26

સીજેપીના અભિજીત દીપકે અને સૌરભ દાસ ખોટી માહિતી શેર કરવા બદલ ટ્રોલ થયા

કોકરોચ જનતા પાર્ટીના નેતા અભિજીત દીપકે અને સૌરભ દાસ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા છે. આ બંને લોકોએ ફોટો અને વિડીયો વેરીફાઈ કર્યા વિના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. જેમાં તેમણે ભાજપના નેતા ગૌરવ ભાટિયા અને રામ મંદિરના પ્રથમ સીઇઓ જિતેન્દ્ર મિશ્રાને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

2026-09-07 14:49:49

કોચીમાં એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

કોચીથી અબુ ધાબી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસનું કોચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ જ્યારે 36,000 ફૂટની ઊંચાઈ પર હતી, ત્યારે તેલ ખતમ થયા પછી એક એન્જિનને બંધ કર્યા પછી પ્લેનને કોચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.

2026-09-07 12:34:50

ચૈતર વસાવાને હાઇકોર્ટે સાત દિવસના જામીન આપ્યાં

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે 7 દિવસના જામીન આપ્યાં છે. જેલમાંથી છૂટે ત્યારથી 7 દિવસ સુધી જામીન હાઈકોર્ટે મંજૂર કર્યાં છે. નોંધનીય છે કે, વિધાનસભાના ચોમાસુ સત્રમાં સદનમાં હાજર રહેવા માટે હંગામી જામીન આપવામાં આવ્યાં છે. અત્યારે તેઓ  વડોદરાની જેલમાં સજા ભોગવી કર્યાં છે. ધારાસભ્ય ચૈતર વસાવાને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો કરવાના કેસમાં સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. અત્યારે તેમના સાત દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યાં છે.

2026-09-07 08:45:31

અમદાવાદમાં આજેથી ચાર દિવસ સુધી રિક્ષા અને ટેક્સી ચાલકોએ હડતાળ

અમદાવાદ શહેરમાં આજેથી રિક્ષા અને ટેક્સી ચાલકોએ હડતાળ શરૂ કરી છે. આજે શહેરની હજારો રિક્ષા અને ટેક્સીના ટાયર થંભી ગયાં છે. ભાડામાં વધારો કરવાની માંગ રિક્ષા અને ટેક્સી સંચાલકોએ હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળ આજથી લઈને આગામી 10 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. આ ચાર દિવસ દરમિયાન અમદાવાદ શહેરના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

2026-09-07 07:52:46

મિયામી એરપોર્ટ પર ભયાનક દુર્ઘટના, કાર્ગો પ્લેન ક્રેશ થતાં 5 ના મોત

ફ્લોરિડા: અમેરિકાના ફ્લોરિડા સ્થિત મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો છે. સાન જુઆન (પ્યુઅર્ટો રિકો)થી ઉડાન ભરીને આવેલું એમેઝોનનું બોઇંગ 767-300 કાર્ગો વિમાન લેન્ડિંગ દરમિયાન નિયંત્રણ ગુમાવીને રનવેની બહાર નીકળી ગયું હતું અને નજીક સ્થિત રોડ પરના વાહનો સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ટક્કર બાદ વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં 5 લોકોના કરૂણ મોત છે.

2026-09-07 07:49:27

અફઘાનિસ્તાનમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ, 130KM ભૂર્ગભમાં હતું કેન્દ્ર

અફઘાનિસ્તાનમાં સોમવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી  એટલે કે NCSના અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધવામાં આવી. ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 5  વાગ્યાને 36 મિનિટ 23 સેકન્ડ પર આવ્યો.

2026-09-07 07:15:23

દિલ્હીમાં ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 6 થયો

નવી દિલ્હી: દિલ્હીમાં સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થઈ તેમાં મૃતકોની સંખ્યાં વધી ગઈ છે.  પાંચ માળની ઇમારત ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હતા. જેમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે 11 લોકોનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે. જે લોકો હજી અંદર ફસાયેલા છે તેમની શોધખોળ અત્યારે ચાલી રહી છે.