દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ભારતે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાનની ચૂંટણી યોજવાની હિલચાલનો વિરોધ કર્યો
ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં સામેલ ગણાતા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણીઓ યોજવાની પાકિસ્તાનની હિલચાલનો ભારતે વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ વિસ્તારનો ભારતનો અભિન્ન અંગ છે. પાકિસ્તાન 7 જૂનના રોજ ગિલગિટ-બાલ્ટિસ્તાન ચૂંટણી કરાવવાની યોજના બનાવી રહ્યું છે. વિદેશ મંત્રાલયે આ સંદર્ભમાં પાકિસ્તાનને વિરોધનો ઔપચારિક પત્ર સોંપ્યો છે.
પીએમ મોદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર, કહ્યું નિરાશાવાદી લોકો ભારતને નીચું દેખાડવા માંગે છે
પીએમ મોદી સુરતમાં સભાને સંબોધિત કરતાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ આડે હાથે લીધા હતા. તેમણે નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આજે દેશમાં કેટલાક એવા નિરાશાવાદી લોકો છે કે આત્મ નિર્ભર ભારતની મજાક ઉડાવી રહ્યા છે. તેમજ ભારતને નીચું દેખાડવા માંગે છે.
મમતા બેનર્જી વિધાનસભામાં વિપક્ષ નેતાની નિયુકિતને હાઇકોર્ટમાં પડકારશે
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ભાજપ વિરુદ્ધ સતત વિરોધ કરી રહ્યા છે. મમતા બેનર્જી બંગાળ વિધાનસભાના સ્પીકર દ્વારા બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને વિરોધ પક્ષના નેતાનો દરજ્જો આપવાના નિર્ણયને કોલકાતા હાઇકોર્ટમાં પડકારશે.
લૉર્ડ્સની લૉ-સ્કોરિંગ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની 27 રનની સરસાઈ
લંડનના લૉર્ડ્સમાં રમાતી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ગુરુવારે પ્રથમ દિવસે ઇંગ્લૅન્ડની ટીમ માત્ર 140 રનમાં ઑલઆઉટ થઈ ગઈ ત્યાર બાદ આજે ન્યૂ ઝીલૅન્ડની ટીમ ફક્ત 113 રનમાં આઉટ થઈ જતાં બ્રિટિશરોએ 27 રનની સરસાઈ મેળવી હતી. ગુરુવારે કિવી પેસ બોલર કાઇલ જૅમીસને પાંચ વિકેટ લીધી હતી તો આજે ઇંગ્લૅન્ડનો પેસ બોલર ઑલી રૉબિન્સને પાંચ વિકેટનો તરખાટ મચાવ્યો. આજે બીજા દિવસે લંચના બ્રેક વખતે ઇંગ્લૅન્ડનો બીજા દાવનો સ્કોર એક વિકેટે 72 રન હતો અને સરસાઈ સાથે ઇંગ્લૅન્ડના 99 રન હતા.
પીએમ મોદીએ લોકોનો ભાજપને સમર્થન બદલ આભાર માન્યો, કહ્યું વિજય યાત્રા સતત ચાલુ
સુરતમાં પીએમ મોદીએ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપની જીતને ઉલ્લેખ કરીને લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું લોકોએ ભાજપને આપેલા સમર્થનના લીધે જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. તેથી હું ખૂબ ખુશ થયો છું. પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 1987 માં સુરતમાં શરૂ થયેલી મારી રાજકીય જીતની સફર હજુ પણ અવિરત ચાલુ છે.
ભારતની અર્થવ્યવસ્થા મજબૂત, જીડીપી વૃદ્ધિ દર 7.7 ટકાએ પહોંચ્યો
ભારત માટે આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. જેમાં સરકારે અર્થવ્યવસ્થાની મજબૂતીને પ્રતિબંબિત કરતાં જીડીપીના આંકડા જાહેર કર્યા છે. જેમાં નાણાંકીય વર્ષ 2025-26 દરમિયાન વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો છે. જે અન્ય દેશોના અર્થતંત્રની તુલનામાં મજબૂત છે.
કર્ણાટકમાં વિભાગોના ફાળવણી બાદ વિવાદ વકર્યો, મંત્રી રામલિંગા રેડ્ડીએ રાજીનામાની ચીમકી આપી
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી બદલાતાની સાથે જ આંતરિક વિખવાદ સપાટીએ આવ્યો છે. જેમાં નવા મંત્રીઓના વિભાગોની ફાળવણી બાદ વિવાદ વકર્યો છે. કોંગ્રેસના સિનીયર નેતા અને મંત્રી રામલિંગા રેડ્ડીએ તેમના મંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જોકે, તેના થોડા સમય બાદ સીએમ ડીકે શિવકુમારે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ હાથ ધર્યો હતો. તેમજ કહ્યું હતું કે આ મુદ્દાનો ઝડપથી ઉકેલ આવશે.
ઇન્ડિગોનો મોટો નિર્ણય, હોંગકોંગ- શાંઘાઈ સહિત છ રુટ પર ફ્લાઇટ ઓપરેશન બંધ કર્યું
ઇન્ડિગોએ સતત વધી રહેલા જેટ ફ્યુલના ભાવ અને ઓપરેશન ખર્ચના લીધે હોંગકોંગ, શાંઘાઈ અને હો ચી મિન્હ સિટી સહિત છ આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જેના પગલે આ રુટ પર જતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
રાજધાની વેગે દોડશે મેલ-એક્સપ્રેસ ટ્રેન
રેલવે બોર્ડે સૌથી મહત્ત્વાકાંક્ષી પોલિસીને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપી છે, જે અન્વયે દેશના મુખ્ય રેલ રુટ્સમાં દોડાવાતી મેલ-એક્સપ્રેસ ટ્રેનોની સ્પીડની મર્યાદા કલાકના 110 કિલોમીટરથી વધારીને 130 કિલોમીટરની ઝડપથી દોડાવાશે. એટલે રાજધાની માફક વંદે ભારત જેવી પ્રીમિય ટ્રેનો સુપરફાસ્ટ વેગે દોડાવી શકાશે.
ગોંડલના શેમળા ગામના તળાવમાં ડૂબવાથી એક જ પરિવારના ત્રણ બાળકોના મોત
ગોંડલ તાલુકાના શેમળા ગામનાઓરિયા તળાવમાં રમતા રમતા ચાર બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. જે પૈકી એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ ઘટનાથી સમગ્ર ગામ અને પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કે. અન્નામલાઈએ રાજીનામું આપી ભાજપનો સાથ છોડ્યો
તમિલનાડુ ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ કે. અન્નામલાઈએ રાજીનામું આપી દીધું છે. ભારતીય જનતા પાર્ટીએ કે. અન્નામલાઈનું રાજીનામું સ્વીકારી લીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને અન્નામલાઈના રાજીનામાને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. તમિલનાડુની રાજનીતિમાં હવે ભાજપ હવે એકલું થઈ ગયું છે. તમિલનાડુમાં ભાજપને મજબૂત કરવા માટે કે. અન્નામલાઈએ ખૂબ જ ફાળો આપ્યો હતો, પરંતુ હવે તેમણે ભાજપનો સાથો છોડી દીધો છે.
'ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત ૫૬૮ બાંગ્લાદેશી ઝડપાયા
'ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરીને આજે સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ ૫૬૮ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા નાગરિકોમાં ૧૭૨ પુરુષો, ૨૮૨ સ્ત્રીઓ અને ૧૧૪ બાળકોનો સમાવેશ થાય છે.
નોઇડા સેક્ટર 74માં આઈવીવાય કાઉન્ટી સોસાયટીમાં લાગી આગ
આજે સવારે નોઈડાના સેક્ટર 74 માં આવેલી IVY કાઉન્ટી સોસાયટીમાં ભીષણ આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઇમારતમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. આ ઘટના સેક્ટર 113 પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. 12મા માળે એક ફ્લેટમાં આગ લાગ્યા બાદ ફાયર સર્વિસને એલર્ટ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવા માટે કામ કરી રહી છે. આગ કયાં કારણોસર લાગી તેની હજી સત્તાવાર જાણકારી મળી નથી.