ડી.જે. નંદન
બોલિવૂડ હંમેશાં ટ્રેન્ડ-ડ્રિવન ફિલ્મ ઉદ્યોગ રહ્યો છે. જે રીતે 90ના દાયકામાં રોમાન્સ, 2000ના દાયકામાં મલ્ટી સ્ટારર અને 2010ના દાયકામાં બાયોપિક ફિલ્મોની ધૂમ રહી છે એ જ રીતે ‘ટ્રેન્ડ પંડિતો’એ અંદાજ લગાવ્યો છે કે હવે નવો ટ્રેન્ડ ‘હાઇબ્રિડ વોર’ ફિલ્મોનો આવશે. તાજેતરના મહિનાઓમાં ‘ધુરંધર’ અને ‘પઠાન’ જેવી રિયલ સ્ટોરી આધારિત મિલિટ્રી અને ‘સ્પાઈ વોર’ ફિલ્મોની સફળતાએ આવી અટકળો ઊભી કરી છે.
છેલ્લા દાયકામાં બોલિવૂડમાં જે વોર ફિલ્મો બની છે તેમાં ખાસ દેશી લડાઈઓ, જાસૂસી અને દેશભક્તિ વગેરે દર્શાવવામાં આવ્યા છે, પરંતુ હવે ટ્રેન્ડ પંડિતોએ આગાહી કરી હતી કે તેમાં ટેકનિક અને ગ્રે શેડ્સને લઈને થોડો હોલિવૂડની શૈલીનો સ્પર્શ પણ સામેલ હશે. આવનારાં વર્ષોમાં છેલ્લા વર્ષો જેવી ફિલ્મોની નકલ કરવી નફાકારક રહેશે નહીં. તેથી હવે હાઇબ્રિડના નામે વાસ્તવિક લડાઇઓ, ભાવનાત્મક જોડાણ અને સિનેમેટિક ભવ્યતાનું પેકેજ સાથે સાથે હશે.
આગામી વોર ફિલ્મો હોલિવૂડની જેમ સંપૂર્ણપણે કાચી, કઠોર અને રફ નહીં હોય ના તે બોલિવૂડની જેમ અતિશય નાટકીય દેશભક્તિથી ભરપૂર હશે. બન્નેની વચ્ચેની કોઈ ફિલ્મ હશે. ઉદાહરણ તરીકે, ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ એ આ દિશામાં એક નક્કર પગલું ભર્યું, માત્ર એક ચોક્કસ લશ્કરી કાર્યવાહીનું ફિલ્માંકન જ નહીં, પણ પ્રેક્ષકોને ભાવનાત્મક સ્તરે જોડવાનો પ્રયાસ પણ કર્યો. હવે પરિસ્થિતિ કંઈક અલગ હશે અને તેનું એક મુખ્ય કારણ ઝડપથી વિકસતું ઓટીટી પ્લેટફોર્મ છે.
આજના પ્રેક્ષકો યુદ્ધ સાથે જોડાયેલી દેશભક્તિ ઇચ્છતા નથી, પરંતુ યુદ્ધનો વાસ્તવિક અનુભવ ઇચ્છે છે. વીએફએક્સ, સીજીઆઈ અને સિનેમેટોગ્રાફીમાં પ્રગતિ થઈ છે ખાસ કરીને બોલિવૂડ ફિલ્મોમાં. બોલિવૂડને વાસ્તવિક યુદ્ધ દૃશ્યો સાથે મોટા પાયે ફિલ્મો બનાવવાની નવી ક્ષમતાઓ આપી છે. એ વાત પણ એ છે કે પહેલા જ્યાં યુદ્ધની ફિલ્મો મર્યાદિત સંસાધનો સાથે બનતી હતી, હવે તે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની નજીક પહોંચી રહી છે કારણ કે બોલિવૂડ ફિલ્મોના બજેટ પણ હવે સો કરોડ સુધી પહોંચી ચૂક્યા છે.
નોંધનીય છે કે હવે ફિલ્મોમાં ક્ધટેન્ટ માટે સ્પર્ધા નોંધપાત્ર રીતે વધી છે. ઓટીટી પ્લેટફોર્મ અને વેબ સિરીઝે વાર્તા કહેવાની રીત બદલી નાખી છે. આ જ કારણ છે કે ફિલ્મ નિર્માતાઓએ હવે વધુ સંશોધન, વધુ વિગતવાર વર્ણન અને સૌથી અગત્યનું, વાસ્તવિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. હોલિવૂડની ફિલ્મો ઘણીવાર યુદ્ધની ક્રૂરતા, સૈનિકોના માનસિક તણાવ અને યુદ્ધ કરવાનું નક્કી કરનારાઓની નૈતિક દુવિધાઓને વાસ્તવિક રીતે દર્શાવે છે. તેનાથી વિપરીત બોલિવૂડની ફિલ્મો વીરતા, મજબૂત દેશભક્તિનો રંગ અને ઊંડા ભાવનાત્મક જોડાણ પર ભાર મૂકે છે.
જો કે, આ વલણ નવું નથી અને દાયકાઓ જૂનું છે. ઘણી ફિલ્મોએ આ ટ્રેન્ડનો લાભ લીધો છે. ‘શેરશાહ’ અને ‘રાઝી’ એ પ્રેક્ષકોને આકર્ષ્યા અને સંકેત આપ્યો કે પ્રેક્ષકો હવે મોટા પડદા પર સંતુલિત વાર્તાઓની માગ કરે છે. કોઈ પણ ટ્રેન્ડ કાયમી નથી. તેથી કોઈ ચોક્કસ ટ્રેન્ડની ફિલ્મો તેમના સમયમાં ગમે તેટલી સફળ રહી હોય, સમય સાથે ટ્રેન્ડ્સ બદલાવા પડશે.
તેથી ભવિષ્યમાં, ‘સ્પેશ્યલ ઓપરેશન’ પર આધારિત યુદ્ધ ફિલ્મો વધુ સામાન્ય બનશે. કારણ કે સ્પેશ્યલ ઓપરેશન્સ મોટાં યુદ્ધો નથી, તે વિશિષ્ટ વ્યૂહાત્મક યુદ્ધ છે. સર્જિકલ સ્ટ્રાઈક, બચાવ કામગીરી અને ગુપ્તચર મિશન જેવી વાર્તાઓ સસ્પેન્સથી સમૃદ્ધ છે, તકનીકી વિગતો માટે પૂરતી તક આપે છે અને કડક અને તીક્ષ્ણ વાર્તા જાળવી રાખે છે.