ભુજઃ કારકિર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ મનાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્વક સંપન્ન થયા બાદ હવે પરિણામની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ચુકી છે, ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં પરીક્ષા દરમિયાન પ્રત્યક્ષ રીતે એક પણ કોપી કેસ નોંધાયો ન હોવા છતાં, સીસીટીવી ફૂટેજની તપાસ દરમ્યાન શંકાસ્પદ જણાયેલા 110 જેટલા વિદ્યાર્થીઓ પૈકી 19 સામે કાર્યવાહીની તલવાર લટકી રહી છે.
સીસીટીવીમાં કુલ 19 વિદ્યાર્થીની શંકાસ્પદ હિલચાલ જણાઈ
જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારની અધ્યક્ષતામાં મળેલી કમિટી સમક્ષ છેલ્લા બે દિવસથી આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સંબંધિત વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, ખંડ નિરીક્ષકો અને શાળાના આચાર્યોને પ્રત્યક્ષ બોલાવીને સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. આ ગહન તપાસના અંતે ધોરણ 10ના 10 અને ધોરણ 12ના 9 વિદ્યાર્થી મળીને કુલ 19 વિદ્યાર્થીઓ સામે શંકાસ્પદ હિલચાલ જણાતા તેમનો સવિસ્તાર અહેવાલ હવે ગાંધીનગર બોર્ડમાં મોકલી આપવામાં આવ્યો છે.
ફૂટેજમાં ચોરી સાબિત તો ગાંધીનગર જવું પડશે
આ 19 વિદ્યાર્થીઓએ હવે તેમના વાલીઓ અને કેન્દ્ર સંચાલકો સાથે ગાંધીનગર બોર્ડની ઉચ્ચસ્તરીય કમિટી સમક્ષ હાજર થવું પડશે. જો ફૂટેજમાં ચોરી સાબિત થશે, તો જે-તે વિષયનું અથવા જરૂર જણાય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થઈ શકે છે. નોંધનીય છે કે, વિદ્યાર્થીઓની સાથે પોતાની ફરજમાં બેદરકારી દાખવનાર ખંડ નિરીક્ષક અને કેન્દ્ર સંચાલકો સામે પણ બોર્ડ દ્વારા દંડાત્મક પગલાં લેવામાં આવશે.
ધોરણ 10 અને 12નું પરિણામ ક્યારે જાહેર થશે?
બીજી તરફ, બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અંતરંગ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ,ત્યારબાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ શકે છે. જયારે મે માસના અંત સુધીમાં ધોરણ 10નું પરિણામ જાહેર થવાની શક્યતા છે.