Fri Sep 04 2026

Logo

મુંબઈ મહાનગરપાલિકામાં દસ  નોમિનેટ નગરસેવકોના નામોની જાહેરાત

2026-02-26 09:25:00
Author: Sapna Desai
મુંબઈ મહાનગરપાલિકામાં દસ  નોમિનેટ નગરસેવકોના નામોની જાહેરાત

 

મુંબઈ (ખાસ પ્રતિનિધિ)

મુંબઈ મહાનગરપાલિકામાં દસ નોમિનેટેડ નગરસેવકોની નિમણૂક માટે કમિશનર દ્વારા મળેલી અરજીઓની ચકાસણી કર્યા પછી, મેયર રીતુ તાવડેએ બુધવારે મ્યુનિસિપલ  હોલમાં આ દસ ના નામોની જાહેરાત કરી. આ દસ  નોમિનેટ નગરસેવકોના નિમણૂક બાદ, તેમને મ્યુનિસિપલ સભ્યપદ આપવામાં આવ્યું હતું.

ભાજપમાંથી પ્રવિણ છેડા, નિતેશ સિંહ, પ્રતીક કાર્પે, કમલાકર દળવીની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે શિવસેનામાંથી રાજ સુર્વે અને ઉમેશ માનેની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે બાલકૃષ્ણ શ્વાસે પહેલાથી જ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. તેથી શિંદે સેનામાંથી ફક્ત બેના નામની જાહેરાત કરવામાં આવી હતી. મેયરે સભાખંડમાં ઉદ્ધવની શિવસેનામાંથી સાંઈનાથ દુર્ગે, માધુરી માંજરેકર અને કૈલાસ પાઠક અને કોંગ્રેસમાંથી વીરેન્દ્ર ચૌધરીના નામોની જાહેરાત કરી હતી.

 તેથી, મ્યુનિસિપલ કોર્પોરેશન હોલમાં સભ્યોની સંખ્યા હવે ૨૩૭ એ પહોંચી ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મંજૂર નગરસેવકોને મતદાનનો અધિકાર આપવામાં આવશે અને હાલમાં આ બધા મંજૂર નોમિનેટ નગરસેવકો ને મતદાનનો અધિકાર આપતી જોગવાઈ હવે કાયદાઓમાં કરવામાં આવશે. તેથી, શહેરી વિકાસ વિભાગ દ્વારા કાયદામાં સુધારા કર્યા પછી, આ દસ મંજૂર   નગરસેવકો મતદાનનો અધિકાર મળશે. ત્યારબાદ, તેઓ વૈધાનિક સમિતિઓ સહિત અન્ય સમિતિઓમાં સ્થાન મેળવી શકશે.