કોલંબોઃ અહીં શુક્રવારનો દિવસ ઝિમ્બાબ્વે (Zimbabwe)નો હતો અને આ વખતના વર્લ્ડ કપમાં નાના દેશોની ટીમ મોટા ક્રિકેટ-રાષ્ટ્રોને પોતાની તાકાત બતાવી રહ્યા છે એમાં સિકંદર રઝાની આ ટીમનો કિસ્સો લેટેસ્ટ છે અને એમાં 29 વર્ષના રાઇટ-આર્મ મિડિયમ પેસ બોલર બ્લેસિંગ મુઝરબાની (muzarbani)ની ભૂમિકા મુખ્ય હતી. એક તો તેની હાઇટ છ ફૂટ આઠ ઇંચ છે અને એમાં તે હાથ ઊંચો કરીને બૉલ ફેંકે એટલે ઑસ્ટ્રેલિયાના બૅટ્સમેનો સામે લગભગ 9થી 10 ફૂટની ઊંચાઈએથી બૉલ આવ્યા હતા અને તેઓ તેની સામે મૂંઝાઈ ગયા હતા.
કોણ જાણે બ્લેસિંગ મુઝરબાનીને કોના આશીર્વાદ (બ્લેસિંગ્સ) મળ્યા હશે કે તેણે 2022ની સીઝનના વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને ઝૂકવા મજબૂર કરી દીધા. મુઝરબાનીએ 17 રનમાં ચાર વિકેટ લીધી હતી અને 85 ટી-20 ઇન્ટરનૅશનલ્સની કરીઅરમાં તેનો આ સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે.
મૅન ઑફ ધ મૅચ મુઝરબાનીએ જૉશ ઇંગ્લિસ (આઠ રન), ટિમ ડેવિડ (0), મૅટ રેન્શૉ (65 રન) અને ઍડમ ઝૅમ્પા (બે રન)ની વિકેટ લીધી હતી. તેણે પોતાની પ્રથમ ઓવરના પહેલા બૉલમાં, બીજી ઓવરના બીજા બૉલમાં અને છેલ્લે ઇનિંગ્સની 19મી ઓવરના ચોથા તથા છઠ્ઠા બૉલમાં વિકેટ લીધી હતી.
29 રનમાં ચાર વિકેટ ગુમાવી
ઝિમ્બાબ્વેએ બે વિકેટે 169 રન કર્યા બાદ ઑસ્ટ્રેલિયાએ શરૂઆતથી જ ધબડકો જોયો હતો. 29 રનમાં કાંગારુઓની ચાર વિકેટ પડી ગઈ હતી. એમાં જૉશ ઇંગ્લિસ (8), કૅમેરન ગ્રીન (0), ટિમ ડેવિડ (0) અને કાર્યવાહક કૅપ્ટન ટ્રૅવિસ હેડ (17)નો સમાવેશ હતો. ઑસ્ટ્રેલિયાનો દાવ 146 રનમાં સમેટાઈ ગયો હતો અને ઝિમ્બાબ્વેએ 23 રનથી વિજય મેળવ્યો હતો.