નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે ભારતીય જનતા પાર્ટી હવે પોતાના સંગઠનમાં નવા ઉત્સાહ અને યુવા ચહેરાઓને સ્થાન આપવા માટે સજ્જ થઈ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે 45 વર્ષીય નેતાની પસંદગી બાદ હવે પાર્ટી પોતાની નવી ટીમમાં યુવા નેતૃત્વને વધુ પ્રાધાન્ય આપવા માંગે છે. આ કવાયત હેઠળ સૌથી મહત્વની નિમણૂક ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા (BJYM)ના નવા પ્રમુખ પદને લઈને થઈ રહી છે, જે હાલમાં સાંસદ તેજસ્વી સૂર્યા સંભાળી રહ્યા છે.
ત્રણ નેતાઓના નામ પર સૌની નજર ટકેલી
યુવા મોરચાના આગામી અધ્યક્ષ પદની રેસમાં હાલમાં ત્રણ મુખ્ય નામો ચર્ચામાં આવ્યા છે, જેમાં પ્રથમ નામ હરિયાણાના પલવલના ધારાસભ્ય અને પ્રધાન ગૌરવ ગૌતમનું છે, જેમની ઉંમર 36 વર્ષ છે. બીજું નામ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીનું છે, જ્યારે ત્રીજું નામ દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU)ના પૂર્વ પ્રમુખ શક્તિ સિંહ (29 વર્ષ)નું છે. આ ત્રણ યુવા નેતાઓમાંથી કોના પર પાર્ટીના હાઈકમાન્ડની મહોર લાગે છે, તેના પર સૌની નજર ટકેલી છે.
ગૌરવ ગૌતમની રાજકીય સફર ખૂબ જ પ્રભાવશાળી રહી છે. ઓક્ટોબર 2024માં પ્રથમવાર ધારાસભ્ય અને પ્રધાન બનેલા ગૌરવ ગૌતમે કોંગ્રેસના દિગ્ગજ નેતા કરણ સિંહ દલાલને હરાવીને રાજકીય વર્તુળોમાં સૌને ચોંકાવી દીધા હતા. પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ગૌરવ અગાઉ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ તરીકે તેમજ મહારાષ્ટ્ર અને મુંબઈના પ્રભારી તરીકે કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે, જે તેમને મજબૂત દાવેદાર બનાવે છે.

બીજી તરફ, વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી હાલ ગુજરાત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. સાંસદ બન્યા બાદ તેમણે પોતાના વાક્ચાતુર્ય અને કાર્યક્ષમતાથી રાષ્ટ્રીય નેતૃત્વને સતત પ્રભાવિત કર્યા છે. હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હેમાંગ જોષીની સંગઠનાત્મક કુશળતા પણ ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપના આ સંગઠનાત્મક ફેરબદલમાં કયા યુવા ચહેરાને નવી જવાબદારી સોંપવામાં આવે છે.