Sat Aug 29 2026

Logo

ભારત માટે મોટો ખતરો, વર્ષ 2050 સુધી ઘટી શકે છે હિમાલયના 45 ટકા સુધી ગ્લેશિયર

2026-08-28 22:16:12
Author: Chandrakant Kanoja
ભારત માટે મોટો ખતરો, વર્ષ 2050 સુધી ઘટી શકે છે હિમાલયના 45 ટકા સુધી ગ્લેશિયર

AI Generated Images


નવી દિલ્હી: નેપાળમાં હાલમાં જ આવેલા વિનાશક પૂર પાછળ ગ્લેશિયર ઓગળીને તૂટવાને કારણભૂત માનવામાં આવી રહ્યું છે. આ સ્થિતીમાં હિમાલયમાં પણ ગ્લેશિયર(હિમ નદી )પીગળવાની પ્રક્રિયા ઝડપી બની છે. તેમજ અહેવાલ મુજબ વર્ષ 2050 સુધીમાં હિમાલયના 45 ટકા સુધીના ગ્લેશિયર ઓગળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના લીધે ભારતના અનેક રાજ્યોમા પૂરની સ્થિતી વિકટ બની શકે છે.

ગ્લોબલ વોર્મિંગના લીધે પૃથ્વીના તાપમાનમાં વધારો 

વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની અસરના લીધે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. ત્યારે  સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર નેપાળે છેલ્લા 30 વર્ષમાં તેના બરફનો લગભગ એક તૃતીયાંશ ભાગ ગુમાવી દીધો છે. 

ગંગા અને બ્રહ્મપુત્રા જેવી નદીઓના પ્રવાહમાં પણ વધારો 

યુએનના મતે, નેપાળમાં ગ્લેશિયર  પાછલા દાયકાની તુલનામાં છેલ્લા દાયકામાં 65 ટકા ઝડપથી પીગળી ગયા છે. આની અસર ફક્ત નેપાળ કે હિમાલય સુધી મર્યાદિત નથી. પરંતુ ગંગા અને બ્રહ્મપુત્રા જેવી નદીઓ હિમાલયના ગ્લેશિયર અને બરફ પર આધાર રાખે છે. તેથી આગામી દાયકાઓમાં આ નદીના તટપ્રદેશો પર આધાર રાખતા ભારતીય રાજ્યો પણ પ્રભાવિત થઈ શકે છે.

ગ્લેશિયર પીગળવાથી પૂરનું જોખમ વધી શકે 

તેમજ ગ્લેશિયર પીગળવાથી પૂરનું જોખમ વધી શકે છે અને ચોક્કસ વિસ્તારોમાં પાણીના સ્તરમાં અચાનક વધારો થઈ શકે છે, જ્યારે લાંબા ગાળે ગ્લેશિયરનું સંકોચન ઉનાળાના મહિનાઓ દરમિયાન નદીના પાણીના પ્રવાહ પર દબાણ લાવી શકે છે.

હિમાલય ક્ષેત્રમાં તાપમાનમાં વધારો

તેમજ હિમાલય ક્ષેત્રમાં તાપમાનમાં વધારો થવાનો દર વૈશ્વિક સરેરાશ કરતા લગભગ બમણો હોવાનું નોંધાયું છે. વધતા તાપમાનને કારણે ગ્લેશિયર ઘટી રહ્યા છે  અને પર્વતોની માળખાકીય સ્થિરતાને પણ અસર કરી રહ્યા છે. પર્માફ્રોસ્ટ - જમીન જે આખું વર્ષ થીજી રહે છે  ખડકો અને ચોક્કસ ગ્લેશિયરને સ્થિર કરવામાં 'ગુંદર' જેવું કાર્ય કરે છે. પરંતુ  તેના નબળા પડવાથી ભૂસ્ખલન, હિમપ્રપાત અને અચાનક પૂરનું જોખમ વધી શકે છે.

ગ્લેશિયર લેક વધવાથી અચાનક પૂર અને ભૂસ્ખલનનું જોખમ

ભારતમાં આની શરૂઆતી અસર  ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ગ્લેશિયરનો ઘટાડો અને ગ્લેશિયર લેક વધવાથી અચાનક પૂર અને ભૂસ્ખલનનું જોખમ વધી શકે છે. આ  દરમિયાન સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ જેવા પૂર્વીય હિમાલયના રાજ્યોમાં ગ્લેશિયર લેક  અને ભારે વરસાદ સાથે જોડાયેલી આફતોનું જોખમ પણ વધી શકે છે.

ગંગા અને બ્રહ્મપુત્રા બેસિનમાં ગ્લેશિયર વિસ્તાર  45 ટકા સુધી ઘટવાનો અંદાજ

હિમાલયના ગ્લેશિયર અંગે ભૂતકાળનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. જેમાં વર્ષ 2050 સુધીમાં ગંગા અને બ્રહ્મપુત્રા બેસિનમાં ગ્લેશિયર વિસ્તાર આશરે 35 થી 45 ટકા ઘટવાનો અંદાજ છે. સિંધુ બેસિનમાં આ ઘટાડો લગભગ 20 થી 28 ટકા રહેવાનો અંદાજ છે. ગંગા-બ્રહ્મપુત્રા બેસિનમાં ગ્લેશિયર ઘટનાની અસર ફક્ત પર્વતો સુધી મર્યાદિત નહીં રહે. 

નદીના પાણીનો પ્રવાહ, કૃષિ અને પૂરની પેટર્નને અસર  

તેમજ તે  ગંગા બેસિન સાથે જોડાયેલા રાજ્યો  ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં નદીના પાણીનો પ્રવાહ, કૃષિ અને પૂરની પેટર્નને અસર  કરી શકે છે. આ દરમિયાન બ્રહ્મપુત્રા બેસિનમાં અરુણાચલ પ્રદેશ અને આસામ ખાસ કરીને સંવેદનશીલ રહેશે.

દૂધ કોશી બેસિનમાં 2050 સુધી 39 ટકા બરફ ઘટશે 

આ અંગેના વર્ષ 2015 ના મૂલ્યાંકન મુજબ એવરેસ્ટ ક્ષેત્રમાં દૂધ કોશી બેસિનમાં વર્ષ  2050 સુધીમાં  39 ટકા બરફ ઘટશે. તેમજ ભારત માટે હિમાલયના ગ્લેશિયર ઘટવા ફક્ત પર્યાવરણીય મુદ્દો નથી આગામી દાયકાઓમાં, તે પૂર વ્યવસ્થાપન, કૃષિ, પીવાના પાણી પુરવઠા, વીજ ઉત્પાદન અને નદી-આધારિત અર્થતંત્રોને અસર કરતી એક મોટી પડકાર તરીકે ઉભરી શકે છે. 

પર્વતીય રાજ્યોમાં ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડનું  જોખમ વધશે

તેમજ  પર્વતીય રાજ્યોમાં અચાનક પૂર અને ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOFs)નું જોખમ વધશે. જયારે  ગંગા અને બ્રહ્મપુત્રા જેવી નદીઓના જળ સંસાધનો પર લાંબા ગાળાનું દબાણ પણ તીવ્ર બની શકે છે. આ હિમાલયના ગ્લેશિયર પીગળવાથી ભારત માટે સૌથી મોટો ખતરો છે.