Mon Sep 14 2026

Logo

ભુજ RTOની મોટી કાર્યવાહી: એક જ નંબર પર દોડતી બે લક્ઝરી બસ પકડાઈ

2026-08-20 11:07:00
Author: Mumbai Samachar Team
ભુજ RTOની મોટી કાર્યવાહી: એક જ નંબર પર દોડતી બે લક્ઝરી બસ પકડાઈ

ભુજઃ ભુજ આરટીઓ અધિકારીઓએ રોજિંદી તપાસ દરમિયાન એક જ નંબર પર દોડતી બે ખાનગી લક્ઝરી બસ પૈકી એક બોગસ વાહનને ઝડપી પાડતાં ખાનગી પરિવહન ક્ષેત્રે ભારે ચકચાર મચી ગઈ હતી.

મળતી વિગતો મુજબ, આરટીઓ ઈન્સ્પેક્ટરે તપાસ દરમિયાન નંબરપ્લેટ વિનાની એક લક્ઝરી બસને રોકી હતી. તેના ચાલકે આપેલી નંબર સહિતની વિગતો શંકાસ્પદ જણાતાં બસ ડિટેઈન કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે, ચાલકે દર્શાવેલા નંબર પર બીજી પણ એક લક્ઝરી બસ રોડ પર દોડતી મળી આવતાં તંત્રે તેને પણ ડિટેઈન કરી  હતી.

તપાસ દરમિયાન નંબર પ્લેટવાળી બસના એન્જિન અને ચેસિસ નંબર સાચા માલૂમ પડતાં તેને છોડી મુકાઈ હતી. જ્યારે નંબરપ્લેટ વિનાની શંકાસ્પદ બસ કોની છે અને આ પ્રકારનું કોઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે કે કેમ તે અંગે આરટીઓએ ગંભીરતા દાખવી ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની તૈયારીઓ શરૂ કરી છે.

(ઉત્સવ વૈદ્ય)