Tue Oct 06 2026

Logo

ભુજમાંથી દેશી દારૂ બનાવવા વપરાતો 3000 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો; ગુનો દાખલ

2026-08-02 12:16:00
Author: Mumbai Samachar Team
ભુજમાંથી દેશી દારૂ બનાવવા વપરાતો 3000 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો; ગુનો દાખલ

AI Image


 

ભુજ: આરોગ્ય માટે અત્યંત હાનિકારક દેશી દારૂ બનાવવાના હેતુસર હેરફેર કરાતો 3000 કિલો અખાદ્ય સડેલો ગોળ ભુજ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો મુજબ, ગત ૨૨ ફેબ્રુઆરીના રોજ ભુજ બી-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ભીડનાકાથી સરપટ નાકા તરફ એક બોલેરો પીકઅપ વાહનમાં શંકાસ્પદ જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. 

બાતમીના આધારે પોલીસે આલાવારા કબ્રસ્તાન ગેટ પાસે ગાડી અટકાવી તપાસ કરતા રૂપિયા 75,000ની કિંમતનો 3000 કિલો અખાદ્ય ગોળ મળી આવ્યો હતો. પોલીસે વાહનચાલક રેશમસિંઘ બલવિંદરસિંઘ મટુ (મૂળ પંજાબ, હાલ રહે. ભુજપુર-મુંદરા)ની અટકાયત કરી પૂછપરછ કરતાં, આ ગોળનો ઉપયોગ દેશી દારૂ બનાવવામાં થતો હોવાની કબૂલાત કરી હતી.

પ્રાથમિક તબક્કે જાણવાજોગ નોંધ કરી પોલીસે ગોળના સેમ્પલ પરીક્ષણ અર્થે રાજકોટ ફોરેન્સિક પૃથ્થકરણ માટે મોકલ્યા હતા જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ વિધિવત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

(ઉત્સવ વૈદ્ય)