ભુજ: રણપ્રદેશ કચ્છમાં ગૌવંશ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત માનકૂવા પોલીસે દહીંસરા ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતા એક કતલખાના પર દરોડો પાડી, કતલ કરાયેલા એક વાછરડા સાથે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન વાડામાં કતલ માટે કેદ રાખવામાં આવેલા અન્ય 85 જેટલા નાના-મોટા ગૌવંશના જીવોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
પોલીસને બાતમીના આધારે દરોડા પાડ્યાં
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ માનકૂવા પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. ગઢવી અને તેમનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ અને ગુનાખોરી ડામવા માટે કાર્યરત હતો. આ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી કે, દહીંસરાના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલા એક વાડામાં ગૌવંશની કતલ કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા તે સ્થળે દરોડો પાડ્યો હતો.
છરી અને અન્ય સાધનો સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી
પોલીસના દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી એક કતલ કરેલું વાછરડું મળી આવ્યું હતું. આ સાથે જ પોલીસે કતલ માટે વપરાતી છરી અને અન્ય સાધનો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ મુસ્તાક જુસબ રાયમા અને ઇસ્માઇલ જુસબ રાયમા (બંને રહે.દહીંસરા) તરીકે થઈ છે. આ બંને સગા ભાઈઓ વિરુદ્ધ પોલીસે પશુ સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
85 જેટલા ગૌવંશને બચાવી લેવામાં આવ્યાં
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ કાર્યવાહી દરમિયાન માનકુવા પોલીસે વાડામાં ક્રૂરતાપૂર્વક ગોંધી રાખેલા નાના-મોટા કુલ 85 જેટલા ગૌવંશને ઉગારી લીધા હતા. બચાવવામાં આવેલા આ તમામ પશુઓને ભક્તિ ગૌરક્ષણ સેવા સમિતિ, વાડાસર ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા હોવાનું પી.આઈ. કે.એમ.ગઢવીએ જણાવ્યું છે.