Tue Oct 06 2026

Logo

લેડી ગેંગ જેલહવાલે: ભુજમાં ઘર સાફ કરનાર ગુનાહિત ઈતિહાસ ધરાવતી ત્રણ મહિલા શખ્સોને પોલીસે દબોચી

2026-04-18 11:42:00
Author: Mumbai samachar Team
લેડી ગેંગ જેલહવાલે: ભુજમાં ઘર સાફ કરનાર ગુનાહિત ઈતિહાસ ધરાવતી ત્રણ મહિલા શખ્સોને પોલીસે દબોચી

 

ભુજઃ  શહેરના કેમ્પ વિસ્તારમાં બે માસ પૂર્વે થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં ભુજ શહેર એ-ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ચોરીમાં સંડોવાયેલી ત્રણ મહિલાઓને ઝડપી પાડી, તેમની પાસેથી સોનાની લગડી અને રોકડ સહિત રૂા. ૮.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ અંગે બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, કેમ્પ વિસ્તારમાં સ્થિત નિવૃત શિક્ષક એવા સબ્જાઅલી ખોજાના બંધ મકાનને નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આ મામલે પોલીસ ઇન્સ્પેકટર એ.એમ. હેરમાની રાહબરી હેઠળ પી.એસ.આઈ એમ.એચ.પટેલ અને તેમની ટુકડીએ તપાસ તેજ કરી હતી. માનવીય સ્ત્રોતો અને ટેકનિકલ વિશ્લેષણના આધારે પોલીસે હનીટ્રેપ, બ્લેકમેઈલિંગ, ઘરફોડ ચોરી સહિતના ગુનાહિત ઈતિહાસ ધરાવતી ત્રણ મહિલાઓ જાનકી પ્રદીપ ચાવડા, કુસુમ નારણ વરસાણી અને મુમતાઝ ઉર્ફે રજિયા લિયાકત ઉન્નડ (તમામ રહે. ભુજ) ની અટકાયત કરી હતી.

પોલીસની સઘન પૂછપરછમાં મહિલાઓએ ચોરીની કબૂલાત કરી હતી. પકડાયેલી મહિલાઓ પાસેથી પોલીસે ૭૪.૭૪૦ ગ્રામ સોનાની લગડી (કિંમત રૂા. ૮,૨૪,૦૦૦) અને રૂા. ૫૧,૦૦૦ની રોકડ મળી કુલ રૂા. ૮,૭૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી મહિલાઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતા, કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ પાલારા જેલ ભેગી કરવાનો આદેશ કર્યો છે.

(ઉત્સવ વૈદ્ય)