Tue Oct 06 2026

Logo

ભુજની પ્રતિષ્ઠિત સોના-ચાંદીની પેઢીમાં આયકર વિભાગ દ્વારા હિસાબી તપાસ: ઝવેરી બજારમાં ફફડાટ

2026-07-10 13:04:00
Author: Mumbai Samachar Team
ભુજની પ્રતિષ્ઠિત સોના-ચાંદીની પેઢીમાં આયકર વિભાગ દ્વારા હિસાબી તપાસ: ઝવેરી બજારમાં ફફડાટ

ભુજઃ ભુજ શહેરના હોસ્પિટલ રોડ પર આવેલી સોના-ચાંદીની એક જાણીતી અને પ્રતિષ્ઠિત પેઢીના શોરૂમ તેમજ દુકાનમાં ગઈકાલથી આવકવેરા વિભાગની ટુકડી દ્વારા સઘન તપાસ હાથ ધરાતાં સ્થાનિક જ્વેલર્સ વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

માહિતગાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આઇ.ટી વિભાગની સેન્ટ્રલ ટીમ દ્વારા પેઢીના મુખ્ય ગોલ્ડ શોરૂમ ઉપરાંત તેની સામે જ આવેલા સિલ્વર શોરૂમમાં પણ ડેટા કલેક્શન અને હિસાબી વ્યવહારોની વિગતો ચકાસવામાં આવી રહી છે. અમદાવાદથી આવેલા આશરે નવ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો આ કામગીરીમાં જોડાયો છે. આ કોઈ આકસ્મિક દરોડો (રેડ) નથી, પરંતુ નિયત મર્યાદાથી વધુ રકમના નાણાકીય વ્યવહારો સંદર્ભે હાથ ધરાતી નિયમિત 'સ્ક્રુટીની' અંતર્ગતની તપાસ છે, જે આગામી દિવસ દરમિયાન પણ ચાલુ રહે તેવી સંભાવના છે.

બીજી તરફ, કચ્છની આ અગ્રણી પેઢીમાં આયકર વિભાગની એન્ટ્રી થતાં ભુજના સુવર્ણકારોમાં ચિંતા સાથે આશ્ચર્ય ફેલાયું છે. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, 'જટુભાઈ વેલજી એન્ડ સન્સ' કચ્છ જિલ્લામાં સૌથી વધુ એડવાન્સ ઇન્કમ ટેક્સ ભરનારી આદરણીય પેઢી તરીકે સન્માનિત થયેલી છે. 

વેપારી અગ્રણીઓએ સૂર પુરાવ્યો હતો કે, હાલના સમયમાં કોર્પોરેટ કંપનીઓ મોટા શોરૂમ સાથે સોના-ચાંદીના પરંપરાગત વ્યવસાયમાં ઉતરી રહી હોવાથી નાના અને મધ્યમ કક્ષાના સ્થાનિક વેપારીઓ મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહ્યા છે, તેવામાં સરકારી તંત્રોની આવી વારંવારની કાર્યવાહીઓ વેપાર જગત પર બિનજરૂરી દબાણ ઊભું કરે છે.