Sun Sep 06 2026

Logo

માંડવી અને ભુજમાં ફૂડ સેફ્ટી વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, 20 કિલો શંકાસ્પદ પનીરનો નાશ

2026-08-12 11:24:00
Author: Mumbai Samachar Team
માંડવી અને ભુજમાં ફૂડ સેફ્ટી વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, 20 કિલો શંકાસ્પદ પનીરનો નાશ

ભુજ: ભેળસેળ વાળી વસ્તુઓ અત્યારે બજારમાં અનેક જગ્યાએ મળતી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે, તેની સામે હવે કાર્યવાહી શરૂ કરવામાં રહી છે. ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી કડક ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ભુજ અને બંદરીય  માંડવીમાં આકસ્મિક દરોડા પાડી 20 કિલો શંકાસ્પદ પનીરનો નાશ કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાઈ કડક ઝુંબેશ

ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એમ.પટેલ અને એસ.બી.પટેલની ટુકડીએ માંડવીના કોડાય ગામ તેમજ ભુજના મોટા સુપર સ્ટોર્સ ‘ડી-માર્ટ’, ‘રિલાયન્સ મોલ’ સહિતની ડેરી પેઢીઓ અને હોટેલોમાં અચાનક ચકાસણી હાથ ધરી હતી. આ દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સંગ્રહ અંગેની સ્થિતિ ચકાસવામાં આવી હતી.

20 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો તુરંત નાશ કરાયો

તપાસ વેળાએ આરોગ્ય માટે અયોગ્ય જણાયેલા પનીરના 3 સેમ્પલ એકત્ર કરી પૃથક્કરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને સ્થળ પરથી મળી આવેલો 20 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો તુરંત નાશ કરાયો હતો. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, લેબ રિપોર્ટ આવ્યા બાદ નિયમભંગ કરનારા વેપારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાશે અને આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એમ.પટેલે જણાવ્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)