Mon Sep 14 2026

Logo

ભુજના ચુનડીમાં પત્નીની ક્રૂર હત્યા કરનારા પતિને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

2026-03-07 12:48:00
Author: Tejas Rajpara
ભુજના ચુનડીમાં પત્નીની ક્રૂર હત્યા કરનારા પતિને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ભુજ: ભુજ તાલુકાના ચુનડી ગામે પત્નીની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં જિલ્લા અદાલતે ચુકાદો આપ્યો હતો. કામ-ધંધો કરવા બાબતે ઠપકો આપતી રહેતી પત્નીની હત્યા કરનાર આરોપી પતિ મહિપતસિંહ ભીમજી સોઢાને અદાલતે તકસીરવાન ઠેરવી આજીવન સખત કેદની સજા અને રૂા. 1 લાખનો દંડ ફટકાર્યો છે.

આ કેસની વિગતો મુજબ, આરોપી મહિપતસિંહ સોઢા કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી તેની પત્ની ચેતનાબા તેને અવારનવાર મહેનત કરી કમાવવા માટે ટોકતા હતા. આ બાબતનું મનદુઃખ રાખી આરોપીએ ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. તેણે પત્ની ચેતનાબાને સૌપ્રથમ પાણી ગરમ કરવાના ઇલેક્ટ્રિક હીટરથી શરીરે ડામ આપ્યા હતા અને ત્યારબાદ માથાના ભાગે લાકડાનો ધોકો ફટકારી મોતને ઘાટ ઉતારી હતી. એટલું જ નહીં, પત્નીની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે આરોપીએ ઘટનાસ્થળે ફેલાયેલું લોહી પણ વિવિધ કેમિકલથી સાફ કર્યું હતું. આ કેસ જિલ્લા અદાલતમાં ચાલતા સરકારી પક્ષ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. અદાલતે ન્યાયિક પ્રક્રિયા દરમિયાન કુલ 20 સાક્ષીઓની જુબાની તપાસી હતી.

સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ પ્રવીણચંદ્ર વાણિયાએ સાક્ષીઓની જુબાની લીધી હતી, જ્યારે મુખ્ય દલીલો અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરી દ્વારા કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખી નામદાર અદાલતે આરોપી મહિપતસિંહને હત્યાના ગુનામાં દોષિત જાહેર કર્યો હતો. અદાલતે આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત રૂા. એક લાખનો દંડ કર્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવાનો હુકમ કર્યો છે.

(ઉત્સવ વૈદ્ય)