ભુજ:અબડાસા તાલુકાના સાંઘીપુરમ ખાતે આવેલી સાંઘી સિમેન્ટ કંપનીની સુરક્ષાબદ્ધ વસાહતમાં તસ્કરોએ આતંક મચાવી ત્રણ બંધ ક્વાર્ટરના નકુચા તોડી રૂપિયા ૨.૫૦ લાખની મતાની ચોરી કરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ચકચારી બનાવ અંગે વાયોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, સાંઘી સિમેન્ટ કંપનીમાં ઈલેક્ટ્રિકલ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અને ડી-૧૫૯ ક્વાર્ટરમાં રહેતા મહેશગિરી બાબુગિરી ગોસ્વામી પોતાની પુત્રીની સારવાર અર્થે પરિવાર સાથે ભુજ ગયા હતા. તે દરમિયાન ગત તા. ૧૦ સપ્ટેમ્બરે પાડોશીએ તેમના ઘરના દરવાજા ખુલ્લા હોવાની જાણ કરતાં પરિવાર ત્વરિત સાંઘીપુરમ પહોંચ્યો હતો. તપાસ કરતાં તસ્કરો દરવાજાના નકુચા કાપી અંદર ઘૂસ્યા હતા અને તિજોરી તોડીને સોનાના દાગીના, ચાંદીના સિક્કા તેમજ રૂપિયા ૪૦,૦૦૦ ની રોકડ રકમ ચોરી ગયા હોવાનું માલૂમ પડ્યું હતું.
આ ઉપરાંત, ઈ-બ્લોકના ક્વાર્ટર નંબર-૭ માં રહેતા અકબરઅલી મહોમદ ગુલજારના બંધ ઘરના પણ નકુચા તોડી તસ્કરો એક તોલાની સોનાની ચેન, રૂપિયા ૧૦,૦૦૦ની રોકડ રકમ તેમજ અન્ય કિંમતી પુરાવા તફડાવી ગયા હતા. જ્યારે ડી-બ્લોકના રૂમ નંબર-૧૪૨ માં રહેતા પ્રશાંત શ્રીમાળી નામના અન્ય એક કર્મચારી રજા પર હોવાથી તેમના બંધ ઘરના પણ નકુચા તૂટ્યા હતા, જેમાં કેટલી ચોરી થઈ છે તે અંગેની વિગતો આવી શકી નથી.
સિક્યુરિટીથી સજ્જ સોસાયટીમાં જ એકસાથે ત્રણ-ત્રણ બંધ ઘરને નિશાન બનાવવામાં આવ્યા હોવાથી આ ચોરી પાછળ કોઈ જાણભેદુનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘરફોડના આ બનાવ અંગે વાયોર પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઉત્સવ વૈદ્ય