(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયંદરમાં પિતાએ જ નવ વર્ષના માસૂમ પુત્ર પર કથિત અત્યાચાર ગુજારી ગરમ કપડાંથી ડામ આપ્યા હોવાની આંચકાજનક ઘટના પ્રકાશમાં આવી હતી.નવઘર પોલીસના જણાવ્યા મુજબ નવ વર્ષના દોહિત્ર સાથે નાની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને આવી હતી. બાળકની ફરિયાદ બાદ તેના પિતા ધીરજ વીરચંદ શર્મા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 118(1) તેમ જ જુવેનાઈલ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર મીરા રોડમાં કરિયાણાની દુકાન ધરાવતા ધીરજની પત્નીનું 2024માં નિધન થયું હતું. પત્નીના મૃત્યુ પછી ધીરજે પુત્ર દિવ્યાશને ઉત્તર પ્રદેશની શાળામાં ભણવા મૂક્યો હતો અને શાળાની હોસ્ટેલમાં જ તેના રહેવાસની સગવડ કરી હતી.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ડિસેમ્બર, 2025માં શાળામાં રજા પડતાં પિતા સાથે રહેવા ભાયંદરના ઘરે આવ્યો હતો. રજામાં દીકરો ઘરે આવ્યાના આનંદને બદલે ધીરજ નાની નાની વાતે તેના પર રીસ કરતો હતો. અભ્યાસનું કારણ બતાવી વારંવાર બાળકની મારપીટ કરી તેની સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવતું હતું. ક્યારેક તો તેને લાકડીથી ફટકારવામાં આવતો.
પિતા દુકાને જાય તો દીકરાને ઘરમાં પૂરી દરવાજાને બહારથી લૉક કરી દેવામાં આવતો.
એ સિવાય કોઈ વાતે ગુસ્સો આવે તો ઈસ્ત્રીથી કપડું ગરમ કરીને પછી તેનાથી દીકરાના શરીરે ડામ દેવામાં આવતા, જેને પગલે તેના શરીરે ઠેકઠેકાણે જખમ થયા હતા. જખમની ડૉક્ટર પાસે સારવાર કરાવવાને બદલે પિતા માત્ર મલમ લગાડી દેતો, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
ફેબ્રુઆરીમાં ધીરજ તેના પુત્રને ફરી શાળાએ મૂકી આવ્યો હતો. શિક્ષકે બાળકના શરીર પર ડામનાં નિશાન જોતાં પૂછપરછ કરી હતી. બાદમાં આ મામલે શાળા દ્વારા બાળકની નાનીને જાણ કરાઈ હતી. શાળાએ પહોંચેલી નાનીને દોહિત્રના શરીર પરના જખમ જોઈ આઘાત લાગ્યો હતો. બાદમાં દોહિત્રને લઈ નાની ફરિયાદ નોંધાવવા નવઘર પોલીસ સ્ટેશને પહોંચી હતી. પોલીસ આ પ્રકરણે તપાસ કરી રહી છે.