ભાવનગરઃ જિલ્લામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી અને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી.
શું છે સમગ્ર મામલો
ભાવનગરમાં રહેતી અલ્પાના લગ્ન અર્જુન પરમાર સાથે થયા હતા. બાળપણમાં સગાઈ થઈ હતી. જ્યારે લગ્નનો સમય આવ્યો ત્યારે બંને પરિવારો વચ્ચે મતભેદ થયા હતા. આ દરમિયાન અલ્પા અને અર્જુન ઘર છોડીને 26 સપ્ટેમ્બર, 2016ના રોજ ભાગી ગયા હતા અને કોર્ટ મેરેજ કરી લીધા હતા.
આ નિર્ણયથી અલ્પાના પરિવારજનોએ તેની સાથે સંપર્ક તોડી નાખ્યો હતો. જેના કારણે તે સાસરિયા પર જ નિર્ભર થઈ ગઈ હતી. લગ્નના થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું હતું પરંતુ ધીમે ધીમે પતિ-પત્નીના સંબંધમાં ખટાશ આવવા લાગી હતી.
અર્જુનને પરસ્ત્રી સાથે આડાસંબંધ હતા. જેથી પતિ-પત્નીમાં ઝઘડા થતા હતા. અલ્પા આ સંબંધનો વિરોધ કરતી હતી જ્યારે અર્જુન પ્રેમિકાને ઘરમાં બેસાડવાની વાત કરતો હતો. જેનો વિરોધ કરવા પર તે અલ્પા સાથે મારપીટ કરતો હતો. અલ્પા તેના બે બાળકો સાથે રહેતી હતી, જ્યારે અર્જુન મોટાભાગે પ્રેમિકા સાથે રહેતો હતો. ઉપરાંત ઘર ખર્ચ માટે પણ પૈસા આપતો નહોતો. આ સ્થિતિમાં અલ્પા સાડી વર્ક કરીને બાળકોનું ભરણ પોષણ કરતી હતી.
8 માર્ચ, 2026ના વરતેજમાં એક લગ્ન સમારંભમાં અલ્પાની મુલાકાત તેના ભાઈઓ સાથે થઈ હતી. આ દરમિયાન તેણે આપવીતી સંભળાવી હતી. ઉપરાંત પતિ ત્રાસ આપતો હોવાની અને તેની પ્રેમિકાને ઘરમાં બેસાડવાની કોશિશ કરતો હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું કે તેની પાસે ક્યાંય જવાની જગ્યા નથી અને બાળકોના ભવિષ્યને લઈ પણ પરેશાન છે.
જે બાદ 19 માર્ચ 2026ના રોજ અલ્પાના પિતા જોરાસંગભાઈ પર તેમના સંબંધીનો ફોન આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું કે અલ્પાનું મૃત્યુ થયું છે. સાસરી પક્ષના લોકોએ તેને હાર્ટ એટેક ગણાવ્યો હતો. જોકે, અલ્પાના પરિવારને આ બાબતે શંકા જતાં તેમણે અંતિમ સંસ્કાર પહેલા પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી હતી. જ્યારે અલ્પાનો મૃતદેહ હોસ્પિટલ લાવવામાં આવ્યો, ત્યારે તેના શરીર પર અને ખાસ કરીને ગરદન પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોકલવામાં આવ્યો હતો. જેમાં સત્ય સામે આવ્યું હતું. રિપોર્ટમાં અલ્પાનું મૃત્યુ હાર્ટ એટેકથી નહીં પણ ગળું દબાવવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ અલ્પાના પિતાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં જમાઈ અર્જુન કાળુભાઈ પરમાર સામે હત્યાનો મામલો નોંધાવ્યો હતો પોલીસે કેસ નોંધીને આરોપીની સપાસ શરૂ કરી હતી.
પોલીસે અલગ અળગ ટીમો બનાવીને આરોપી અર્જુનને ઝડપી પાડ્યો હતો. પોલીસે જણાવ્યું કે, શરૂઆતમાં એક શંકાસ્પદ મોતનો મામલો લાગતો હતો પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યાનો કેસ નીકળ્યો હતો. પોલીસ દરેક બાબતથી તપાસ કરી રહી છે.