Fri Sep 11 2026

Logo

ભાવનગર ની હોસ્પિટલની ઘોર બેદરકારી: ખોટા ગ્રુપનું લોહી ચડાવતા પ્રસૂતાનું મોત

2026-07-11 17:22:33
Author: Pooja Shah
ભાવનગર ની હોસ્પિટલની ઘોર બેદરકારી: ખોટા ગ્રુપનું લોહી ચડાવતા પ્રસૂતાનું મોત

અદાલતનો ચાર્જશીટ દાખલ કરવાનો કડક હુકમ 

ભાવનગરઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની ઘોર બેદરકારીના કારણે એક ગર્ભવતી મહિલાનું મોત નિપજતાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ગારિયાધારના નાની વાવડી ગામના ગીતાબહેન સોલંકીને પ્રસૂતિ અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સરકારી મમતા કાર્ડ મુજબ તેમનું બ્લડ ગ્રુપ એ નેગેટિવ' હતું. જો કે, પ્રસૂતિ બાદ મેડિકલ સ્ટાફે કેસ પેપર્સમાં ચેકચાક કરીને બી નેગેટિવ  ગ્રુપનું લોહી મંગાવ્યું હતું.  બ્લડ બેંકે પણ કોઈ પણ પ્રકારની યોગ્ય ચકાસણી વિના આ લોહી આપી દીધું હતું. 

​આમ, ગીતાબહેનને એ નેગેટિવના બદલે બી નેગેટિવ બ્લડ ચડાવી દેવામાં આવતા તેમના શરીરમાં ગંભીર રિએક્શન આવ્યું હતું. એક અઠવાડિયાની અસહ્ય તકલીફો બાદ આખરે ગીતાબહેનનું કરુણ મોત નીપજ્યું હતું. 
​આ ગંભીર મામલે નીલમબાગ પોલીસે યોગ્ય તપાસ ન કરતાં અને તબીબી સ્ટાફને બચાવવા માટે શરૂઆતમાં ગુનો બનતો નથી તેવો સમરી રિપોર્ટ અદાલતમાં રજૂ કર્યો હતો. પોલીસના આ વલણ સામે મૃતકના ભાઈ મુકેશભાઈ મિયાત્રાએ એડવોકેટ જિજ્ઞેશ કે. મહેતા અને શિશિર એમ. ત્રિવેદી મારફત અદાલતમાં ન્યાય માટે ફરિયાદ નોંધાવી હતી. 

​આ કેસની સુનાવણી દરમિયાન સ્પેશિયલ (એટ્રોસિટી) જજ જે. જી. દામોદ્રા એ કેસની ગંભીરતા અને મેડિકલ તથ્યોને ધ્યાને રાખીને પોલીસના સમરી રિપોર્ટને સખત શબ્દોમાં ફગાવી દીધો છે. અદાલતે પ્રાથમિક દ્રષ્ટિએ જ તબીબો અને સ્ટાફની ગંભીર બેદરકારી માનીને એસ.સી.,એસ.ટી.  સેલને આ અંગે ગુનો નોંધવા તેમજ જવાબદારો વિરુદ્ધ કડક રીતે ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.