- રમેશ પુરોહિત
ભાવેશ ભટ્ટ
અત્યારની ગુજરાતી ગઝલની વાત કરીએ તો ત્રણ ત્રણ પેઢીના પ્રવાહો વહી રહ્યા છે અને સાથે મળીને ખળખળતી સરિતાને વહેતી રાખી રહ્યા છે. શૂન્ય અને મરીઝના સમકાલીન શાયર રાજેન્દ્ર શુક્લ, ચિનુ અને મનોજના સાથીદાર રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, સંજુ વાળા અને તેના અત્યારના આધુનિક ગઝલકારો ગઝલક્ષેત્રે અગત્યનું યોગદાન આપી રહ્યા છે ત્યારે નવીન ગઝલકારોમાં પણ નિત્ય નવીન એવા કવિ ભાવેશ ભટ્ટની વાત કરવી છે. એમના ગઝલ અને દુહામાં થયેલા કવિકર્મની છણાવટ કરવી છે જેથી એક ઐતિહાસિક સંદર્ભને ધ્યાનમાં રાખીને વાત થઈ શકે.
નવીન કહો કે આધુનિક કહો એવી આજની ગઝલની મહેકતી માટીમાં અનેક પુષ્પ પાંખડીઓ ખીલી રહી છે અને ગઝલનો ગુલઝાર મઘમઘ થઈ રહ્યો છે.
કવિ ભાવેશ ભટ્ટને ચંદ્રેશ મકવાણાની જેમ ગ્રામ જીવન, કૃષિકામ અને ઊંચે આભ અને નીચે ધરતીનો અનુભવ નથી. કારણ કે એનો ઉછેર અમદાવાદમાં થયો છે. પિતા દિલીપભાઈ અને માતા જયાબહેનને ત્યાં ભાવેશનો જન્મ જાન્યુઆરી 12, 1975માં થયો હતો. કૉલેજ સુધીનું શિક્ષણ અમદાવાદમાં લઈને આ કવિએ કવિકર્મની કારકિર્દી શરૂ કરી.
શરૂઆતના તબક્કામાં પોતાની સજ્જતા વધારવા માટે, નવું નવું શીખવા માટે અને સ્વીકૃતિના સ્થાનક સુધી પહોંચવા માટે ભાવેશે ખૂબ સંઘર્ષ કર્યો. ગુજરાતી અગ્રગણ્ય સામયિકોમાં એમની ગઝલો પ્રકાશિત થવા માંડી. ઈ. સ. 2007માં બીજલ સાથે લગ્ન કર્યાં. કવિ બધી રીતે આમ થોડાં થોડાં પોખાત રહ્યા.
એક મહત્ત્વના પડાવ સ્વરૂપે એમની ગઝલો બીજા ચાર કવિઓ સાથે ‘વીસ પંચા’ સંગ્રહમાં પ્રકાશિત થઈ અને ગઝલનાં ક્ષેત્રમાં અને સામાન્ય વાચકોનામાં એક અલગ મુદ્રા અંકિત કરી ગઈ.
એમના પ્રદાનની વાત કરીએ તો ઈ. સ. 2009માં પ્રથમ સંગ્રહ ‘છે તો છે’ આપે છે અને પછી 2014માં બીજો સંગ્રહ ‘ભીતરનો શંખનાદ’ આવે છે. પ્રતિસાદ ઘણો જ સારો રહ્યો. આમ સર્જનની કેડીએ યાત્રા આગળ વધે છે અને 2025માં ‘વિવેક ચૂકે’ ગઝલ સંગ્રહ અને ‘હકડેઠઠ’ 1008 દુહાઓનો સંગ્રહ આપે છે. ગઝલનો શેર બે પંક્તિનો છે એમ દુહો પણ બે પંક્તિનો છે. આથી સરખાપણું છે. બન્નેમાં આરપારની અભિવ્યક્તિ અને ચોટ સાધવાની ક્ષમતાનું સામ્ય હોવાથી ભાવેશ શેરમાંથી દુહામાં સહેલાઈથી જઈ શકે છે. બધા સર્જકોને બન્નેમાં સમતોલ રહેવાની સાધના નથી હોતી પણ ભાવેશમાં આવી સહજતા છે.
ભાવેશની કવિ તરીકેની વિશેષતાઓની વાત કરીએ તો એમની પાસે ભાષા પાસેથી ધાર્યું કામ લેવાની કુશળતા છે. ભાષા એમના માટે વાળ્યું વળાય એવું બાણ છે. નવોન્મેષ ભાવ સાતત્ય એમની વિશેષતા છે. આજની નવી ગઝલ ફક્ત પ્રેમાલાપ નથી કે નથી એકલી વિરહ વેદના. આજે દેખાય છે સામાજિક પ્રતિબદ્ધતા, સામાજિક નિસ્બત. અત્યારે જીવનમાં વિસંવાદો વધ્યા છે, જીવન દોહ્યલું બન્યું છે અને તોનો પ્રતિઘોષ ભાવેશની ગઝલમાં અભરે ભર્યો છે. જીવનમાં અને ગઝલમાં એકરૂપતા રહેવી જોઈએ. ગઝલ ચિંતનનો અને આધ્યાત્મિકતાનો ભાર વહન ન કરી શકે એ વાત ધ્યાનમાં રાખીને ભાવેશે જીવન ચિંતનની રજૂઆત સાદી સરળ ભાષામાં કરી છે.
ભાવના કવિકર્મની અને તેમના પ્રદાનની સુપેરે નોંધ લેવાઈ છે એમ કહીએ તો ખોટું નથી. ગુજરાતી કવિતા સાહિત્યમાં લબ્ધ પ્રતિષ્ઠિત એવો હરીન્દ્ર દવે સ્મૃતિ એવૉર્ડ એમને એનાયત થયો છે. આઈ. એન. ટી.નો ગઝલ સમ્રાટની સ્મૃતિમાં અપાતો ‘શયદા ઍવૉર્ડ’ પણ આપવામાં આવ્યો છે. આપણાં અનન્ય કવિ રાવજી પટેલની સ્મૃતિમાં અપાતો ઍવૉર્ડ ઉપરાંત સમન્વય અને યુવા પુરસ્કાર પ્રાપ્ત થયા છે.
આપણાં આ કવિ આધુનિક ગુજરાતી ગઝલના અગ્રગણ્ય મશાલચી છે. અત્યારના માનવીની કથા-વ્યથા, પ્રેમ, એકાંત, આધ્યાત્મિકતા અને સામાજિક વિસંગતીઓનું સંવેદનશીલ ચિત્રણ અને નિરૂપણ ભાવેશની ગઝલમાં જોવા મળે છે. એમની ભાષાશૈલી સરળ પણ અસરકારક છે એમાં આધુનિક સંવેદના છે, આંતરિક મનોવ્યથા છે. પ્રેમ અને જીવનના પ્રશ્ર્નોનું મર્મસ્પર્શી નિરૂપણ છે. એ પ્રતીકો પ્રયોજે છે એ સહજતાથી આવે છે. તત્ત્વચિંતન છે પણ તેનો ભાર લાગતો નથી.
એક એક સંગ્રહના પ્રકાશન સાથે આ કવિની સર્જકતા ખીલી રહ્યાનો અહેસાસ થયો છે. ‘ભીતરના શંખનાદ’થી ભાવેશને વિશેષ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. તેમાં આંતરિક સંઘર્ષ તથા અત્યારના જીવનના પ્રશ્ર્નોનું ગહન નિરૂપણ છે. આ કવિ મુશાયરાના મંચ પર સ્વસ્થતાથી પેશ થાય છે. ગઝલ રજૂ કરવાની અનોખી શૈલી એટલે પ્રતિકાત્મક રજૂઆત. એમનો અભિગમ ભાવનાત્મક અને ચિંતનાત્મક હોવાથી ગુજરાતી ગઝલમાં એમનો સ્વર સશક્ત ગણાય છે. એમણે ગઝલને માત્ર કાવ્યપ્રકાર તરીકે નહીં પણ માનવીય અભિવ્યક્તિ તરીકે રજૂ કરી છે.
એમની કલમમાંથી ઝરેલા કેટલાંક ગઝલ અને દુહાના મેઘધનુષી રંગોને આપણે માણીએ:
છિદ્રવાળું વહાણ છે તો છે
પાણીને એની જાણ છે તો છે
કામ બીજું હવે રહ્યું છે ક્યાં?
શ્ર્વાસની ખેંચતાણ છે તો છે
* * *
તમે ફુરસત લઈ આવો તો બીજે ક્યાંક પાડીએ
અહીં પૃથ્વી પર ફોટો બહુ સારો નથી પડતો.
* * *
ચિંતા કરવાની મેં છોડી
જેવું પાણી એવી હોડી
ચોક્કસ ઘટના જેવો છું હું
તું આવે છે વહેલી મોડી
* * *
આપની જેમ હું કદી વ્હેણ મુજબ વહ્યો નથી
રોજ સમંદરોની સાથ મારે ઝપાઝપી થઈ
* * *
એમની સાથે એના હોવાનો પુરાવો આપજે
ભોળપણ આપે તો તું ચહેરોય ભોળો આપજે
આંસુઓ ખાઈ શકે થોડા વિસામો એટલે
ગાલ પર દરરોજ એકાદો ઉઝરડો આપજે
કેવી નવાઈ છે કે તારા જ રંગ લઈને
તારી છબી બનાવત તો બહુ ખરાબ લાગત!
* * *
કહી દે મોતને કે આવી જાય જાત ઉપર
હું રાહ જોઉં છું મોકા-એ-વારદાત પર
એક દી’ સૂર્ય ના ઊગ્યો તો થયું
ક્યાંક મારી ઊલટ-તપાસ ન થાય!
અરીસો જાણે જોતા હોઈએ લાગે છે એવું
મને તળિયું જુએ, જોઉં છું હું તળિયાની સામે
ફક્ત તું સત્ત્વ લઈ આવીશ તો ટકશે નહીં લાંબુ
બધાનું ધ્યાન ખેંચે છે કથાઓ કાકલૂદીની
જો વાગી ગયો ક્યાંકથી યે કાંટો હરખનો
તો કોઈ મલમ જેમ લગાવી છે બળતરા
બને તો કફન આરવાળું ચઢાવો
કરચલી મળી છે ઘણી જિંદગીમાં
દરરોજ ડંખનારી વિવશતા ન આપતો
સાલસ હૃદયની સાથ ચપળતા ન આપતો
વાતાવરણ હતું જે એવું ફરી થવાથી
ગભરાય કોઈ બાળક મહેમાનના જવાથી
હશે રંક બીજા ઘણા, પણ ફરક છે
અમારી ગરીબીમાં નોખી ચમક છે
એનામાં આયનાનો ગુણ આવશે કદી તો
ખોટું કશું લખો ને કાગળ વિવેક ચૂકે.
અમુક વેળા કરાવે છે પરાક્રમ અણસમજ એની
સદંતર બહાદુરી તો કોઈ નીડરમાં નથી હોતી
અમીરો તો હરખને કોઈપણ રીતે પચાવે છે.
ખુશીના આંસુ નાના માણસોને ખાસ આવે છે
આપણે ત્રણ ગઝલ સંગ્રહોની ગઝલમાંથી આપણી રીતે આચમન કર્યું. ભાવેશ ભટ્ટની 1008 દુહાઓની હકડેઠઠ વસતિમાંથી ચાલો થોડાક દુહાઓને આપણે ઓળખીએ અને માણીએ:
કોણ કરે છે આ રીતે છેકછાકનું કામ
દાણા પર ખાનારનું બદલી નાખે નામ
રોજ કતારો લાગતી થાય ના દર્શન પ્રાપ્ત
વારો આવે માંડ ત્યાં ઈશ્ર્વર થાય સમાપ્ત
શક્ય છે તારી માન્યતા બીજી હોય કદાચ
સત્ય નહીંતર હોય છે એક તૂટેલો કાચ
ભમરો, વેણી, બાગ ને દેવચરણની વાટ
કેમ હજીયે પુષ્પનો શમ્યો નથી તલસાટ
લાગ્યું તુલસીદાસની વાંચીને ચોપાઈ
કરી શકીશું આપણે ભલા કે દી’ ભરપાઈ
નથી ફરક પલળે કોઈ કે કોઈ ભીંજાય
હોય જરૂરી એટલું, તરસ્યું ભીનું થાય.
થાતું હાટના કાચને ‘ફૂટી જઉં તત્કાળ’
બરફી પેંડાને જુએ જ્યારે ભૂખ્યા બાળ