Tue Apr 21 2026

Logo

ભજનનો પ્રસાદઃ લાલસાહેબની સાધના ભૂમિકાનું ભજન...

2026-03-30 09:48:00
Author: Dr. Balwant Jani
Article Image

ડૉ. બળવંત જાની

રવિભાણ સંત પરંપરામાં નારી સંત શિષ્યો નહિવત છે. વડોદરાના વરણસીમા ઉપરાંત લાલસાહેબના પાટણ સાથે સંકળાયેલા પ્રેમાબાઈ અને બીજા મદયંતિ. મદયંતિ સંદર્ભે એવી ઘટના બનેલી કે લાલસાહેબે ગુરુ રવિસાહેબ માટે પાટણની જરિયન કિનખાબી શાલ તૈયાર કરાવેલી. સત્સંગ બોધ વખતે રવિસાહેબ એને ધારણ કરતાં. દુલર્ભરામ નામના એક બ્રાહ્મણે રવિસાહેબ પાસેથી એ માગી લીધી. દુર્લભરામ કામી અને દુરાચારી હતો. એણે પાટણની ગણિકા મદયંતિને શાલ ભેટ આપી. શાલને ઓઢતા જ મદયંતિને ખબર પડી કે આ શાલ તો સંત રવિસાહેબની છે અને એમના શિષ્ય લાલસાહેબનો પાટણમાં આશ્રમ છે. મદયંતિ એને ચરણે વંદન કરવા નીકળી પડી. 

લાલસાહેબની જગ્યામાં મદયંતિને પ્રવેશતી જોઈને ભક્તજન સમુદાય અકળાયો. વારાંગના અહીં આશ્રમમાં ક્યાંથી? પણ લાલસાહેબે તો એને આવકારી અને કહ્યું, બેટા દીકરી તેં જે આ શાલ ધારણ કરી છે ને એ તો તપ, ધ્યાન અને વૈરાગ્યની ચૂંદડી છે એને ડાઘ ન લાગે એનું ધ્યાન રાખજે.

મદયંતિએ લાલસાહેબનું વાક્ય સાંભળતા જ એનું માયા, મોહ અને મદનું આવરણ દૂર થઈ ગયું. એમ કહેવાય છે કે એણે વૈરાગ્ય ભાવથી-ભક્તિ ભાવથી ઘણો વખત સુધી રવિસાહેબની નિશ્રામાં સાધના અને સેવા કરી. એ અંગેની એક સાખી પ્રચલિત છે. 

મદયંતિ બડ ભાગની, રવિસાહેબકો પાય 
યહ જગ નાતા તોડકે, સાધસે કિન્હ સગાય 

મદયંતિએ રવિસાહેબ અને લાલસાહેબને ગુરુ માનીને આજીવન ભક્તિ-સાધનામાં લીન રહેવાનું વ્રત ધારણ કરેલું. લાલસાહેબનું આવું સૌહાર્દપૂર્ણ સાધક વ્યક્તિત્વ એમની વાણીમાં પણ અવલોકવા મળે છે એને આસ્વાદીએ 

-કબુદ્ધિને કાઢો તો સુખ થાય, ઘટ મેં આતમરામ જગાય...
કબુદ્ધિને કાઢો તો સુખ થાય જી. ...ટેક
મૂળ કમળમેં ગુણપતિ રેવે, પૂજયે પરસન થાય,જ્ઞાન તણા ઘોડા શણગારો, ચડે નૂરિજન રાય.
કબુદ્ધિને કાઢો તો સુખ થાય જી. ...1

જરણા જંબુરા શીલ ગલોલા, પ્રેમ પલીતા લગાઈ,
ભજન ભડાકા ધરણીધર કા, કુડ કપટ ઊડ જાય.
કબુદ્ધિને કાઢો તો સુખ થાય જી. ...2

તેજ તોપને હરદમ દારૂ, ગોળા જ્ઞાન લગાઈ,
મોહ ભ્રમકા મોરચા ભાંગ્યા, તસ્કર થાણા થપાઈ.
કબુદ્ધિને કાઢો તો સુખ થાય જી. ...3

સંતોષ રાય શૂન્ય પર બેઠા, સત શમશેર લગાઈ,
કામ ક્રોધ કું માર પકડે, કસણી ખરી કસાઈ.
કબુદ્ધિને કાઢો તો સુખ થાય જી. ...4

હરિ કા બંદા છોડયા ફંદા, પૂરા દર્શન પાઈ,
નિરાધાર ગુરુ અંતરજામી, તાકું શિશ નમાઈ.
કબુદ્ધિને કાઢો તો સુખ થાય જી. ...પ

આપાં મટિયાં સંશય છૂટિયાં, શૂરા સાચ કમાઈ,
હુકમી બંદા હજુર હાજર, અમ્મર પટો લખાઈ.
કબુદ્ધિને કાઢો તો સુખ થાય જી. ...6

દયા મહેર સત્ગુરુ સાહેબ કી, જો ખાટે સો ખાય,
લાલ કહે મેં કછુ ન જાણું, રવિગુરુ કબીરા ગાય.
કબુદ્ધિને કાઢો તો સુખ થાય જી.ઈ ...7

મૂળ વાત તો સાધના અને આત્મસાક્ષાત્કાર માટે ક્રિયાશીલ બનવા સાધકને દીશા દર્શન, પોતાને પ્રાપ્ત દિશા અને એનાથી પલટાયેલી દશાનું બયાન લાલદાસના ભજનો છે. 

કબુદ્ધિ એટલે દુર્બુદ્ધિ નહીં પણ એમાં અવિદ્યાને મનમાંથી કાઢી નાખવાનો સંકેત છે. નિરંજન રાજયગુરુએ અહીં ગણપતિનો ઉલ્લેખ છે એનો અર્થ મુલાધાર ચક્રમાં ગણપતિનું સ્થાન છે. એની સાધના પરત્વે સંકેત કરીને ષટચક્રભટ્ટની ક્રિયા પરત્વે અંગુલિ નિર્દેશ ર્ક્યો છે.
 
અશ્વારોહી બનીને લડવાનું છે પણ એ અહીં સ્થુળ લડાઈની વાત નથી કહેતા. પરંતુ અવિદ્યા ઉપરાંત કુડ, કપટ, માયા, મમતાની સાથે યુદ્ધ છોડીને એમાં વિજયી થવાનું છે. જે કંઈ હથિયારની વાત છે. જંબુરા એટલે નાની તોપ. અહં નો ત્યાગ અને નિષ્કલંક ચારિત્ર્યરૂપી જ્ઞાનની ગોળી ધારણ કરવાની છે. શૂન્યની અનુભૂતિ સંતોષની વૃત્તિ ધારણ કરવાથી થાય. એવી કસેલી ધારદાર તલવાર છે કે એ કામનો નાશ કરે છે. 

હરિના સેવકને, અંતર્યામી ગુરુની કૃપાથી પૂર્ણબ્રહ્મ પરમાત્માના દર્શનનો અનુભવ થતો હોય છે. એમને નમન કરવા. સ્વનો લોપ, આપ પણું મટી જાય અને સત્નો અનુભવ થાય. એટલે બંદાને-સાધકને-આત્મ સાક્ષાત્કાર અને અમરત્વ સુલભ બની રહે છે. જેને સદ્ગુરુની કૃપા-મહેર- પ્રાપ્ત થાય એ ખરા અર્થમાં ખાટે છે-પામે છે. લાલદાસ કહે છે કે હું કશું જાણતો નથી પણ ગુરુવર્ય રવિસાહેબની કૃપાથી આ બધું ગવાયું-કથાયું છે. 

લાલસાહેબ રવિસાહેબની યોગસાધના ક્રિયાના ખરા વારસદાર છે. વિહાર-યાત્રા, નામ-જાપ સ્મરણના આજીવન ઉપાસક રહ્યા. લાલસાહેબ એ રીતે રવિસાહેબનું તેજસ્વી અનુસંધાન જણાય છે. એમની ભજનવાણી આજે પણ પ્રાસંગિક જણાય છે.