(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના કાફલામાં એક મહિના પહેલા દાખલ થયેલી નવી કૉન્ટ્રેક્ટ પર લીધેલી બસમાં રવિવારે વહેલી સવારના આગ લાગી હતી. જોકે બસ ડ્રાઇવરની સાવચેતીથી મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ નહોતી.
લગભગ એક મહિના પહેલા જ બેસ્ટના કાફલામાં સમાવેશ કરવામાં આવેલી ખાનગી કંપનીની બસ દેવનાર ડેપોની હતી. બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ દેવનાર ડેપોથી દોડતી એ-૩૬૪ રૂટ પરની બસ રવિવારે સવારે લગભગ આઠ વાગ્યે માહુલ વિલેજથી ટ્રૉમ્બે તરફ જઈ રહી હતી અને બસ ચેમ્બુર કોલોનીમાં રામ મંદિર નજીક પહોંચી
ત્યારે ડ્રાઇવરે તેની સીટ નીચેથી ધુમાડો નીકળતો જોયો હતો. ડ્રાઇવરે તાત્કાલિક બસ રોકી અને તેનું નિરીક્ષણ કર્યું હતું એ દરમ્યાન બસના બેટરી બોક્સમાં શોર્ટ સર્કિટ થઈને આગ ફાટી નીકળી હતી. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને ડ્રાઇવરે બસમાં ઉપલબ્ધ ત્રણેય અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું.
ડ્રાઇવરના પ્રયાસને કારણે સવારે ૮.૧૫ વાગ્યે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ હતી. આ દરમ્યાન બસમાં રહેલા મુસાફરોએ ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી ત્યારબાદ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ત્યાં સુધીમાં ડ્રાઇવરે આગ બુઝાવી દીધી હતી. સાવચેતીના પગલાં તરીકે ફાયર બ્રિગેડે બસની બેટરી ડિસ્કનેક્ટ કરી અને બેટરી કાઢી નાખી હતી.
ઘટનાની માહિતી મળતા જ બેસ્ટના મિકેનિક્ અને સંબંધિત કૉન્ટ્રેક્ટરનો ટૅકનિકલ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો બસનું પ્રાથમિક નિરીક્ષણ કર્યા બાદ તેને દેવનાર ડેપો લઈ જવામાં આવી હતી. બસમાં આગ લાગવા પાછળનું ચોક્કસ ટેકનિકલ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવશે, અને બેટરી બોક્સ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવશે એવું બેસ્ટ ઉપક્રમે જણાવ્યું હતું.