આજકાલની સતત વધતી જઈ રહેલી મોંઘવારીના જમાનમાં બચત કરવી એ ખૂબ જ જરૂરી છે અને જો તમે પણ બચત કરવા માટે સુરક્ષિત રોકાણ અને સારા વ્યાજ દરની શોધમાં હોવ, તો પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ (Post Office Small Saving Schemes) બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.
ઈન્ડિયન પોસ્ટએ રોકાણ અને વળતર મેળવવા માટેનું સૌથી સેફ અને સિક્યોર ઓપ્શન છે. અન્ય બેંકોની સરખામણીએ પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓમાં વ્યાજ દર વધુ આકર્ષક છે અને તેમાં રોકાણ કરેલા પૈસા પર ભારત સરકારની ગેરંટી મળે છે. આજે આપણે આ સ્ટોરીમાં પોસ્ટની આવી જ કેટલીક સ્કીમ વિશે વાત કરીશું.
સુકન્યા સમૃદ્ધિ યોજના
દીકરીઓના ભવિષ્ય માટેની સૌથી લોકપ્રિય યોજના એટલે સુકન્યા સમૃદ્ધિ યોજના. હાલમાં આ યોજનામાં રોકાણ કરવા પર વાર્ષિક અંદાજે 8.2 ટકાનું વ્યાજ મળે છે. આ સ્કીમમાં રોકાણ કરવાના ફાયદા વિશે વાત કરીએ તો ઈન્કમટેક્સની કલમ 80સી હેઠળ ટેક્સમાં છૂટ મળે છે અને મેચ્યોરિટી પર મળતી રકમ પણ ટેક્સ ફ્રી હોય છે.
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ
સુકન્યા સમૃદ્ધિ યોજના બાદ આગળ વધીએ વાત કરીએ ઈન્ડિયન પોસ્ટની બીજી સ્કિમ વિશે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે આ સુરક્ષિત આવકનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ સ્કીમમાં અંદાજે 8.2 ટકાનું વળતર આપવામાં આવે છે. દર ત્રણ મહિને વ્યાજની રકમ ખાતામાં જમા થાય છે, જે નિવૃત્ત લોકો માટે પેન્શન જેવું કામ કરે છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
ઈન્ડિયન પોસ્ટની ત્રીજી સ્કીમ એટલે પીપીએફ. જો તમે લાંબા ગાળાના રોકાણ માટેની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે આ 'ઓલ-ટાઇમ ફેવરિટ' સ્કીમ છે. આ સ્કીમમાં અંદાજે 7.1 ટકાનું વ્યાજ આપવામાં આવે છે. આ સ્કીમમાં રોકાણ, વ્યાજ અને મેચ્યોરિટી રકમ - ત્રણેય પર ટેક્સમાં છૂટ મળે છે.
મહિલા સન્માન બચત પત્ર
મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી ઈન્ડિયન પોસ્ટની આ ટૂંકા ગાળાની ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. આ સ્કીમમાં રોકાણ કરનારને અંદાજે 7.5 ટકાનું વળતર ચૂકવવામાં આવે છે. આ સ્કીમમાં અંદાજે બે વર્ષ મટે રોકાણ કરી શકાય છે.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ
પાંચ વર્ષના ફિક્સ્ડ રોકાણ માટે આ સલામત વિકલ્પ છે, આ સ્કીમમાં રોકાણ કરનારને અંદાજે 7.7 ટકાનું વ્યાજ ચૂકવવામાં આવે છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી બેંકમાં એફડી કરાવો એ કરતાં પણ વધારે વ્યાજ આપવામાં આવે છે અને ગવર્ન્મેન્ટ સિક્યોરિટી પણ મળી રહી છે.
છે ને એકદમ કામની અને તમારા ફાયદાની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની અને તમારા ફાયદાની વાતો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.