બહુચરાજી: મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં એક અત્યંત કાળજું કંપાવી નાખે તેવા ગંભીર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક બેકાબૂ બોલેરો કારે ઘરના આંગણામાં બેઠેલા લોકોને કચડી નાખતા બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અન્ય એક નાનકડી બાળકીને શરીરના ભાગે ગંભીર ઈજાઓ અને ફ્રેક્ચર પહોંચ્યું છે. આ અકસ્માત પાછળનું કારણ સગીરે માટીમાં ફસાયેલી કારને બહાર કાઢવા માટે ફૂલ એક્સિલેટર આપ્યું હોવાનો આરોપ છે.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, આ ગોઝારી ઘટના બહુચરાજી ગામની વૃંદાવન સોસાયટીમાં બની હતી. આ દુર્ઘટનામાં એક 65 વર્ષીય વૃદ્ધા અને એક નાની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક નાનકડી બાળકીને શરીરના ભાગે ગંભીર ઈજાઓ અને ફ્રેક્ચર પહોંચ્યું છે. પોલીસે મોટર વાહન અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ કારનું માટીમાં ફસાવું અને ત્યારબાદ ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી ગંભીર બેદરકારી હોવાનું પોલીસ ફરિયાદમાં સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું છે. આરોપી દક્ષ પ્રવિણભાઇ સૈની પોતાની કાળા કલરની બોલેરો કારને સોસાયટીના કાચી માટીવાળા કોમન પ્લોટમાં વાળી રહ્યો હતો, ત્યારે કારના ટાયર માટીમાં ફસાઈ ગયા હતા. માટીમાંથી કારને બહાર કાઢવા માટે આરોપીએ ફૂલ એક્સિલેટર આપ્યું હતું, જેથી ટાયર અચાનક માટીમાંથી બહાર નીકળી ગયા હતા અને કાર બેફામ તથા ગફલતભરી રીતે ધસી આવીને ફરિયાદીના ઘરના પાકા વરંડા, બીમ અને દરવાજાને તોડીને સીધી અંદર ઘૂસી ગઈ હતી.
અહેવાલો મુજબ માટીમાંથી કારને કાઢવા એક્સિલેટર વધારતાં કાર આશરે 100ની સ્પીડે ધસી આવી હોવાનું જાણવા મળ્યું છે, જેને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત સમયે ઘરના આંગણામાં દરવાજાના પગથિયાં પર કંચનબેન જયંતિભાઈ દરજી (ઉંમર વર્ષ 65) બેઠા હતા અને તેમની બિલકુલ પાસે સોનલબેન રાજેશભાઈ દેસાઈ તથા હાર્વી રમી રહી હતી.
કારની ટક્કર એટલી ભયંકર હતી કે કંચનબેન અને સોનલબેનને શરીરે ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓને વધુ સારવાર માટે મહેસાણા અને ત્યારબાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ બંનેના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. ફરિયાદી અલ્પેશકુમાર દરજીની દીકરી હાર્વીને ડાબા થાપાના ભાગે ફ્રેક્ચર થયું છે અને તે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ આરોપી દક્ષ સૈની પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. હાલમાં બહુચરાજી પોલીસે અલ્પેશકુમારની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.