બાડમેરઃ રાજસ્થાનમાં એક ચોંકાવનારી ઘટના બની છે. 65 વર્ષીય ડૉક્ટર પાસેથી કથિત રીતે રૂપિયા 2 કરોડ પડાવ્યાં હોવાના આક્ષેપ સાથે એક નર્સની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં એક હોસ્પિટલના 65 વર્ષીય વરિષ્ઠ તબીબ અને ત્યાં કામ કરતી નર્સ વચ્ચેનો વિવાદ પ્રકાશમાં આવ્યો છે. ડોક્ટર પાસેથી રૂપિયા 2 કરોડથી વધુ રકમ પડાવવા અને બ્લેકમેલ કરવાના આરોપસર પકડાયેલી નર્સ કમલા ઉર્ફે કમલેશે કોર્ટમાં તબીબ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
નર્સના ચોંકાવનારા આક્ષેપો બાદ ડૉક્ટરની મુશ્કેલી વધી
શુક્રવારે કોર્ટમાં રજૂ કરતા પહેલા નર્સે એક વીડિયો સંદેશ જાહેર કરીને ડૉક્ટરને સિરિયલ રેપિસ્ટ ગણાવ્યા હતા. તેણે આરોપ મૂક્યો કે તબીબે હોસ્પિટલમાં આવતી 100થી વધુ મહિલા દર્દીઓનું યૌન શોષણ કર્યું છે. ભૂતકાળમાં પણ કેટલીક પીડિતાઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ રૂપિયાના જોરે આ કેસો દબાવી દેવાયા હોવાનો દાવો તેણે કર્યો છે. વધુમાં, તેણે એવો પણ દાવો કર્યો કે ખંડણીનો આ કેસ તેના અવાજને દબાવવા માટેનું કાવતરું છે.
આક્ષેપો મામલે તબીબનો કેવો દાવો કર્યો?
બીજી તરફ, ફરિયાદ નોંધાવનાર તબીબનું કહેવું છે કે, વર્ષ 2016થી તેમની ખાનગી હોસ્પિટલમાં નાઇટ શિફ્ટમાં ફરજ બજાવતી આ નર્સે તેમની અંગત તસ્વીરો લઈ લી હતી. જે પછી તેણે આ તસવીરોના આધારે ધમકાવવાનું શરૂ કર્યું છે. નર્સે ડોક્ટરને રેપ કેસ ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ ધમકીઓ આપીને નર્સે ડોક્ટર પાસેથી એક બે લાખ નહીં પરંતુ 2 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. જેનો પોલીસ તપાસમાં ખુલાસો પણ કરવામાં આવ્યો છે.
પગાર મેળવવા ઉપરાંત લગભગ 2 કરોડ રૂપિયા પડાવ્યાં
પોલીસ તપાસ અનુસાર, રૂપિયા 35 લાખ બેંક એકાઉન્ટ મારફતે ટ્રાન્સફર થયા છે. ફરિયાદ પ્રમાણે નર્સે ડોક્ટર પાસેથી પગાર મેળવવા ઉપરાંત લગભગ 2 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. તબીબે એવો પણ આરોપ મૂક્યો કે નર્સ તેમને સતત હોસ્પિટલના CCTV મારફતે નજરકેદ રાખતી હતી અને અલગ ફોન આપીને 24 કલાક લોકેશન ટ્રેક કરતી હતી. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પોલીસે અત્યારે નર્સની ધરપકડ કરી લીદી છે અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાામં આવી છે.
તપાસમાં બીજા પણ કેટલાક ખુસાલાઓ થયા છે. પોલીસની તપાસમાં પ્રકાશમાં આવ્યં કે આ નર્સે 2020 માં પંચાયત સમિતિ ચૂંટણી પણ લડેલી છે. જો કે, તે માત્ર 58 મતોથી હારી ગઈ હતી. એટલું જ નહીં પરંતુ આ નર્સ છેલ્લા ત્રણ વર્ષથી તેના પતિથી અલગ રહે છે અને અગાઉ તેણે તેના પતિ વિરુદ્ધ દહેજ માટે ઉત્પીડન અને મારપીટનો કેસ દાખલ કર્યો હતો.
ડિજિટલ પુરાવા, બેંક ટ્રાન્ઝેક્શન અને સીસીટીવી ફૂટેજ થશે
બાડમેર સિટી કોતવાલી પોલીસે નર્સની ધરપકડ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે. પોલીસ હાલ બંને પક્ષોના ડિજિટલ પુરાવા, બેંક ટ્રાન્ઝેક્શન અને સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નર્સ દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપોની પણ તપાસ બાદ જ સત્ય સામે આવશે.