Tue Oct 06 2026

Logo

બનાસકાંઠા કૉંગ્રેસમાં ઉકળતો ચરૂ:  ગુલાબસિંહ રાજપૂતે જાહેર કરેલું જમ્બો માળખું અમિત ચાવડાએ રદ કર્યું

2026-09-15 13:06:00
Author: Mayur Patel
બનાસકાંઠા કૉંગ્રેસમાં ઉકળતો ચરૂ:  ગુલાબસિંહ રાજપૂતે જાહેર કરેલું જમ્બો માળખું અમિત ચાવડાએ રદ કર્યું

પાલનપુર: ગુજરાતમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં વધુ એક વખત ભડકો થયો છે. બનાસકાંઠા જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પ્રદેશ નેતૃત્વની આગોતરી મંજૂરી વિના જિલ્લા સમિતિના નવા માળખાની જાહેરાત કરી દેતાં સંગઠનમાં ગજગ્રાહ સપાટી પર આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તાત્કાલિક અસરથી આ સમગ્ર માળખું વિખેરી નાખવાનો કડક આદેશ આપતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

શું છે સમગ્ર મામલો

જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બે દિવસ પહેલાં જિલ્લા કૉંગ્રેસ સમિતિનું નવું જમ્બો માળખું જાહેર કર્યું હતું. આ યાદીમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, ખજાનચી, પ્રવક્તા, કાર્યાલય મંત્રી તેમજ કારોબારી સભ્યો સહિત અંદાજે 200થી વધુ કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ યાદી સાર્વજનિક થતાંની સાથે જ પક્ષના આંતરિક વર્તુળોમાં વિરોધનો સૂર ઊઠ્યો હતો.

યાદી સામે આવતાં જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ માળખાને ગુજરાત પ્રદેશ સમિતિ તરફથી કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નહોતી. જિલ્લા પ્રમુખે પ્રદેશ નેતૃત્વને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે આ નિમણૂકો કરી હોવાનું જણાવી તમામ હોદ્દાઓ અને કારોબારીની યાદીને તાત્કાલિક અસરથી રદ જાહેર કરી હતી.

માળખું રદ થતાં બંને નેતાઓ વચ્ચેનો વિવાદ ખુલ્લેઆમ બહાર આવ્યો છે. અમિત ચાવડાના આ નિર્ણય બાદ ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા પર તીખો પલટવાર કર્યો હતો. તેમણે ગેનીબેન સાથેનો ફોટો પોસ્ટ કરીને પ્રદેશ નેતૃત્વ સામે કટાક્ષ કરતાં લખ્યું કે, તમારી લડાઈ અમારી સાથે નહીં, પરંતુ લોકોના પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને લઈને ભાજપની સરકાર સામે હોવી જોઈએ. આ આંતરિક ઘર્ષણને કારણે જિલ્લા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે અસમંજસ અને જૂથબંધીનો માહોલ સર્જાયો છે.