Mon Oct 05 2026

Logo

સર્જકના સથવારે: ગઝલના રંગમંડપમાં દબદબો છે `બાબુ' રાઠોડ

2026-09-13 08:49:00
Author: Ramesh Purohit
સર્જકના સથવારે: ગઝલના રંગમંડપમાં દબદબો છે `બાબુ' રાઠોડ

 

તો ય વરસે ગમ અહીં ને ત્યાં ખુશી

એક છે વાદળ અહીંથી ત્યાં સુધી

 

 

 

બાબુલાલ ખીમજીભાઈ રાઠોડ

 

- રમેશ પુરોહિત

 

ગુજરાતી ગઝલમાં કામ કરી રહેલાં કેટલાંક એવાં નામો છે જે એક ખૂણામાં બેસીને સાધના - આરાધના કર્યા કરે છે. પ્રસિદ્ધિનો કોઈ મોહ નહીં, મુશાયરોમાં છવાઈ જવાની વૃત્તિ નહીં, સામયિકમાં પણ ભાગ્યે જ મોકલે, આવી જંગલમાં આપમેળે ઊગી નીકળેલી જડીબુટ્ટીઓ જેવા અનેક શાયરો કામ કરી રહ્યા છે જેમાં એક મહત્ત્વનું નામ બાબુલાલ ખીમજીભાઈ રાઠોડ. એમણે તખલ્લુસ પણ `બાબુ' રાખ્યું છે.

 

એમની મોટાભાગની ગઝલોનું સંવેદન સંતર્પક અનુભવ કરાવે છે. રોજ બોલાતી ભાષામાં ગઝલનું પ્રત્યાપન ભલભલાને પસીનો છોડાવી દે છે. બાબુલાલ રાઠોડ આપકર્મી છે અને સ્વયંના તેજે ઝળહળે એટલી એમની રચનાઓમાં ઉછી-ઉધારના થીંગડા દેખાતા નથી.

 

એમના જીવન વિશેની થોડી હકીકતો તવારીખની દૃષ્ટિએ નોંધવી જરૂરી છે. સુરેન્દ્રનગરમાં 6 એપ્રિલ 1965ના રોજ જન્મ. માતા-પિતા મોતીબેન અને ખીમજીભાઈ રાઠોડે એમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા અને વાણિજયના સ્નાતક બન્યા. ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપનીમાં દીવ ખાતેથી કારકિર્દીની શરૂઆત કરી ને હાલમાં વયનિવૃત્તિ લીધા પછી સો ટકા સમય સાહિત્ય સર્જનને આપી રહ્યા છે.

 

પોતાના `દિલની વાત' કરતા આ કવિ કહે છે કે જિંદગીના સોળમાં વર્ષે ગઝલ અને મજૂરી બંને એક સાથે મળ્યાં એ કદાચ કુદરતને આધીન હશે. સપના જોવાના સમયે મળી નક્કર પાષાણ જેવી પીડા. કઠોર થઈ ગયેલા ટેરવે રમવા લાગ્યા છંદો ને વહી વેદનાની નદી... દુનિયાની કઠોરતા સામે કુદરતે મને અભિવ્યક્તિ આપી. `અહીંથી ત્યાં સુધી'ની સફરમાં ઘણું ભટકયો... ઘણું જોયું - જાણ્યું... જિંદગીને નજીકથી જોઈ. ભરી ભીડમાં કદી એકલો રહ્યો તો કદી ભરચક એકલતામાં ભીડ અનુભવી. જિંદગીની સફરમાં ઘણાંય લોકો સાથે રહ્યા છે. ઘણાંએ ઠોકર મારી છે તો ઘણાંએ ગળે લગાડયો છે પણ મારા હમસફરના નાતે હું સૌનૌ હૃદયપૂર્વક આભારી છું.'

 

એમનો પ્રથમ ગઝલ સંગ્રહ 2006માં `અહીંથી ત્યાં સુધી' પ્રકાશિત થયો અને એકીસાથે પાંચ ગઝલ સંગ્રહો પ્રકાશિત થઈ રહ્યા છે. `બાબુ'એ આમ તો 1982થી ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું અને તે પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ પણ થઈ હતી. ત્યારપછી ધીરે ધીરે ગઝલમાં મન લાગતું ગયું અને પ્રતિષ્ઠિત અને પ્રેમાળ કવિઓના પ્રોત્સાહનથી સંઘેડા ઉતાર ગઝલો લખવા માંડી.

 

`બાબુ'ની ગઝલના જે વિશેષો છે તેની વાત કરીએ તો પ્રથમ છે ભાષાની સરળતા, વિચારોની સ્પષ્ટતા, સંવેદના સભર અભિવ્યક્તિ અને ભાવ અને ભાવનાના આંતરિક રૂપની, નિષ્ઠાપૂર્વકની જાળવણી.

 

મેં એક સંપાદન કર્યું છે જેમાં ઘાયલ સાહેબથી લઈને તમામ શાયરોએ ગઝલ સર્જનની પ્રક્રિયા સ્પષ્ટ કરતી ગઝલ પરની ગઝલ આપી છે. ભાઈ `બાબુ'એ આવી બે ગઝલ શરૂઆતમાં આપી છે જેમાં એ ગઝલ કેમ સર્જાય છે તેના પ્રોસેસની વાત કરે છે અને બીજી ગઝલમાં ગઝલના અવતરણની વાત કહે છે. બન્ને ગઝલો કાબિલે દાદ છે. જોઈએ ચાર શેર:

 

આહ દિલથી નીકળે, ત્યારે ગઝલ સર્જાય છે

જામ ચીસોના ઢળે, ત્યારે ગઝલ સર્જાય છે

વેદના ટોળે વળે, ત્યારે ગઝલ સર્જાય છે

સેંકડો સપના બળે, ત્યારે ગઝલ સર્જાય છે

* * *

 

વેદનાની કુખે અવતરી છે ગઝલ,

શબ્દ થૈ ભગ્ન દિલથી ખરી છે ગઝલ

ઝંખનાને હવે નીંદ આવી જશે

સ્વપ્નની સેજ પર પાથરી છે ગઝલ.

 

ગઝલ એક એવી કલા છે કે એ જે કહે છે તેના કરતાં વધારે છૂપાવે છે. ગઝલ સમજવાના સ્વરૂપગત ઓજારો તો આપણી પાસે છે જ, પણ ગઝલકાર છંદ, મત્લા-મકતા, રદીફ-કાફિયા વગેરે બાહ્ય સ્વરૂપને નિભાવીને તગઝ્ઝુલ, તસવ્વુફ, મૌસિકી, અંદાઝે-બયાં, શેરીયત, ગઝલિયત જેવા અંતરગ ઉપકરણોને ઓળંગીને પોતાના મૌલિક ઉન્મેષો કેટલા અંશે પ્રગટાવી શકે છે તે જોવું જોઈએ. `બાબુ'ના ભાષાકર્મ, શેરીયત વગેરેમાં રહેલા રસસ્થાનોને ઓળખીયે તો એમણે સિત્તેર ગઝલોમાં સારું એક કાઠુ કાઢયું  છે એમ કહી શકાય.

 

આપણા લબ્ધ પ્રતિષ્ઠ કવિ અને વિવેચક રમેશ આચાર્યે પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે `અહીંથી ત્યાં સુધી' સંગ્રહમાં સમાવિષ્ટ અને જે પરથી સંગ્રહનું  નામાભિધાન થયું છે તે ગઝલ `અહીંથી ત્યાં સુધી' આ સંગ્રહની સર્વશ્રેષ્ઠ કૃતિ છે...

 

ઝાંઝવા થૈ જળ અહીંથી ત્યાં સુધી;

ઝળહળે છે છળ અહીંથી ત્યાં સુધી.

ટળવળે છે હર કળીની બાંહમાં,

આંસુ થૈ ઝાળક અહીંથી ત્યાં સુધી

એ મળે તો કયાં મળે બ્રહ્માંડમાં?

વિસ્તરી અટકળ અહીંથી ત્યાં સુધી

તો ય વરસે ગમ અહીં ને ત્યાં ખુશી

એક છે વાદળ અહીંથી ત્યાં સુધી

બેય છેડે એકસરખા હાલ છે

જોઈ લે, બે પળ અહીંથી ત્યાં સુધી.

 

આ ગઝલનો ચોથો શે'ર જેની પાસે મારે રોકાઈ જવું પડયું તે નિજી ગમને વાદળ કહેલું ત્યાં સુધી તો ઠીક છે પણ તે વાદળનો અહીંથી ત્યાં સુધીનો વ્યાપ વિસ્તારવો એમાં જ સર્જકતા છે... આ ગઝલમાં પ્રયોજાયેલ રદીફ `અહીંથી ત્યાં સુધી' અંગદના પગ સમાન છે. તેને સાથ દેતા વિવિધ કાફિયાથી જે ભાવ વિશ્વ રચાય છે અને ગઝલ જેમ - જેમ આગળ વધે છે તેમ ગાઢ અને ગૂઢ થતું જાય છે તેથી ગઝલના રદીફ - કાફિયાનો `નહિ સાંધો નહિ રેણ' જેવું વિશ્વ અનાયાસ રચાઈ આવે છે અને તે જ આ ગઝલની વિશેષતા છે.'

 

બાબુભાઈની કાવ્ય નિષ્ઠા, સર્જક પ્રતિભા અને અનોખા ભાવ - વિશ્વમાં રસાયેલા અને કસાયેલા ઘણાં બધા શેર આપણને રોકી રાખે છે. ચાલો, આવા થોડાક શેરોનું રસપાન કરીએ:

 

ત્યાં મને બોલાવ અથવા આવ તું

અંત અરધી વારતાનો લાવ તું

* * * 

 

જોઈને જોતાં રહે સૌ દંગથી

નખ સજાવી લે રક્તના રંગથી

* * * 

 

`બાબુ' તારા દર્દની વાતો ઘડીભર સાંભળી

આંસુ એના ઓગળે છે માનવું પડશે હવે

* * * 

 

લાલ આંખો થૈ હતી કે ધૂબકા માર્યા પછી

આંખ આ ચોળી જરીને બાળપણ બેઠું થયું

* * * 

 

ચડી ઠોકરે લાગણી જ્યાં હૃદયની

નદી બે ય કાઠે વહી વેદનાની

* * * 

 

આજ ઈચ્છાનો સમંદર આપણી વચ્ચે નથી

એ હિસાબે કોઈ અંતર આપણી વચ્ચે નથી

* * * 

 

એ મળે જો કોઈ મારગ, એટલું એને કહેજો

તું છે રોમ રોમ રગ રગ, એટલું એને કહેજો

* * * 

 

એમની પણ કૈંક મજબૂરી હશે

જિંદગી ત્યાં પણ ભલા તૂરી હશે

થૈ હશે કત્લેઆમ ઈચ્છા ત્યાંય પણ

ત્યાંય પણ મન પર ફરી છૂરી હશે

* * * 

 

કરું તો કરું વાત કેમે તમારી?

હવા કાન દઇને બધુ સાંભળે છે

* * * 

 

છોડી મને, સૌને મળો છો, દુ:ખ તો થાય ને

મારું કહ્યું ક્યાં સાંભયો છો, દુ:ખ તો થાય ને

* * * 

 

ખૂબ રઝળીને ઉકેલ્યો ભેદ છે

ઝાંઝવા રણને વળ્યો પ્રસ્વેદ છે

* * * 

 

જિંદગીનો સાવ ટૂંકો સાર છે

તન અહીં ને જીવે પેલે પાર છે

* * * 

 

એ હતાં તો હતું પ્રણય જેવું

એ ગયા તો થયું પ્રલય જેવું

* * * 

 

જાતથી અળગી હજી થાતી નથી

આફતો સ્હેજેય શરમાતી નથી

* * * 

 

જોઈને મારી દશા, સ્હેજેય હરખાતા નથી

પ્રશ્ન પૂછે છે ઉપરથી, કેમ દેખાતા નથી

* * * 

 

તે કહીં જે વારતા સારી હતી

સત્ય ઘટના એ જ તો મારી હતી

* * * 

 

ત્યાં જતાં ભૂલી ગયો શું શું કહેવાનું હતું?

યાદ ના આવ્યું કે એને `તું' કહેવાનું હતું.

* * * 

 

નામ લઈ ક્યારેય બોલાવે નહીં,

એ નદી છે, ઘર સુધી આવે નહીં

* * * 

 

પ્રથમ પાનું હશે કોરું, વ્યથાનો સાર છે એમાં

અમે જે ભોગવી છે એ સજાનો સાર છે એમાં

* * * 

 

ભેટી પડી છે આફતો સગપણ નથી છતાં

વળગી છે વાદે વેદના વળગણ નથી છતાં

 

મસ્ત છળથી લગાવ છે તો છે

રણ વચ્ચે પડાવ છે તો છે

* * * 

 

વાંચ પૂરી વારતા આખર સુધી

કાં પછી તું ચાલ ઘરડાંઘર સુધી

* * * 

 

શું બોલું એનાં બારામાં?

રાખ્યો જેણે અંધારામાં

* * * 

 

સૂરજ ઉપર છે ઘાત, સાચું માનશો તમે?

પાછળ પડી છે રાત, સાચું માનશો તમે?

* * * 

 

સફરમાં ક્યાંય પણ સીધા સરળ રસ્તા નહીં આવે

તને મારા વિના માફક કદી દુનિયાં નહીં આવે

* * * 

 

ચાલ્યા કરું છું હોંશથી ભરચક અભાવમાં,

બેસી જવું ક્યાંયે નથી, મારા સ્વભાવમાં

* * * 

પૂછયાં કરું છું રોજ, ઉત્તર આપતો નથી

માંગી હતી એ ચીજ, ઈશ્વર આપતો નથી

* * * 

 

છું આવવા તૈયાર, લેવાં આવ તો ખરો

લૈ નામ મારું બારણું ખખડાવ તો ખરો.

* * * 

 

હા, આરતી છે, પ્રાર્થના છે ને અઝાન છે

જેને કહે છે તું ગઝલ દિલનું બયાન છે

* * * 

 

ખુશી કેટલી દુશ્મનોને મળે છે?

તમારી કથામાં મને સાંકળે છે

 

ચાલી રહ્યા છે શ્વાસ, બીજું કંઇ નથી

છે તાકમાં આકાશ, બીજું કંઈ નથી